પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સરદાર વલ્લભભાઈ


અમદાવાદના વકીલમંડળમાં સૌ સરદારની બાહોશી, કુનેહ અને વિશેષ તો તેમનું નીડરપણું જોઈ ગયા હતા. સૌને લાગ્યું કે મ્યુનિસિપલ કમિશનરની જગ્યા કાઢી નાખવા માટે ચળવળ ચલાવવાનું અને જ્યાં સુધી એ જગ્યા રદ્દ ન થાય ત્યાં સુધી ગોરા સિવિલિયનને અંકુશમાં રાખવાનું કામ સરદાર જ કરી શકે એમ છે. એટલે એમને મ્યુનિસિપાલિટીમાં દાખલ થવાનો મિત્રો આગ્રહ કરવા લાગ્યા. વળી તે વખતે વકીલાત અથવા પોતાનો જે ધંધો હોય તે સંભાળીને આવાં કામ થઈ શકે એમ મનાતું. એટલે સરદારની કૌટુંબિક વ્યવસ્થાને વાંધો આવે એમ ન હતું. પણ તેમના ખાસ મિત્ર ચિમનલાલ ઠાકોર તેમને કહેતા કે અમદાવાદના જાહેર જીવનમાં પડવા જેવું નથી. અમદાવાદના લોકો ગોરી ચામડીથી કેટલા બીએ છે તેનો પોતાના અનુભવનો એક દાખલો તેઓ આપતા. છપ્પનિયાના દુકાળ વખતે (સને ૧૯૦૦માં) ઢોર બહુ સસ્તાં મળતાં તેથી તેમની કતલ કરી માંસ, ચરબી, ચામડાં વગેરે પરદેશ ચડાવવા માટે એક યુરોપિયને અમદાવાદમાં ખાનગી કતલખાનું જમાલપુર દરવાજા બહાર કાઢ્યું હતું. અમદાવાદની આખી પ્રજા આથી કકળી ઊઠી હતી અને આ બલા અહીંથી જાય એમ સૌ ઈચ્છતા હતા. પાંચેક વકીલો, જેમાં શ્રી ચિમનલાલ ઠાકોર પણ હતા, તેઓ આ કતલખાનું અહીંથી ખસેડવાનું પેલા યુરોપિયનને સમજાવવાના ઇરાદાથી ત્યાં ગયા. પેલા યુરોપિયને આ લોકોનું અપમાન કર્યું અને પોતાના માણસો પાસે તેમને પકડાવી ત્યાં બાંધી રાખ્યા. બીજા વકીલો ગાડીઓમાં બેસી ત્યાં ગયેલા પણ ચિમનલાલ ઠાકોર ઘોડા ઉપર હતા એટલે ત્યાંથી છટકી નીકળ્યા અને મારતે ઘોડે શહેરમાં આવી પોલીસને તથા પકડાયેલા વકીલોને ઘેર ખબર આપી. શહેરમાંથી લોકો લાકડીઓ લઈ ટોળાંબંધ ઊલટ્યા. પેલો ગોરો પોતાનો જીવ બચાવવા રાતોરાત ત્યાંથી નાસી છૂટ્યો. એને અમદાવાદમાંથી કતલખાનું ખસેડવું પડ્યું. પણ શ્રી ચિમનલાલ ઠાકોરનો વિચાર હુમલો, ગેરકાયદે અટકાયત અને અપમાન કર્યા બદલ એના ઉપર ફોજદારી કેસ કરવાનો હતો, તેમાં કોઈએ એમને સાથ ન આપ્યો. એ ઉપરથી એમનો અભિપ્રાય બંધાઈ ગયો હતો કે અમદાવાદીઓમાં જાહેર જુસ્સા જેવી વસ્તુ જ નથી. પણ સરદારે કહ્યું કે લોકો ગમે તેવા હોય તોપણ આપણે જાહેર કામ કરીએ તો જ તેઓ કેળવાય ને? એ વિચારથી તેઓ મ્યુનિસિપાલિટીમાં જવા તૈયાર થયા.

આ બધા વિચારો ચાલતા હતા, તેવામાં દરિયાપુર વોર્ડના મ્યુનિસિપલ મેમ્બર ગુજરી ગયા. તેમની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી થઈ તેમાં સરદાર ઉમેદવાર તરીકે ઊભા થયા અને ચૂંટાઈ આવ્યા. દરિયાપુરના આગેવાન ગૃહસ્થ શ્રી ચંદુલાલ મહાદેવિયા જેમની સાથે એમના મામાના વખતથી