પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી


એવામાં અમદાવાદમાં મ્યુનિસિપલ એન્જિનિયરની જગ્યા ખાલી પડી. તે માટે બે હિંદી ઉમેવારો હતા અને તેઓ પૂરી લાયકાતવાળા હતા. છતાંં પ્રૅટ સાહેબે મૅકાસે નામના એક ગોરાને ઉમેદવાર તરીકે ઉભો કર્યો અને તેને માટે સારી પેઠે ખટપટ કરવા માંડી. સરકારનિયુક્ત કાઉન્સિલરો ઉપર તેમણે ચિઠ્ઠીઓ પણ લખેલી. તેમના આ વિચારોની જાણ થતાં પહેલાં, એક ડેપ્યુટી કલેક્ટરે એક હિંદી ઉમેદવાર માટે કોઈ મ્યુનિસિપલ કાઉન્સિલરને ચિઠ્ઠી આપેલી તેની ખબર પડતાં પ્રૅટ સાહેબ પેલા ડેપ્યુટી કલેક્ટર ઉપર બહુ ગુસ્સે થઈ ગયેલા અને એની બદલી અમદાવાદથી ખેડા કરાવેલી. આ મૅકાસેએ રેલવેમાં એન્જિનિયર તરીકે કામ કરેલું પણ આવડત અને અનુભવની દૃષ્ટિએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર થવા માટે ગોરી ચામડી સિવાય બીજી કશી લાયકાત એનામાં નહોતી. બંને હિંદીઓ અનુભવ અને આવડતમાં એના કરતાં કયાંય ચડી જાય એવા હતા. છતાં ૧૯ વિ. ૨૦ મતથી મૅકાસે એન્જિનિયર નિમાયા. તે વખતના રાજદ્વારી ક્ષેત્રમાં કામ કરનારાઓ પણ અંગ્રેજ અમલદારની શેહમાં કેવા તણાતા તેનો એક દાખલો આ પ્રકરણમાં જોવા મળે છે. મૅકાસેની તરફેણમાં મત આપનારમાં અમદાવાદમાં ૧૯૦૨માં કૉંગ્રેસની બેઠક ભરાઈ તેની સ્વાગત સમિતિના એક સેક્રેટરી અને આ પ્રસંગ વખતે પણ ગુજરાતની મુખ્ય રાજકીય સંસ્થા ગુજરાત સભાના સેક્રેટરી ડૉ. જોસેફ બેન્જામિન હતા. સામસામે લગભગ સરખા મત પડેલા હતા એટલે એમના એક મતથી જ પેલાની પસંદગી થઈ શકી એમ કહી શકાય. આથી બધા ડૉ. જોસેફ બેન્જામિન ઉપર બહુ ચિડાયા.

મૅકાસેની નિમણૂકથી મ્યુનિસિપાલિટીમાં બહુ કચવાટ ઊભો થયો. એના કામમાં એ પાવરધો હોત તો મુશ્કેલીઓ ઊભી ન થાત અને કશો ઝઘડો પણ ન થાત. પણ એ તદ્દન નકામો માણસ હતો. તેવામાં શહેરમાં પાણીની તંગીની બહુ બૂમો પડવા માંડી. શહેરની ઊંચી જગાઓ ઉપર, દાખલા તરીકે ઢાળની પોળ, ત્યાં તો દિવસે પાણી બિલકુલ પહોંચતું જ નહીં. રાતે પણ બહુ થોડું આવે. એટલે શહેરમાં બહુ ખળભળાટ થયો. ગુજરાત સભા તરફથી શહેરીઓની એક સભા ગાંધીજીના પ્રમુખપણા નીચે મળી. તેમાં જે ઠરાવ થયો તેની નકલ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તેમ જ કલેક્ટર તથા કમિશનર ઉપર મોકલવામાં આવી.

કમિશનરે ગુજરાત સભાના સેક્રેટરીઓને મળવા ઈચ્છા દર્શાવી. એમના ઉપર પોતાનો રોષ ઠાલવવાનો જ તેના ઇરાદો હતો. સભાના સેક્રેટરીઓ તરીકે શ્રી શિવાભાઈ મોતીભાઈ પટેલ અને દાદાસાહેબ માવળંકર તેમને મળવા ગયા. કમિશનર સાહેબે રોષ ઠાલવવા માંડ્યો : “તમે આ કાગળ મને શું કામ મોક્લ્યો ?