પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી


ફંફોસીને આ બધું શોધી કાઢ્યું અને જનરલ બોર્ડની મીટિંગમાં પ્રમુખને આ સંબંધી સવાલો પૂછીને પેલા લોકોની દાંડાઈ ઉઘાડી પાડી. તેમનાં નામઠામ તથા કેટલાં વરસથી તેઓ કર ભરતા નથી અને તેમની પાસે કેટલી રકમ બાકી છે તે બધું જાહેરમાં આણ્યું. એક ભાઈ તો સરકારી પેન્શનર, ખાન બહાદુરના ખિતાબધારી અને ઑનરરી ફર્સ્ટક્લાસ મૅજિસ્ટ્રેટ હતા. વળી કર નહીં ભરેલો તે બધો વખત તેઓ મ્યુનિસિપલ મૅજિસ્ટ્રેટ તરીકે કામ કરતા હતા. એટલે જિલ્લા મૅજિસ્ટ્રેટને લખાણ કરી તેમને મ્યુનિસિપલ મૅજિસ્ટ્રેટના પદેથી ઉતારી નાખવાની વિનંતી કરવાની, તેમના ઉપર વારંટ કાઢવાની તથા છેવટે તેમના પાણીના નળ કાપી નાખવાની સૂચનાઓ કરી, તેમની બધી બાકીઓ વસૂલ કરાવી.

આ વખતે વૉટરવર્ક્સનો ઇજનેર એક વાડિયા કરીને હતો તે મ્યુનિસિપાલિટીને માથે ભાગેલો હતો. શહેરમાં પાણીની ભારે બૂમ હતી અને વૉટરવર્ક્સના તે વખતના કૂવાઓમાં પાણીનો પૂરતો જથ્થો ન હતો એટલે કૂવાઓમાંથી પાણી ખેંચવાનું અને શહેરમાં પાણી વહેંચવાનું એ બંને કામ પૂરતી કાળજી રાખીને ખબરદારીથી કરવામાં આવે તો જ લોકોને કાંઈ પણ સંતોષ આપી શકાય એવી સ્થિતિ હતી. પણ આ વાડિયા એન્જિનિયર પોતાના કામમાં ગાફેલ અને બેદરકાર હોવા ઉપરાંત એવો ખાઈબદેલો હતો કે મ્યુનિસિપલ એન્જિનિયરની, પ્રમુખની કે નિષ્ણાતની સુચનાઓનો અમલ જ કરતો નહીં. સરદાર આ માણસને પકડવાની બરાબર તજવીજમાં જ હતા એટલામાં બે ત્રણ પ્રસંગ ઉપરાઉપરી એવા બન્યા જેમાં પેલાની નાલાયકી તદ્દન ઉઘાડી પડી ગઈ.

ચાર મહિનાના ગાળામાં શહેરમાં બે મોટી આગ લાગવાના બનાવ બન્યા. પાણી માટે જે ખાસ નળો ખોલવા જોઈએ તે ખોલવાની બાબતમાં ગફલત કરી તેથી પાણી બહુ મોડું મળી શક્યું અને આગ ઓલવવામાં કેવળ પાણી ન મળવાને કારણે જ વિલંબ થયો અને તેથી ભારે નુકસાન થયું. સરદાર બન્ને વખતે આગને સ્થળે પહોંચી ગયેલા હતા એટલે પાણી બાબતમાં થયેલી આ ગફલત એમણે પ્રત્યક્ષ જોઈ હતી. એટલે બોર્ડની મીટિંગમાં સવાલો પૂછી વૉટરવર્ક્સના ઈજનેરની બેદરકારી જાહેર કરાવી.

વળી આ ઈજનેર વૉટરવર્ક્સમાં ચાર એન્જિન હોવા છતાં ત્રણમાં બહુ સમારકામની જરૂર છે એમ કહી એક જ એન્જિન ચોવીસે કલાક ધમધમાવ્યે રાખતો હતો. એ બાબત પણ સવાલો પૂછીને જનરલ બોર્ડ સમક્ષ એ વિગત રજૂ કરાવી કે જે આ ચોથા એન્જિનમાં કાંઈ સમારકામ કરવાનું થાય અથવા કાંઈ અકસ્માતથી અટકી પડે તો શહેરને બિલકુલ પાણી ન મળે એવું બને. મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ ઇજનેર આ બાબતમાં એને વખતોવખત