વખત સૂચના આપતા પણ એમની સાથે એ બિલકુલ સહકાર કરતો નહીં અને સૂચનાનાં કાગળિયાં દબાવી મૂકતો.
આ એન્જિન ચોવીસે કલાક એકસરખું ચલાવવાથી, શહેરમાં રાતે જે વખતે પાણી ઓછું વપરાતું હોય તે વખતે ટાંકી ભરાઈને ઊભરાઈ જતી હતી અને કૂવાઓમાં પાણીના પુરવઠાની તંગી હોવા છતાં દરરોજ પાંચથી છ લાખ ગૅલન પાણીનો બગાડ થતો હતો. આ બાબત મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ ઇજનેરના રિપોર્ટ એવા હતા કે, અમે બન્નેએ પાણીનો બગાડ અટકાવવાની મિ. વાડિયાને લેખી સૂચનાઓ આપી છે પણ તેનું કશું પરિણામ આવ્યું નથી. મ્યુનિસિપલ ઇજનેરનું કહેવું એમ હતું કે ટાંકીમાંથી વધારે પાણી તો રાતના એકથી પાંચની વચમાં ઊભરાઈ જતું હતું. તે વખતે એન્જિનની ગતિ ધીમી કરવામાં આવે અથવા એન્જિન થોડો વખત બિલકુલ બંધ રાખવામાં આવે તે પાણી ઊભરાઈ ન જાય.
આનો ખુલાસો વાડિયાએ એવો આપલો કે, “એન્જિનની હાલની સ્થિતિ જોતાં તેની ગતિ વચમાં વચમાં ધીમી કરવાનું શક્ય નથી અને શહેરને ઓછું પાણી પૂરું પાડવામાં આવે છે તે વખતે વપરાશના પ્રમાણમાં જ પાણી પમ્પ કરવાનું ગોઠવવું એ પણ શક્ય નથી.”
એક વખત પાંચકુવા દરવાજા બહાર સાકર બજારમાં આગ લાગેલી ત્યારે પણ આ ઇજનેરે ભળતા જ વાલ્વ ખોલી નાખી પાણીનો ભારે બગાડ કરેલો. તે બાબતમાં મ્યુનિસિપલ કમિશનરે એને તાકીદ આપેલી. એ તાકીદનો કાગળ એણે ગુમ કર્યો અથવા જાણી જોઈને એનો નાશ કર્યો એવી હકીકત સરદારે બોર્ડમાં સવાલો પૂછીને બહાર આણી.
આ ઇજનેરની નાલાયકીના આટલા દાખલા બહાર પાડીને આ ઈજનેરનો કેસ સરદાર જનરલ બોર્ડમાં લાવ્યા અને તા. ૧૯-૫-’૧૯ની મીટિંગમાં ઠરાવ રજૂ કર્યો કે, વાડિયા ઈજનેરને એકદમ સસ્પેન્ડ કરવો, મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવી કે શા માટે તેને બરતરફ ન કરવો જોઈએ એનો તેની પાસેથી એ ખુલાસો માગે અને પંદર દિવસની અંદર એ ખુલાસો સૅનિટરી કમિટીના રિપોર્ટ સાથે બોર્ડ આગળ રજૂ કરવામાં આવે. મ્યુનિસિપલ કમિશનરને એવી વિનંતી પણ કરવી કે વૉટરવર્ક્સને લાયકાતવાળા ઈજનેરના ચાર્જમાં મૂકવાની તાબડતોબ તજવીજ કરે.
આ ઈજનેરની સામેનો કેસ આટલો સ્પષ્ટ હતો અને એની બેદરકારી તથા આડાઈને લીધે મ્યુનિસિપાલિટીને તથા શહેરને ભારે નુકસાન થતું હતું તેના ચોક્કસ પુરાવા બોર્ડ આગળ રજૂ થઈ ચૂક્યા હતા છતાં “એને ખુલાસો