લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ

સને ૧૯૧૯ના ફેબ્રુઆરી માસમાં મ્યુનિસિપલ બોર્ડની ત્રૈવાર્ષિક ચૂંટણી થઈ. આ બોર્ડમાં કેટલુંક નવું લોહી મ્યુનિસિપાલિટીમાં દાખલ થયું અને સરદારનો પક્ષ એકંદરે સબળ થયો. જૂના બોર્ડમાં એમનો ખાસ કોઈ પક્ષ નહોતો છતાં એમની બાહોશી અને મહેનતથી અને શહેરના તથા મ્યુનિસિપાલિટીના ભલાની દૃષ્ટિએ એમના કામના ઉપયોગીપણાથી અને ન્યાયીપણાથી તેઓ ઘણાં કામોમાં બહુમતી મેળવી શકતા. તેથી જ બહુ જરૂરી સાફસૂફી તેઓ કરી શકેલા. આ નવી બોર્ડ ચૂંટાઈ તે વખતે રોલૅટ બિલો સામેના આંદોલનને લીધે દેશનું રાજકીય વાતાવરણ ક્ષુબ્ધ હતું છતાં મ્યુનિસિપાલિટીમાં એમનો જે પક્ષ બંધાયો હતો તે રાજદ્વારી હેતુ ધ્યાનમાં રાખીને નહોતો બંધાયો. જુસ્સાથી, ખંતથી અને નીડરપણે લોકહિતનાં કામો કરવા અને આપણું તંત્ર આપણે જ ચલાવી શકવાની તાલીમ મેળવવી અને તાકાત કેળવવી એ જ તેનો ઉદ્દેશ હતો. ગાંધીજી ૧૯૧૫ના આરંભમાં હિંદુસ્તાનમાં આવ્યા અને એપ્રિલ માસથી અમદાવાદને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, ત્યારથી દેશના જાહેર જીવન ઉપર તેમનો પ્રભાવ પડવા માંડ્યો હતો પણ સરદાર લગભગ અઢી વર્ષ સુધી તેમનાથી દૂર રહ્યા હતા. સીધા તેમના પ્રભાવ નીચે તો ૧૯૧૭ના નવેમ્બરમાં ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદ ગાંધીજીના પ્રમુખપણા નીચે થઈ ત્યારથી તેઓ આવ્યા ગણાય. એ પરિષદમાં ગાંધીજીએ કહેલું કે આપણા ગામનું સ્વરાજ જો આપણે દક્ષતાથી, પ્રામાણિકપણે અને ન્યાયી રીતે ન ચલાવી શકીએ તો દેશના સ્વરાજ્યની અંગ્રેજો પાસે માગણી કરવી તેનો કોઈ અર્થ નથી. એ જ દૃષ્ટિબિંદુ આ નવી ચૂંટણીમાં ચૂંટાઈ આવીને જેઓ સરદારના સાથીઓ બન્યા તેમનું હતું. જોકે ૧૯૨૦ના ઉત્તરાર્ધથી સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અસહકારનું સમસ્ત દેશવ્યાપી આંદોલન ગાંધીજીએ ઉપાડ્યું તેને કેવળ એક રાજકીય બાબત ગણવી હોય તો સરદારે અને તેમના સાથીઓએ તેનાથી પ્રેરાઈને મ્યુનિસિપલ શાળાઓ માટે સરકારની ગ્રાન્ટ તથા સરકારના અંકુશો ફગાવી દીધા તેને તેઓએ મ્યુનિસિપલ વહીવટમાં રાજદ્વારી તત્વને દાખલ કર્યું એમ કહેવાય. જોકે સરકારી અંકુશ કાઢી નાખવામાં આપણાં બાળકોની કેળવણી આપણા દેશની પરિસ્થિતિને અનુકૂળ

૫૮