પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ


બનાવવાનો એક ઉદ્દેશ હતો ખરો. વળી મ્યુનિસિપાલિટીની એ લડત કાયદાની મર્યાદામાં રહીને એમણે એવી રીતે ચલાવી હતી કે રાજદ્વારી બાબતોમાં નહીં પડનારા અને અસહકારી તો નહીં જ એવા કાઉન્સિલરોએ પણ સારી સંખ્યામાં તેમાં સાથ આપ્યો હતો. એ બધી વિગતો તો એ વિષેના અલગ પ્રકરણમાં આવશે.

મ્યુનિસિપાલિટીની દૃષ્ટિએ શહેરની સ્થિતિ સુધારવા માટે મ્યુનિસિપાલિટીના કારોબારમાં ખૂબ સાફસૂફી કરવાની જેમ જરૂર હતી તેમ અમુક રચનાકાર્યો પણ ઝડપથી હાથ ધરવાની જરૂર હતી. દાખલ થતાંવેંત જ સરદારે જોઈ લીધું કે શહેરની પાણીની તેમ જ ગટરની વ્યવસ્થા જ્યાં સુધી બરાબર સુધારવામાં ન આવે ત્યાં સુધી શહેરના લોકોનાં અગવડ અને અસંતોષ દૂર કરી શકાય નહીં એટલું જ નહીં પણ પૂરતા પાણી વિના કેટલાંયે આવશ્યક નવાં કામો પણ ઉપાડી શકાય નહીં. અહમદશાહ બાદશાહે અમદાવાદ સ્થાપ્યું ત્યારથી જ એ શહેર ઉદ્યોગધંધાનું તેમ જ કળાકારીગરીનું મોટું મથક રહેલું છે અને તેની આબાદી વધતી જ ચાલેલી છે. મુગલાઈની પડતી પછી બીજાં સ્થળોની માફક અમદાવાદમાં પણ થોડીઘણી અંધાધૂધી ચાલેલી પણ અંગ્રેજી રાજ્ય સ્થિર થયું કે તરત ફરી પાછા તેના હુન્નરઉદ્યોગો અને વસ્તી વધતી રહી છે. ૧૮૯૧માં અમદાવાદમાં વૉટરવર્ક્સની રચના થઈ તે, તે વખતની વસ્તીની ગણતરીએ કરેલી. પણ ત્યાર પછી થોડા જ વર્ષોમાં એ વૉટરવર્ક્સ ઘણું જ નાનું પડવા લાગ્યું. તે વધારવા થાગડથીગડ ઉપાયો કરીને ચલાવવા માંડ્યું પણ સરકારી ઈજનેરો અને નિષ્ણાતોને લાગ્યું કે આવા છૂટાછવાયા ઉપાયોથી પત્તો લાગશે નહીં. પાણીનો જથ્થો વધારવો હોય તો નદીને પાકો બંધ બાંધી પાણી રોકવું જોઈએ અને પાણી સ્વચ્છ મળે તે માટે પાણી ગળાઈને આવે તેની પણ ચોક્કસ યોજના કરવી જોઈએ. એ લોકોએ મુંબઈ સરકાર તરફથી જ આવી યોજના ૧૯૧૧માં તૈયાર કરી. એમાં સઘળી બાજુએથી વિચાર કરવામાં આવેલો હોઈ એ સર્વગ્રાહી યોજના (કોમ્પ્રિહેન્સીવ સ્કીમ) કહેવાતી. તેના ખર્ચનો અંદાજ આશરે નવ લાખ રૂપિયાનો હતો. પણ તેનો અમલ થતાં પહેલાં જુદા જુદા નિષ્ણાતોએ તેમાં જુદા જુદા સુધારા સૂચવ્યા. તેને લીધે ખર્ચનો અંદાજ પણ બદલાતો ગયો. એમાં વળી ૧૯૧૪-૧૮નું મહાયુદ્ધ વચમાં આવ્યું એટલે ૧૯૨૦ સુધી આ યોજનાનો કાંઈ જ અમલ થઈ શક્યો નહોતો; જયારે શહેરમાં પાણીની બુમ તો પડ્યાં જ કરતી હતી. કોઈ કાંઈ ઉપાય સૂચવે ત્યારે આ ‘સર્વગ્રાહી યોજના’ આગળ ધરવામાં આવતી. દરેક ચોમાસામાં કહેવામાં આવતું કે આવતા ઉનાળા વખતે પાણીની તંગી ન પડે એવી ગોઠવણ થઈ જશે, પણ ઉનાળો આવે ત્યારે સ્થિતિ એની એ જ હોય.