પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એના કરતાંયે આ પ્રકરણો પરથી જે હકીકત જાણવાની મળે છે તે એ છે કે ગાંધીજીને માર્ગે પ્રજાને ઘડવાને જરૂરી સાધના સરદાર પટેલે ખૂબ ચીવટથી, ધીરજથી અને ખંતથી વર્ષો સુધી કરી હતી. આ પુસ્તકમાં એક રીતે કહીએ તો એ સાધનાના કાળની વિગતો જ આવી છે. એ સાધના મારફતે સરદારે જે જે શક્તિ કેળવી તેનો લાભ હિંદની પ્રજાને કેવી રીતે મળે અને દેશની સ્વતંત્રતાની લડત પાર પાડવામાં ને તે પાર પડ્યા પછી વસમા વખતમાં દેશનું સુકાન ધીરજ તેમ જ દૃઢતાથી સંભાળી આજે તે શક્તિઓનો તેઓ કેવો ઉપયોગ કરે છે તેની વિગતો હવે પછી પ્રગટ થનારા આ ચરિત્રના ઉત્તર ભાગમાં આવશે. એ ભાગ પૂરો કરી આપવાનું નરહરિભાઈએ માથે લીધેલું છે એ જાણીને વાચકો રાજી થશે.

બીજી એકબે વાતો પણ અહીં નોંધી લેવી જોઈએ. સરદારને વિષે એક એવી માન્યતા પ્રચલિત છે કે રચનાત્મક કાર્યક્રમને વિષે એઓ કશું સમજતા નથી ને તેની એમને કશી પડી નથી. પ્રજાને કેળવવાને કેવાં કેવાં રચનાત્મક કામ કરવાનાં રહે છે તેનો ખ્યાલ ઝાઝા લોકોને હોતો નથી. પરંતુ ગાંધીજીની સાથે જોડાયા પછી સરકારે રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રમાં સરકાર સામે પાર પાડેલાં કામો, ખાદીના ક્ષેત્રમાં કરેલાં કામો, રેલસંકટ પછી ફરી વ્યવસ્થા ઊભી કરવાને સમે કરેલાં કામો, ગૂજરાત વિદ્યાપીઠના ઘડતર અને સંગોપનમાં બતાવેલી કાળજી, અમદાવાદ શહેરના વિકાસને માટે મ્યુનિસિપાલિટી મારફતે કરેલો શ્રમ, એ બધાં પરથી રચનાનાં કાર્યો વિષે સરદારને કેવો આગ્રહ અને મમતા છે. એનો ચોખ્ખો ખ્યાલ મળી રહે છે.

બીજું સરદારને વિષે એમ મનાય છે કે એમને કુટુંબજીવન જેવું કશું નહોતું ને નથી, ને એ બાબતની લાગણી પણ નથી. એક રીતે રાષ્ટ્રના કાર્યમાં પડ્યા પછી સરદાર પટેલે અંગત જીવનની, કુટુંબ જીવનની અને એવી બીજી જંજાળ વધારે પડતી રાખી નથી એ સાચું છે. રાષ્ટ્રની સેવાની ફરજ સાથે લીધા પછી છેક સંન્યાસીની માફક નહીં તો તપસ્વીની માફક એમણે પોતાનું જીવન વીતાવ્યું છે એમ પણ આ પ્રકરણો પરથી જણાય છે. પરંતુ શરૂઆતનાં પ્રકરણોમાં આપવામાં આવેલી કુટુંબજીવનની વિગતો પરથી અને ‘ગૃહજીવનમાં ડોકિયું’ એ સ્વતંત્ર પ્રકરણ પરથી સરદારને પોતાનાં નિકટનાં સગાં અને પોતાનાં બાળકો માટે કેવો ઊંડો પ્રેમ હતો ને તેમની સેવા કરવાને તે હમેશ કેટલું કરતા રહેતા એ સાફ દેખાય છે. પોતાની ઉત્કટ લાગણીઓને ઊંડાણમાં સંઘરી રાખવાની ને એ વિષે કદી ઝાઝું ન બોલવાની પ્રકૃતિમાંથી ઊભી થયેલી સરદાર વિષેની આ ખોટી સમજ પણ આ ચરિત્રનાં પ્રકરણોથી દૂર થાય છે.