પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સરદાર વલ્લભભાઈ


વસ્તુ એમને જરાયે આકર્ષી જ શકતી નહોતી. છતાં અમદાવાદની આ પરિષદ થઈ ગયા પછી મિત્રોએ જ્યારે એમને આગ્રહ કરવા માંડ્યો કે સિવિલિયન મ્યુનિસિપલ કમિશનરને અંકુશમાં રાખવા માટે મ્યુનિસિપલ બોર્ડમાં એનો દૃઢતાપૂર્વક વિરોધ કરી શકે એવા સમર્થ કાઉન્સિલરની જરૂર છે અને તમારે બીજા કશા માટે નહીં તો ખાસ એટલા માટે પણ મ્યુનિસિપાલિટીમાં આવવું જોઈએ, ત્યારે એમની રગમાં જ રહેલી યોદ્ધાવૃત્તિથી સહેજે આવી મળેલા પ્રજાહકના રક્ષણ માટેના યુદ્ધપ્રસંગનો ઇનકાર થઈ શક્યો નહીં અને એ મ્યુનિસિપાલિટીમાં ગયા. જોકે સાથે એ પણ કહેવું જોઈએ કે મ્યુનિસિપલ કામ એ એમના સ્વભાવમાં જ છે. કેવળ અંગત જ નહીં પણ પોતાની આસપાસના આખા વિસ્તારની સ્વચ્છતા અને સુઘડતાનો વિચાર કરવો અને તે સાચવવાની ભારે ચીવટ રાખવી એ એમના હાડમાં જ છે. ચોખ્ખાઈની ખાંખત એમના આખા કટુંબમાં વંશપરંપરાથી ઊતરી આવેલી જણાય છે. એટલે મ્યુનિસિપલ કામ ઉત્સાહથી એમણે લીધું અને શોભાવ્યું. રાજદ્વારી કામને માટે એમને પ્રેરણા મળવાની, દર્શન લાધવાની હજી વાર હતી. એમની યોદ્ધાવૃત્તિને પૂરો અવકાશ મળે એવો માર્ગ બતાવનાર મળી આવતાં તેમાં ઝંપલાવતાં એમણે વાર લગાડી નહોતી.

સને ૧૯૧૫ના આરંભમાં ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા. શાંતિનિકેતનમાં થોડું રહી એપ્રિલ મહિનામાં અમદાવાદ આવ્યા અને કોચરબ નામની પરાની પાસે બંગલો ભાડે રાખી ત્યાં પોતાના આશ્રમનો આરંભ કર્યો. આશ્રમની તેમ જ આશ્રમના એક અંગ તરીકે કાઢવા ધારેલી રાષ્ટ્રીય શાળાની યોજના સમજાવવા તેઓ બેએક વખત ગુજરાત ક્લબમાં આવેલા. બીજા ઘણા સભ્યો એમને સાંભળવા એકઠા થયેલા પણ સરદાર પોતાના મિત્રો સાથે ક્લબના મકાનના ઓટલા ઉપર બેઠા બેઠા પાનાં (બ્રિજ) રમતા હતા તે ત્યાંથી નીચે નહીં ઊતરેલા. દાદાસાહેબ માવળંકરે એક સ્થળે લખ્યું છે કે, હું સરદારની મંડળીમાં બેઠો હતો ત્યાંથી ગાંધીજી પાસે જવા ઊઠ્યો ત્યારે એમણે મને ‘એમાં શું સાંભળવાનું છે ?’ એમ કહીને રોકવા માંડેલો. છતાં કાંઈ નવીન હોય એને વિષે કુતૂહલવૃત્તિ એવી હોય છે કે સરદાર અને એમના બીજા સાથી રમનારાઓના કાન તો ગાંધીજીની વાત તરફ જ મંડાયેલા હોવા જોઈએ. કાંઈક ત્રાંસી નજર કરીને વખતોવખત એમના તરફ તેઓ જોતા પણ હશે. કારણ થોડી વાર પછી એમની મંડળીમાંના એક બૅરિસ્ટર ચિમનલાલ ઠાકોરથી ન રહેવાયું, તે ગાંધીજી પાસે આવીને કહેવા લાગ્યા: “ગાંધી સાહેબ, તમે તો મોટા માણસ છો પણ તમે આ પાઠશાળા કાઢવાનું કહો એવી પાઠશાળામાં ભણાવીને છોકરાઓને भिक्षां देहि કહીને ભીખ માગતા અમારે નથી કરવા. એવા લોટ માગી ખાતા છોકરાઓની