પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
ગુજરાત સભા


પાઠશાળાઓ અમદાવાદમાં બહુયે છે.” ગાંધીજી પોતાની વાતમાં અંગ્રેજી શબ્દ બિલકુલ ન આવે એની કાળજી રાખતા એટલે એમણે હાઈસ્કૂલ જ્યાં અભિપ્રેત હોય ત્યાં પાઠશાળા શબ્દ વાપર્યો હશે અને વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતીની સાથે જ હિંદી અને સંસ્કૃત પણ શીખવવું જોઈએ એમ કહ્યું હશે તે ઉપરથી શાસ્ત્રીઓની સંસ્કૃત પાઠશાળા જેવું કાંઈક ગાંધીજી કાઢવા માગે છે એમ કલ્પી લઈને ચિમનલાલ ઠાકોરે આ પ્રમાણે વિરોધ કરેલો. એ ગમે તેમ હોય પણ ગાંધીજીની ગુજરાત ક્લબમાંની વાતોથી સરદાર એમના પ્રત્યે આકર્ષાયેલા નહીં એટલું ખરું.

પણ ૧૯૧૭ના એપ્રિલમાં ચંપારણ જિલ્લામાંથી ચાલી જવાના મેજિસ્ટ્રેટના હુકમનો ગાંધીજીએ સવિનય અનાદર કર્યો, તેનો એમના ઉપર કેસ ચાલ્યો અને તે વખતે કોર્ટમાં એમણે જે ગૌરવયુક્ત નિવેદન કર્યુંં, એ બધું છાપામાં આવ્યું ત્યારે બધાને થયું કે આ કંઈ ખરો મર્દ છે. થોડા દિવસ તો ક્લબમાં મુખ્ય વાત એ જ ચાલી. ગાંધીજી માટે આદરની લાગણી ખૂબ વધી ગઈ અને સૌએ ઠરાવ્યું કે ગુજરાત સભાના પ્રમુખ થવા એમને વિનંતી કરવી.

સરદાર સને ૧૯૧૫થી ગુજરાત સભાના સભ્ય થયેલા, પણ તેના કામકાજમાં સક્રિય ભાગ લેતા નહીં. જોકે જાહેરજીવનની શુદ્ધિના હિતનું, પણ આગળ પડીને કરવા જતાં કાંઈક કડવાશ વહોરવી પડે એવું એક કામ સભાને કરી આપેલું. સભાના ત્રણ મંત્રીઓનાં નામ આ પ્રકરણમાં જ આપ્યાં છે. તેમાંથી શ્રી ગોવિંદરાવ પાટીલ ગુજરી ગયા એટલે એમની જગ્યાએ શ્રી કૃષ્ણલાલ નરસીલાલ દેસાઈ જે અમદાવાદમાં બચુભાઈના નામથી વધારે જાણીતા હતા તેમને નીમવામાં આવ્યા. બીજા મંત્રી શ્રી શિવાભાઈ પટેલ તો હતા જ, ત્રીજા મંત્રી ડૉ. જોસેફ બેન્જામિન હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સને ૧૯૧૬ની સાલમાં ઈજનેરની નિમણૂક કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે વધારે લાયકાતવાળા હિંદી ઈજનેરો ઉમેદવાર તરીકે હોવા છતાં ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટની ઈચ્છાને આધીન થઈ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વધુમતીથી એક ગોરા ઈજનેરની નિમણૂક કરેલી અને તેને સરદારે હુરિયો કરાવી ભગાડેલો એ વાત આ પહેલાંના પ્રકરણમાં કહેવાઈ ચૂકેલી છે. ગુજરાત સભામાં ઘણાં વર્ષોથી મંત્રીપદ ભોગવતા અને ૧૯૦૨માં અમદાવાદમાં કૉંગ્રેસ ભરાઈ ત્યારે તેની સ્વાગત સમિતિના પણ જેઓ મંત્રી હતા તે ડૉ. જોસેફ બેન્જામિને સરકારી અમલદારને ખુશ કરવા આ ગોરા ઈજનેરની તરફેણમાં મત આપેલો. છતાં ગુજરાત સભાના મંત્રીપદેથી એમને ખસેડવાની દરખાસ્ત કોઈ સભ્ય લાવતા નહોતા. મનમાં એટલી જ વૃત્તિ કે કોણ કડવા થાય ? આપણું શું જાય છે ? તે વખતના જાહેરજીવનમાં આ પ્રકારની શિથિલતા તો કેટલીયે નભી જતી.