પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સરદાર વલ્લભભાઈ


સરદારના સભ્ય થયા પછી મંત્રીઓની નિમણૂકનો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે ઝટ ઊભા થઈને જૂના ત્રણ મંત્રીઓમાંથી ડૉ. જોસેફ બેન્જામિનનું નામ કાઢી નાખી દાદાસાહેબ માવળંકરના નામની દરખાસ્ત મૂકી. સૌને એ દરખાસ્ત એકદમ ગમી ગઈ અને સર્વાનુમતે એનો સ્વીકાર થયો.

ગુજરાત સભાએ ૧૯૧૭માં ગાંધીજીને પોતાના પ્રમુખ નીમ્યા પછી નક્કી કર્યું કે ગુજરાતમાં દર વરસે રાજકીય પરિષદો ભરવી. પહેલી પરિષદના સ્થળ તરીકે ગુજરાતના પછાત ગણાતા પંચમહાલ જિલ્લાનું ગોધરા શહેર પસંદ કરવામાં આવ્યું. પસંદગીમાં ત્યાંના વતની શ્રી વામનરાવ મુકાદમનો ઉત્સાહ પણ મોટું કારણ હતો. તેઓ તિલક મહારાજના અનુયાયી હતા અને બંગભંગના વખતથી રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા. તાજેતરમાં હોમરૂલની પ્રવૃત્તિને અંગે વેઠવારા નાબૂદ કરવાની ચળવળ ઊપડી હતી તેમાં તેઓ આગળપડતો ભાગ લેતા હતા. જ્યારે સરકારી અમલદારોનો ગામડાંમાં મુકામ થતો ત્યારે ગામના વસવાયા લોકોને અમલદાર તથા તેની કચેરીના માણસોની બધી સગવડોને માટે જુદાં જુદાં કામ ફરજિયાત કરવાં પડતાં અને તે માટે પૂરા દામ મળતા નહીં અને ઘણી વાર તો બિલકુલ મળતા નહીં, સુથારને સાહેબના તંબૂ ઠોકવા માટે લાકડાંની ખૂંટીઓ તૈયાર કરી આપવી પડતી, કુંભારને માટીનાં વાસણ પૂરાં પાડવાં પડતાં તથા પાણી ભરવું પડતું, વાળંદને વાળવાઝૂડવાનું અને દીવાબત્તીનું કામ કરવું પડતું, ભંગીને સફાઈનું અને સંદેશા પહોંચાડવાનું કામ કરવું પડતું, ગામના વાણિયાને જોઈએ તે સીધુંસામગ્રી પૂરી પાડવી પડતી, અને સાહેબનો મુકામ એક ગામથી ઊપડી બીજે જાય ત્યારે ખેડૂતોને તમામ સરસામાન પહોંચાડવા ગાડાં જોડવાં પડતાં. આમ ગામના દરેક માણસને કાંઈ ને કાંઈ કામ કરવાનું આવતું. એ બધાની વ્યવસ્થા ગામનો મુખી પટેલ કરતો. સાહેબનો મુકામ હોય ત્યાં સુધી એને અને એના રાવણિયાઓને ખડે પગે હાજર રહેવું પડતું અને સાહેબ ઉપરાંત શિરસ્તેદાર તથા કારકુનોની મરજી ઉઠાવવી પડતી. આ બધાં કામોનું યોગ્ય મહેનતાણું તથા પૂરા પાડેલા સીધાસામાનની વાજબી કિંમત ભાગ્યે જ મળતી. બધા લોકોને મુકામ ઉપર કલાકના કલાકો દિવસો સુધી ખોટી થવું પડતું એ વધારામાં. જે જે ગામમાં હોમરૂલ લીગની સ્થાપના થઈ હતી તે તે ગામે લીગના સભ્યોએ આ વેઠવારાની સામે ચળવળ શરૂ કરી હતી

ગોધરાની પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ ગાંધીજીને નીમવામાં આવ્યા. ગાંધીજીએ આ પરિષદને અત્યાર સુધી દેશમાં ભરાતી રાજકીય પરિષદોમાં અનેક રીતે અપૂર્વ બનાવી. પરિષદ ગુજરાતની હતી છતાં મુંબઈના ઘણા રાજદ્વારી આગેવાનોએ એમાં હાજરી આપી હતી. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ