પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
ગુજરાત સભા


જ તેઓ સાહેબ ખૂબ ગુસ્સે થયા અને ‘ઉદ્ધત’ (impertinent) એમ કહી પોતાના ટેબલની નીચે રહેતી કચરાની ટોપલીને હવાલે એ કાગળને કર્યો. એ બાતમી સરદારને પોતાની ખાનગી વ્યવસ્થા મારફત મળી. કમિશનરનું આ કૃત્ય પ્રજાનું ચોખ્ખું અપમાન કરનારું અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રત્યે તિરસ્કારની લાગણી પ્રગટ કરનારું હતું.

તે વખતે ગાંધીજીએ ચંપારણના કિસાનોમાં રચનાત્મક કામ ઉપાડ્યું હતું અને તેઓ વધુ વખત ત્યાં જ રહેતા, છતાં દર મહિને અમદાવાદ થોડા દિવસ આવી જતા. આવે ત્યારે અહીં પોતાની દેખરેખ નીચે ચાલતાં કામકાજ બાબતમાં સલાહ સૂચના આપતા. તેમણે કહ્યું કે આ ન નિભાવી લઈ શકાય એવું આપણું અપમાન તો છે જ, છતાં કમિશનરને આપણા કાગળની યાદી આપતો એક બીજો કાગળ લખો. આ કાગળની પણ પહેલા કાગળના જેવી જ વ્યવસ્થા કમિશનરે કરી એમ જાણવામાં આવ્યું. એટલે ગાંધીજીની સલાહ પ્રમાણે સરદારે ત્રીજો કાગળ લખ્યો. તેમાં પહેલા બે કાગળનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે અમારા પ્રથમના કાગળમાં જણાવ્યા મુજબ વેઠની પ્રથા ગેરકાયદે છે એ અમારી માન્યતાની વિરુદ્ધ કાંઈ પણ આધારો આપના તરફથી મળ્યા નથી. તેથી એ કાગળમાં જણાવ્યા પ્રમાણે વેઠના ગેરકાયદેપણા વિષે પ્રજાને જાહેર ચેતવણી આપતી અને હવેથી લોકોએ વેઠ કરવી નહીં એવી સલાહ આપતી પત્રિકા પરિષદ તરફથી કાઢવામાં આવશે. જો તેમાં કાંઈ કાયદાનો વાંધો હોય તો દસ દિવસની અંદર અમને જણાવશો. આ કાગળ જોઈ કમિશનર ખૂબ રોષે ભરાયા. તેમણે જવાબ આપ્યો કે આ બાબત ચર્ચા કરવા માટે કમિશનર સાહેબને મંત્રીએ અમુક દિવસે અમુક વખતે શાહીબાગ મળવા આવવું. સરદારે જવાબ આપ્યો કે મને આ બાબતમાં કાંઈ ચર્ચા કરવા જેવું લાગતું નથી. માત્ર કાયદાના આધારે કાંઈ હોય તો આપ લખી જણાવશો. છતાં આપને મળવું હોય તો પરિષદની ઓફિસમાં અમુક વખતે મને મળવા આવશો તો હું ખુશીથી મળીશ. મિ. પ્રૅટ જેવા મોટા અધિકારીને માટે આ તો વળી છેક જ નવી વાત હતી. પણ બે કાગળોના જવાબ પોતે જ આપ્યા નહોતા એટલે શું કરે ? મનમાં સમસમીને બેસી રહ્યા. સરદારે તો દસ દિવસની મુદત વીત્યે પત્રિકા પ્રસિદ્ધ કરી ગુજરાતમાં ગામડે ગામડે ખૂબ વહેંચાવી. દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ પ્રચાર કરવા નીકળી પડ્યા. શ્રી વામનરાવ મુકાદમે આખા પંચમહાલ જિલ્લામાં પ્રવાસ કરી ખૂબ કામ કર્યું. વેઠ વિરુદ્ધની હિલચાલે સારું જોર પકડ્યું. કેટલાક કેસો પણ થયા. વેઠની પ્રથા છેક જ નાબૂદ થઈ ગઈ એમ તો ન કહેવાય પણ એનો ત્રાસ બિલકુલ નીકળી ગયો.