પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ખેડા સત્યાગ્રહ – ૧

તપાસ અને રાહતના પ્રયાસો

જ્યારથી ગાંધીજીએ હિંદુસ્તાનમાં આવીને અમદાવાદમાં વસવાટ કર્યો ત્યારથી ગાંધીજી કોઈ સત્યાગ્રહની લડત ઉપાડે એને માટે શ્રી મોહનલાલ પંડ્યા બહુ ઉત્સુક હતા. તેઓ ખેડા જિલ્લાના કઠલાલ ગામના વતની હતા અને વડોદરા રાજ્યમાં ડેરી સુપરિન્ટેન્ડેન્ટ હતા. તેમના રાજદ્વારી વિચારો બહુ ઉદ્દામ હતા. સને ૧૯૦૪-૫માં બંગભંગની ચળવળ પછી બૉમ્બની જે ત્રાસવાદી પ્રવૃત્તિ ચાલી તે પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી એટલું જ નહીં પણ તેમનું વિશેષ આકર્ષણ હતું. સને ૧૯૦૯માં વાઈસરૉય લૉર્ડ મિન્ટો અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે શહેરમાં તેમના ફરવાને માટે નક્કી થયેલા રસ્તા ઉપર રાયપુર દરવાજા બહાર એક બૉમ્બ મળી આવેલો તે મૂકનાર આ પંડ્યાજી હશે એવો છૂપી પોલીસખાતાને વહેમ હતો. વળી ‘વનસ્પતિની દવાઓ’ એ નામની નનામી છપાયેલી ચોપડીમાં, આપણા દેશમાં નકામી વનસ્પતિ (અંગ્રેજોરૂપી) બહુ ઊગી નીકળી છે તેનો નાશ કરવાની દવાઓ આ ચોપડીમાં અમે આપીએ છીએ એમ કહીને જુદી જુદી જાતના બૉમ્બ બનાવવાના નુસખા આપેલા હતા. એ ચોપડી સરકારે જપ્ત કરી હતી. પણ તેના લખનાર અને છપાવનાર શ્રી મોહનલાલ પંડ્યા છે એ વાત ઘણા લોકો જાણતા હતા. પોલીસને પણ તેમના ઉપર વહેમ હતો પણ કશો પુરાવા મળી શક્યો નહોતો. ૧૯૧૧ના ડિસેમ્બરમાં બાદશાહ પંચમ જ્યૉર્જ હિંદુસ્તાન આવેલા અને તેમના રાજ્યાભિષેકનો દરબાર દિલ્હીમાં ભરાયેલો તે વખતે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે ઠરાવેલા નિયમ પ્રમાણે કુરનિસ નહીં બજાવેલી તે કારણસર તેમના ઉપર હિંદ સરકારની તવાઈ આવેલી. તે નિમિત્તે ગાયકવાડી રાજ્યમાંના જે અમલદારો તથા સંસ્થાઓ ઉપર બ્રિટિશ પોલીસખાતાને વહેમ હતો તે અમલદારોને રાજ્યની નોકરીમાંથી છુટા કરવાની તથા તે સંસ્થાઓને બંધ કરવાની ગાયકવાડને ફરજ પાડવામાં આવેલી. આ સપાટામાં પંડ્યાજી પણ આવી ગયા. પછી બ્રિટિશ પોલીસ એમના ઉપર દેખરેખ અને જાપ્તો રાખવાને બહાને એમને બહુ હેરાન કરતી હતી. ગાંધીજીને મોહનલાલ પંડ્યાએ પોતાનાં બધાં વીતક કહી સંભળાવ્યાં ત્યારે એમણે સલાહ આપી કે તમારી તમામ હિલચાલ અને પ્રવૃત્તિઓ પોલીસને

૭૬