પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સરદાર વલ્લભભાઈ

વલ્લભભાઈ : “પણ શું થાય ? બાપુની રીત કઢંગી છે. બાપુએ આ પગલાં *[૧] વિષે શાસ્ત્રી જેવાને પણ વાત કરી હોત તો સારું હતું. કોણ એમ ધારે કે આવું પગલું બાપુ લેશે ? દેશમાં કોઈ પણ જણ આ પગલાની કલ્પના કરે એમ હું માનતો નથી.”

તા. ૨૦-૮-’૩૨ : આજે મને અને વલ્લભભાઈને કોઈ પણ રીતે આ ખબર બહાર પહોંચી જવા જોઈએ એવા બહુ વાર વિચાર આવ્યા. પણ બાપુના વચનનો ભંગ કેમ થાય ? બાપુ તો વચન આપીને બેઠા છે કે અમારા તરફથી તો આ વાત ક્યાંયે બહાર ન જાય. એટલે બાપુને શી રીતે બેવફા થઈ શકાય ? વલ્લભભાઈ ભારે મુંઝાયેલા હતા.

તા. ૨૧-૮-’૩૨ : આજે સવારે પાછી ચુકાદા ઉપર વાતો ચાલી. જયશંકર, સપ્રુ અને ચિંતામણિના અભિપ્રાયો ચર્ચાયા.

બાપુ કહે: “સપ્રુનાથી જયકર અહીં છૂટા પડશે એમ આશા રાખીએ.”

વલ્લભભાઈ : “બહુ આશા રાખવા જેવું નથી.”

બાપુ: “વિલાયતમાં પણ આ બાબતમાં એના વિચાર જુદા પડતા હતા એટલે આશા રાખીએ. બાકી તો શું ?”

વલ્લભભાઈ : “ચિંતામણિએ આ વખતે બરોબર શોભાવ્યું.”

બાપુ : “કારણ ચિંતામણિ એ હિંદી છે જ્યારે સપ્રુનું માનસ યુરોપિયન છે. ચિંતામણિ સમજે છે કે આ ચુકાદામાં જ બંધારણ ઘણું આવી જાય છે. પેલા એમ માને છે કે બંધારણ મળ્યું એટલે પછી આવી બાબતોની ફિકર જ નથી. …”

મેં કહ્યું : “માલવીજી કેમ ચૂપ છે ?”

બાપુ: “માલવીજીને કંઈ બોલવાપણું નહીં હોય. એ તો કદાચ વિચારતા હશે કે આમાં હવે શું થાય ? અને મારા વિચારોની તો ખબર નથી. એટલે મૂંઝાઈ રહેલા હશે.”

વલ્લભભાઈ : “એ જ તમારી સાથે દુઃખ છે ના? કે તમે આખર સુધી કશું જાણવા દેતા નથી, અને તમારી સાથેના માણસની સ્થિતિ પણ પણ્ કફોડી કરી મૂકો છો. તમારી સામે તમારા સાથીઓની આ તકરાર છે. સૌને એમ લાગે છે કે તદ્દન ન કલ્પેલી સ્થિતિમાં તમે અમને સૌને ફેંકો છો.”

બાપુ: “પણ એમાં શું થાય ?”

વલ્લભભાઈ : “અમને પણ કોઈ કહેશે ને કે તમે સાથે હતા. તમે ગમે તે રીતે એ વસ્તુની ખબર તો બહાર આપી શકતા હતા. ડાહ્યાભાઈ તો દર અઠવાડિયે આવે છે, એની સાથે ખબર આપી શકાત.”

બાપુ: “એ તો કેમ જ થઈ શકે ? આપણે એમને એમ કહીએ કે જાઓ, અમે તો હવે આ વસ્તુને ગમે તે રીતે પ્રગટ કરીએ છીએ ? એમને આપણે વચન આપી ચૂક્યા કે અમારા તરફથી આ વસ્તુ બહાર ન આવે એટલે થયું. … નહીં વલ્લભભાઈ, આ વસ્તુની પહેલેથી જાણ થવામાં કાંઈ લાભ નથી. બધું ચૂંથાઈ જાય. અચાનક ભડાકો થાય એ જ બરાબર છે. …


  1. * કોમી ચુકાદા સામે ઉપવાસનું પગલું