પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સરદાર વલ્લભભાઈ

તા. ૭-૯-’૩૨ : બાપુ : “નવા બંધારણમાંથી આપણે દૂર જ રહેવાનું છે એમ નથી. જો એમાં ભાગ લઈને કાંઈ થઈ શકે એમ લાગે એટલે કે આપણા ધ્યેય તરફ આગળ વધી શકાય એમ છે એવું લાગે તો જરૂર અંદર દાખલ થવું. એ બંધારણ કેવી જાતનું હશે તેની ઉપર આધાર છે. પણ કૉંગ્રેસ જો સાવ એક નાનકડી લઘુમતી થઈ જાય છે તો લોકોને ગમે કે ન ગમે, અસહકારના માર્ગ સિવાય બીજો રસ્તો નથી.”

વલ્લભભાઈ : “મારો પણ એ જ અભિપ્રાય છે. સરકારી નોકરો ગામડિયાઓને જે ત્રાસ આપી રહ્યા છે, એ અંદર પેઠા વિના ઓછા ન થઈ શકે. પણ એ તો અંદર જઈને કાંઈ અસરકારક થઈ શકે એમ હોય તો જ. સરકારી નોકરીઓ બધી ગૅરંટીવાળી હોય, પગારો ઓછા થઈ શકે એમ હોય જ નહીં, નવા કર ન નાખી શકાય એમ હોય, તો એ દેવાળિયો વહીવટ હાથમાં લઈને શું કરીએ ?”

તા. ૨-૧૦-’૩ર : બાપુના ઉપવાસ દરમિયાન વલ્લભભાઈનો વિનોદ સુકાઈ ગયેલ હતો તે પાછો હવે પૂર બહારમાં ખીલ્યો છે. એમના કબાટમાંથી અનેક ટુવાલો સ્પંજ બાથ આપવાને માટે કાઢેલા તેની વાત નીકળતાં બાપુ કહે : “હું બધાનો હિસાબ માગીશ.”

વલ્લભભાઈ : “એ હિસાબ શેનો અપાય ? અમે તો તમને ખોઈને બેઠેલા હતા. અમને થોડી જ ખબર હતી કે હિસાબ માગવાને માટે પાછા આવવાના છો ?” બાને કહે : “જુઓ ને બા, આમના જુલમ. માલવીજીની પાસે ખાદી પહેરાવી, અસ્પૃશ્યને અડકાડ્યા, જેલમાં લાવ્યા, વિલાયત લઈ ગયા અને હવે અસ્પૃશ્યોની સાથે રોટીબેટી વ્યવહાર પણ કરાવશે !”

જેલના ઘંટાનો રણકાર ઘણી વાર સંભળાય તે તરફ મેં બાપુનું ધ્યાન ખેંચ્યું. વલ્લભભાઈ કહે: “ઉપવાસનો રણકાર એટલો સંભળાય તો કેવું સારું !”

તા. ૧૪-૧૦-’૩ર : વાઈસરૉયનું વિમાન અમારા માથા પરથી ઊડતું અમારી પડોશમાં ઊતર્યું. બાપુ કહે : “કેટલો મદ છે? એક રેસમાં આવવા માટે હજારો રૂપિયાનું પાણી.”

વલ્લભભાઈ : “અહીં આવીને એને બતાવવું છે કે અહીંં મારું રાજ છે, અને ગાંધી અહીં કેદી છે.”

આજે સવારે વલ્લભભાઈ કહેતા હતા કે, “એક જવાબદાર અંગ્રેજ અમલદાર આવું બોલે તે બહુ વિચિત્ર લાગે છે.”

વાત એમ બની હતી કે એક દિવસ અમે જમવા બેઠા હતા, ત્યાં પેલા સાહેબ આવીને વાતવાતમાં કહે: “ગાંધી આ જગતનો બીજો મોટો પાખંડી છે.” અમે પૂછ્યું, “પહેલો કોણ ? ” પેલો કહે : “પહેલો જિસસ હતો.” આ કહીને તેણે ઉમેર્યું: “આ લોકો નૈતિક જગતની જે વાતો કરે છે, તેમાં હું માનતો નથી. હું તો મદ્ય અને માનિનીના આધુનિક જગતમાં માનું છું.”

વલ્લભભાઈ કહે : “એ જ જાતનો આપણો ઢાંઢો *[૧] છે.”


  1. લૉર્ડ વિલિંગ્ડન.