પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
સરદાર વલ્લભભાઈ

વલ્લભભાઈ : “ના, એ તો આપ્યા વિના ચાલે ? આપણે ચર્ચા કરી લીધી એટલે બસ.”

બાપુ : “ નહીં, આ તો હું તાત્ત્વિક સવાલ પૂછું છું કે આ સમયે શું કરવું ? ”

વલ્લભભાઈ : " અભિપ્રાય આપવો જોઈએ. રાજાજી અહીં હોય તો જરૂર પુછાય. પણ રાજાજી નથી એટલે આપી દેવો જોઈએ. ”

તા. ૩૧-૧-'૩૩ : રાત્રે અને સવારે મતગણતરી વિષે અને એને માટે રાજાજીનો ઉત્તર હિંદુસ્તાનમાં ઉપયોગ કરવા વિષે વલ્લભભાઈએ ગરમાગરમ ચર્ચા કરી. રાજાજીએ આ કામમાં ન પડવું જોઈએ. ઉત્તર હિંદમાં એનું કોઈ ન સાંભળે, લોકો એના કાર્યનો અનર્થ કરશે, એની ફજેતી થશે, વગેરે. એ ભલે મદ્રાસમાં રહે, અને આ જ કામ કરે. મંદિર ખોલાવે અથવા મંદિરના સત્યાગ્રહો કરાવે. મતગણતરી ભલે થાય. પણ તેની આગળનું ધ્યેય પણ સ્પષ્ટ હોવું જોઈએ. નહીં તો મતગણતરીથી પણ કશું ન વળે.”

બાપુએ કહ્યું : “લોકો આપણી સાથે મક્કમ રીતે છે એ વિશે મારી શંકા વધતી જાય છે.”

વલ્લભભાઈ : “આપણને એ બતાવવાની તક જ નથી મળી. જ્યાં સુધી મતગણતરીથી અમુક પરિણામ આણવું છે એમ લોકોને કહેવામાં ન આવે ત્યાં સુધી એ મતગણતરીનો અર્થ નથી. સનાતનીઓ પણ ગમે તેટલી સહી મેળવીને કહેશે કે અમારી બહુમતી છે.”

તા. ૧૦-૨-'૩૩ : આપાસાહેબ પટવર્ધનની બાબતમાં બાપુ કહે: “મારે તો કદાચ ઉપવાસની ચોવીસ કલાકની નોટિસ આપવી પડશે.”

વલ્લભભાઈ ખૂબ ચિડાયા: “ તમે આમ ટાણે કટાણે ઉપવાસની નોટિસ આપો એનો કશો અર્થ નથી. હજારો માણસો જેલમાં પડેલાં છે. અને તમે એક અપ્પાનું પ્રકરણ જાગ્યું એટલે ઉપવાસ કરીને ઉપવાસને સસ્તા કરી મૂકો તો લોકો ઉપર કે સરકાર ઉપર કશી જ અસર નથી થવાની. જોઈએ તો સરકારને તમે કાગળ લખો, ખબર માગો અને પછી જવાબ ન આવે તે નોટિસ આપો. પણ આમ ચાવીસ કલાકની નોટિસ આપો એ બરાબર નથી.”

બાપુએ એ સાંભળી લીધું. બાપુ કહે: “ લોકો શું ધારે એનો વિચાર કરવાનો ન હોય. પણ જોઈશું હવે સવાર સુધીમાં મને સૂઝી રહેશે. ”

તા. ૧૨-૨-'૩૩ : આજે સવારે નીલા વિષે બાપુ વધારે પૂછપરછ કરવા લાગ્યા. કોદંડરાવ પાસેથી બધું સાંભળીને કહે: “શું હિંદુ ધર્મ છે ? એક તરફથી આ બાઈ હિંદુ થઈ છે. બધી વાત સાચી હોય તો એ પાખંડનું પૂતળું છે અને એની પાછળ હિંદુ જુવાનો ભમે છે. બીજી તરફથી હિંદુ ધર્મને શિખરે વિરાજતા માલવીજી. ત્રીજી તરફથી આંબેડકર, અને ચોથી તરફ મારા ઉપવાસનું નગારું વગાડી રહેલ રાજા.”

પછી બાપુજી ઉપવાસની વાત કરતા હતા એટલામાં વલ્લભભાઈ આવ્યા.

તેમને હિંદુ ધર્મના ઉપર કહેલા ચાર પાયા ગણાવ્યા. એટલે ગંભીરતા ટાળવાને માટે વલ્લભભાઈ કહેઃ “હિંદુ ધર્મ તો મહાસાગર છે, અને ચાર કેમ ? બીજા