પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

છો. તમને લાગે છે કે માલવિયાજીને સમજાવી શકીરા, અસ્પૃશ્યતાનું બીજું ખૂબ કામ કરી શકીશ, બિલો પાસ કરાવવામાં મદદ કરીશ, તો તમારાથી એ જ કામ થાય, બીજું થાય જ નહીં. હા, તમારા દંડની મુદત પૂરી થાય પછી તમે ગમે તે કામ કરી શકો. પણ જો તમે દંડ ભરીને બાકીની મુદત બહાર પૂરી કરવા માગો તો એટલો સમય તો અસ્પૃશ્યતાનું જ કામ કરવાનો તમારો ધર્મ છે. આ સમજ્યા પછી તમારે જો ચિઠ્ઠી નાખવી હોય તો નાખો.”

એક કોરી ચિઠ્ઠી તો હતી જ. બીજી કેવળ બહાર જવાની બનાવી. કટેલી સાહેબ પાસે બેમાંથી એક ઉઠાવરાવી. કટેલીએ કોરી ચિઠ્ઠી ઉઠાવી એટલે બધું મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા જેવું થયું.

આના ઉપર રાત્રે વાતો ચાલી. વલ્લભભાઈ અને મને આવા વિષયમાં ચિઠ્ઠી નંખાય કે કેમ એ શંકા હતી. મેં કહ્યું: “જ્યાં સિદ્ધાંતની વાત ન હોય ત્યાં ચિઠ્ઠી નંખાય. બે માર્ગના પક્ષમાં સરખી દલીલો હોય તો તેનો નિર્ણય કરવા ચિઠ્ઠી નંખાય. પણ કર્મ અને અકર્મ વચ્ચે ચિઠ્ઠી નંખાતી હશે ? કોઈ માણસ માફી માગવા અને જેલમાં રહેવા વચ્ચે ચિઠ્ઠી નાખતો હશે ?”



વલ્લભભાઈ ઠીક ઉદ્વિગ્ન રહ્યા. “જમનાલાલજી જેવાને આ વિચાર જ કેમ આવે ?” એમ વારંવાર ઘોળાતો સવાલ પ્રગટ રીતે અમને સંભળાવ્યાં કરતા.

તા. ૨૪-૨-’૩૩ : નરગીસબહેન, પેરીનબહેન, કમળાબહેન, અને મથુરાદાસ આવી ગયાં. ક્યાંકથી ગ૫ લાવ્યાં હતાં કે બાપુને વાઈસરૉયને અંગત મંત્રી મળવા આવી ગયો.

વલ્લભભાઈ કહે: “તમે એમને એમ ન કહ્યું, તમારાં મોં તો એવાં નથી લાગતાં કે વાઈસરૉયના અંગત મંત્રીને અહીં આવવાની ફરજ પડે ?”

તા. ૨૫-૨-’૩૩ : ‘સુધર્મ’ છાપું કહે છે કે ૧૯૩૪માં હિંદુસ્તાનના જન્માક્ષર એવા છે કે અસ્પૃશ્યોને મંદિરમાં દાખલ કરવાને અંગે ખુનામરકી થશે અને સાત કરોડ માણસ માર્યાં જશે, પોલીસે દારૂગોળો છોડશે.

બાપુ કહે: “બ્રાહ્મણો ન માને તે મારામારી તો ખૂબ થવાની જ. આંબેડકર બ્રાહ્મણેતર પરિષદના પ્રમુખ બન્યા છે.”

વલ્લભભાઈ કહે : “બ્રાહ્મણેતરો પણ માની જતા હોય તો બ્રાહ્મણો કશું ન કરી શકે. પણ બ્રાહ્મણેતરોનેય અસ્પૃશ્યતા કાઢવી વસમી લાગે છે.”

તા. ર૭-ર-’૩૩ : આજે ‘ક્રૉનિકલ’માં આવ્યું છે કે સરકારે કેદીઓને ૧૯૩૫ સુધી ન છોડવાનો નિશ્ચય કર્યો છે. અને ગાંધીજીને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ રાખવાના છે.

બાપુ: “જુઓ, હું તો પાંચ વર્ષ કહેતો હતો ના ? આ તો બે ઓછાં થયાં.”

વલ્લભભાઈ કહે: “તમે તો પેલા નાગાના જેવું કરો છે. એને કોકે કહ્યું: ‘અલ્યા તારી પૂંઠે બાવળિયો છે.’ તો એ કહે: ‘ભલે મારે છાંયડો થયો !’”

તા. ૩-૩-’૩૩: આજે નીલાની વાત સાંભળીને બાપુ સ્તબ્ધ થઈ ગયા. એ બાઈની કેટલી વાત માનવી અને કેટલી ન માનવી એ સવાલ થઈ પડ્યો.

હજી કાલે કેટલાય ઝેરના કટોરા પીવા બાકી હશે. કોણ જાણે છે?