પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાસ ગામે સરદારની ધરપકડ

સ્વરાજના મુદ્દા ઉપર જમીન મહેસૂલની લડત ચલાવવા માટે દેશ કદાચ તૈયાર ન હોય. તેથી જ તેમણે કાનૂનભંગ માટે મીઠાનો કાયદો પસંદ કરેલો.

સરદારે પોતાને માટે એવી યોજના વિચારેલી કે ગાંધીજીની દાંડીયાત્રા ચાલતી હોય તે વખતે ગાંધીજીના પ્રવાસમાર્ગની આસપાસના પ્રદેશમાં ફરીને ભાષણો કરી લોકોને લડત માટે તૈયાર કરવા. લાહોર કૉંગ્રેસમાંથી પાછી આવીને તરત તેમણે આ કામ શરૂ કરી દીધેલું. તેઓ લોકોને કેવા પ્રોત્સાહિત કરવા મંડ્યા હતા તેના નમૂના તરીકે ભરૂચ શહેરમાં તેમણે આપેલા ભાષણમાંથી નીચેનો ઉતારો અહીં આપ્યો છે:

“આઠ–દશ-પંદર દિવસે કાયદાનો સવિનય ભંગ થવાનો છે, એવા પ્રકારે અને એવી વ્યક્તિઓ મારફતે, કે જે અહિંસાપરાયણ હોય, જેનામાં ક્રોધ ન હોય, ઈર્ષા ન હોય, જેની સાત્વિક્તા અને શુદ્ધતા વિષે શંકા ન હોય. શરૂ કરનાર અને એના સાથીઓ પકડાશે. એમને પકડે તો તમે શું કરશો? ઇંગ્લંડનો એક મુત્સદ્દી હમણાં જ બોલી ઊઠ્યો છે કે ગાંધીજીને ૧૯૨૨માં પકડ્યા ત્યારે હિંદુસ્તાનમાં કુતરુંયે ભસ્યું નહોતું. આ વાત સાચીયે છે અને જૂઠીયે છે. તે વખતે બારડોલીમાં લડત શરૂ કરવાની હતી તે તેમણે બંધ રાખી, તલવાર મ્યાન કરી. જો બે ક્ષત્રિયો લડતા હોય અને એક તલવાર મ્યાન કરે તો બીજો ઘા ન કરે. પણ આ તો ક્ષત્રિયો નહોતા, માયાવી રાક્ષસ હતા. તેમણે ઘા કરી ગાંધીજીને પકડ્યા. તેમ છતાં ગાંધીજીએ તમામ કામ કરનારાઓને મનાઈહુકમ આપ્યો કે મારી પાછળ કોઈએ આવવાનું નથી. તમે જેલ ભરવાની ચળવળ ન ઉપાડશો. આનો અર્થ એમ કરવામાં આવ્યો કે એક કૂતરુંયે ને ભસ્યું. જ્યારે તલવાર મ્યાન નહોતી કરી ત્યારે તો એમના હાંજા ગગડી ગયા હતા. ખુદ વાઈસરૉયે કબૂલ કર્યું હતું કે ‘મને ગમ નહોતી પડતી કે શું કરવું?’ મુંબઈના ગવર્નર બોલી ગયેલા કે ‘સ્વરાજ હાથવેંતમાં હતું.’



“સાબરમતીને કાંઠે બેઠાં બેઠાં આટલું આપી દીધા પછી ગાંધીજીને આજે નવું શું કહેવાનું હોય ? જગત તો તમારો હિસાબ પૂછશે કે તમે શું કર્યું ? એણે તો કામ કરી દીધું છે અને કરશે. એના પછી એના સાથીઓ પકડાશે. ત્યારે તમારી કસોટી થવાની છે.
“ખેડૂતોને અને બીજાઓને પૂછું છું કે, ઈશ્વરમાં શ્રદ્ધા છે ? ખુદામાં તમે માનો છો ? જન્મ્યા તે મરે છે તે જાણો છો ? મરણમાંથી કોઈ છૂટવાના નથી. નામર્દના મોત કરતાં બહાદુર અને આબરૂદારના મરણે મરતાં શીખો. તોપોના ધડાકા થાય, વિમાનમાંથી બૉમ્બના ભડાકા થાય, ધાણી ફૂટે એમ માણસો મરતા હોય ત્યારે ઇતિહાસને પાને નામ તો ચડે. આવો દિવસ આપણે ત્યાં ક્યારે આવે ? ત્યારે આવે કે જ્યારે કોઈ પણ ગુજરાતી સરકારને સાથ ન આપે… પકડાપકડી થવા દો. પછી દુનિયા જાણશે કે કૂતરું ભસે છે કે શું થાય છે.”

તા. ૭મી માર્ચે સરદાર બોરસદ તાલુકાના રાસ ગામે ગયેલા. એમને સાંભળવા હજારો માણસ ગામને પાદરે વડ નીચે ભેગું થયેલું. મૅજિસ્ટ્રેટે