પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦
સરદાર વલ્લભભાઈ

મને લાગે છે કે આશ્રમમાં શું કરવું ધટે છે એ જમનાલાલજીએ બાપુ પાસેથી સમજી લઈને ત્યાં જઈ આશ્રમને હળવું કરી નાખવું જોઈએ. જો પાછો દરેક નાના મોટા કજિયા બાપુ પાસે આવશે તો આખરે આપણે ભારે મુસીબતમાં આવી પડશું. હું તો શું કરું ? અહીં લાચાર થઈ પડેલો છું એટલે શું થાય ?

“હમણાં એક અઠવાડિયું તો કશી વાત એમની પાસે ન થાય તો સારું. હાલ છે એ પ્રકારનું આશ્રમ તો કોણ ચલાવી શકે ? મને નથી લાગતું કે કોઈ ચલાવી શકે. અને બાપુને એ ભારે લાગી ગયું છે. એનો રસ્તો આપણે કરવો જ જોઈએ અને તે પણ બાપુને આધાત ન પહોંચે એ રીતે કરવો જોઈએ. પેલી નીલા ને . . .નો બોજો બાને બહુ ભારે પડવાનો છે. એ સાપના ભારાઓને કોણ સંભાળશે ? એમ છતાં એ બોજો ઉપાડ્યે જ છૂટકો છે એમ તો મને ભાસે જ છે. પણ એ નારણદાસની શક્તિ બહારનું કાર્ય છે એમ મારું માનવું છે. કોઈક વધારે શક્તિશાળી માણસે આશ્રમમાં રહેવું જોઈશે. વિનોબા ત્યાં જાય તો સારું, કાકા તો જશે જ નહીં. એટલે બીજું શું થાય ? પણ આ બધા વિચારો આપણે બાપુને અલગ રાખી કરી લેવા જોઈએ.

“સાંકળ ( ઉપવાસની)ની બાબતમાં એમના વિચારો હજી જાણવાના રહ્યા. એ તો જરા બોલવાની શક્તિ આવશે એટલે તમને વાત કર્યા વિના નહીં રહે. પણ એ વિષે પણ એમને ઓછામાં ઓછો શ્રમ પડે એવી રીતે કામ લેવું જોઈશે. બાપુના ઉપવાસની અસર મુલક ઉપર શી થઈ છે તે તો હવે પછી જણાશે. સનાતનીઓ મૂંગા રહ્યા છે એને અર્થ એ નથી કે એ લોકોને આ ગમ્યું છે કે એની બરદાસ કરવા તૈયાર છે. હવે દેશમાં પાછું પેલા ઉપવાસ પછી જે રીઍક્શન્ થયેલું તેવું થાય છે કે શું થાય છે તે જોવાનું રહ્યું અને એને રોકવાનું રહ્યું. બાપુના મન ઉપર એની બહુ જ અસર થશે. માલવીજી આવવાના છે ? એમને પણ બધી વસ્તુ ( આશ્રમ સિવાયની) સમજાવવી જોઈએ. એમનો વિરોધ હવે ટાળવો જોઈએ. બાપુને એમણે પૂરો સહકાર આપવો જોઈએ. જો હવે ચૂકશે તો બાપુને ખોઈ બેસીશું. તમે બધા વિચારતા તો હશે જ.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્ ”
 


“ યરવડા મંદિર,
૫-૬-'૩૩
 

"પૂજ્ય બાપુ,

"લગભગ એક મહિના પછી પાછા આપના હસ્તાક્ષરનાં દર્શન થયાં. અમને ખૂબ આનંદ થયો. અમે બેઉ મજામાં છીએ. ચિંતા તો હું શું કરવાનો હતો ? અને મારી ચિંતા કરેલી શા કામની ? ઈશ્વર આપની ચિંતા કરનારો છે ને ?

“હાથે કાગળો લખવાની બહુ ઉતાવળ ન કરશો. પૂરી શક્તિ આવવા દો. ત્યાં સુધી મહાદેવ પાસે લખાવે અને આપ સહી કરવાનું રાખો એટલે બસ છે.

"આશ્રમ સંબંધી જે કઈ જાણવું હોય તે જાણવા ખાતર નારણદાસને બોલાવો પણ આપ ત્યાં જવાનો વિચાર ન કરશો. નારણદાસની સાથે જેને લાવવા ઇચ્છા હોય તેને લાવો પણ આપને ત્યાં બોલાવવાનો આગ્રહ ન રાખે