“પેલા હૉર્નિમૅન સાથે બહુ ચર્ચામાં ન ઊતરશો. કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થશે. સરોજિનીદેવીને નાકના ઑપરેશન માટે જલદી જવાનું બાપુએ કહ્યું નથી ? એ વિષે ફરી એને સૂચના કરજો. એ બિચારી ઉપવાસનું સાંભળીને ઑપરેશન બંધ રાખી દોડી આવી છે. હવે એને જલદી છૂટી કરવી જ જોઈએ ને?
“તમારે ત્યાં ‘મૉર્ડન રિવ્યૂ’ આવ્યું હોય તો મોકલજો.
લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ”
૫-૬-’૩૩
“પ્રિય ભાઈ જમનાલાલજી,
મુંબઈ જઈને તબિયત બગાડી આવ્યા એ શું? મુંબઈમાં શું કરી આવ્યા ? પ્રભુદાસનું શું કર્યું ?
“જાનકીદેવી ક્યાં છે ? કેમ છે ? બાળકો બધાં કેમ છે ?
“તમારી તબિયત પહેલાં હતી તેવી ઝટ થવી જોઈએ.
“મુંબઈ ક્યાં ઉતારો રાખ્યો હતો? રામેસરદાસજી અને એમનું કુટુંબ કેમ છે ?
“વિનોદ કૉલમમાં કંઈ હોય તો મોકલજો.
લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”
૯-૬-’૩૩
“પ્રિય ભાઈ મહાદેવ,
“ત્રણ દિવસે તમારા કાગળ મળ્યો એટલે જરા મૂંઝવણમાં પડ્યા હતા તેમાંથી મુક્ત થયા.
“ડૉ. મહેતાની સૂચના તો સાચી જ છે. ફળમાં કે શાકમાં શક્તિ ન જ હોય. પ્રોટીન વિના સ્નાયુ ન બંધાય. પણ બાપુને દૂધ એકલાથી કબજિયાત થાય છે એવો વહેમ હંમેશાં રહેલો છે. પેટ સાફ આવતું હોય અને દૂધ પચી જતું હોય તો દરરોજનું છ શેર દૂધ થતાં વજન વધવું જોઈએ અને શક્તિ આવવી જ જોઈએ. દૂધની સાથે દરેક વખતે અડધો ઔંસ કે એક ઔંસ ગ્લુકોઝ લેવાય તો શી હરકત છે? સહેજે પચી જશે અને ઠીક પડશે. મધ રોજ કેટલું લે છે ? દૂધનું દહીં કરી તે અને માવો બનાવી પેંડા કરી ગઈ વખતની પેઠે માવો ખાવાનું કરવાનું ડૉ. મહેતાને પૂછો અને હા પાડે તો એનાથી શક્તિ જલદી આવે. દહીંં એ ફેરફાર તરીકે સારું છે. સવારમાં દૂધની સાથે ગરમાગરમ પૉરીજ લેવાય તો બહુ જ સારું.” ’अन्नाद् भवन्ति भूतानि’ અન્ન સમાન પ્રાણ નહીંં. અને કોઈ પણ એક અનાજ લેવાય તો ઝટ શક્તિ આવે. ડૉ. દેશમુખની આંખની સૂચના સાચી છે. નંદુબહેને એમ જ આંખ ખોઈ નાખી.
“રાજાજીની સલાહ સાચી છે. લગ્ન (દેવદાસભાઈનાં) સિવિલ મૅરેજ ઍક્ટ પ્રમાણે રજિસ્ટર કરાવવું જ જોઈએ એ વિષે શક નથી. પણ બાપુની