પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં


આપવામાં આવે છે તેમાંથી કંઈ વધેલી રકમ હશે તો તેમાંથી, નહીં તો બીજી રીતે મિ. પટેલે પોતે આપવું પડશે. મિ. પટેલને એ પણ જણાવવું કે ઑપરેશન સફળ થાય કે નહીં તેની તમામ જવાબદારી ઓપરેશન કરનાર મિ. પટેલના ડોક્ટર ઉપર રહેશે, સરકાર ઉપર કશી નહી રહે. આના જવાબમાં સરદારે સરકારને જણાવ્યું કે, 'ઑપરેશન કરાવવું એ સલાહ ભરેલું છે કે કેમ એ બાબતમાં કંઈ ગેરસમજ થયેલી લાગે છે. જેલના ડૉકટરોએ ગયા એક વર્ષ કરતાં વધુ વખત સુધી જે ઉપાયો સૂચવ્યા તે મેં કર્યા છે. અને તેની કુશી અસર ના થઈ ત્યારે તેમણે જ ડોકટર મંડલિકની સલાહ લીધી હતી. સિવિલ સર્જન તથા ડો. મંડલિકે મને એવી સલાહ આપી ન હોત કે ઉત્તમ ઉપાય ઓપરેશન કરાવી નાખવું એ જ છે, તો મેં મારા ખાનગી ડોકટર, ડૉ. દેશમુખ પાસે તપાસાવવાની માગણી પણ ન કરી હોત. હવે સરકારની પરવાનગીથી મારા દાક્તરે મને તપાસીને એવી સલાહ આપી છે કે ઓપરેશન જરૂરી છે. પણ નાકનું ઓપરેશન બહુ નાજુક હોય છે. પહેલાં એક વખત મેં ઑપરેશન તથા કૉટેરીઝેશન કરાવેલું છે. એટલે ફરી મારે ઓપરેશન કરાવવું હોય તો ઉત્તમ સગવડ મળે, જેથી નિષ્ફળતાનો ભય ન રહે એવી સ્થિતિમાં જ મારે ઑપરેશન કરાવવું છે. પરંતુ સરકારના હુકમ ઉપરથી એમ જણાય છે કે ઑપરેશન કરનાર સર્જન મારો રાખવામાં આવે તો પણ તેને તેઓ ખૂબ મર્યાદિત સગવડ આપવા ઈચ્છે છે અને ઑપરેશનની જવાબદારીનો ભાર તેના ઉપર નાખવા ઈચ્છે છે. આ સ્થિતિમાં મારા ડૉકટરની સલાહ લીધા વિના હું કાંઈ નિર્ણય કરી શકતો નથી.'

આ ઉપરથી ડૉ. દેશમુખ અને ડો. દામાણી સરદારને સરકારની પરવાનગીથી અગિયારમી જુલાઈએ ફરી તપાસી ગયા. તેમણે અભિપ્રાય આપ્યો કે, 'ઑપરેશન બે કે ત્રણ હપ્તે કરવું પડશે. અને કર્યા પછી પણ બહુ કાળજીપૂર્વક સંભાળ રાખવી પડશે એટલે અમે મુંબઈમાં જ ઑપરેશન કરાવવાની સલાહ આપીએ છીએ.' આ સલાહ સરકારે સ્વીકારી નહીં, પણ પુનામાં સાસન હોસ્પિટલમાં જે સગવડ જોઈએ તે આપવા કહ્યું. સરદારે ૨૯મી જુલાઈ એ છેવટનો જવાબ લખી નાખ્યો કે, 'મારા ડૉકટર છ અઠવાડિયાં પૂના આવીને રોકાઈ શકે એમ નથી. જોકે મારી પીડા વધતી જાય છે, અને દરદ અસહ્ય થતું જાય છે. પણ સરકારને એના પોતાના ડૉક્ટરો જયાં સુધી મારા ઑપરેશન વિષે સલાહ ને આપે ત્યાં સુધી એ પીડા મારે ભોગવ્યે જ છૂટકે છે.' આમ નાકના ઑપરેશનનું આ પ્રકરણ પતી ગયું. બહાર આવ્યા પછી છેક ૧૯૩૫માં સરદાર ઑપરેશન કરાવી શકેલા.