પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
સરદાર વલ્લભભાઈ


તા. ૧-૮-૩૩ના રોજ જ્યારે ગાંધીજીને અમદાવાદમાં પકડવામાં આવ્યા તે જ દિવસે સરદારને યરવડાથી ખસેડી નાશિક જેલમાં લઈ જવામાં આવ્યા. નાશિક જેલમાં પોતાને અંગ્રેજી ઘણાં છાપાં મળતાં પણ ગુજરાતી એકે નહીં મળતું તે માટે મુંબઈ સમાચારની સરદારે માગણી કરી ત્યારે સરકારે એમને ‘જામેજમશેદ' આપવા માંડ્યું. એ સંબંધી તથા બીજા નાના નાના ઝઘડા સરકાર સાથે ચાલ્યા જ કર્યા. ખૂબ પત્રવ્યવહાર ચાલ્યો. સરકારની પરવાનગીથી જ પોતાના ડૉક્ટરને મુંબઈથી બોલાવી તેમણે દાંતની ટ્રીટમેન્ટ કરાવી હતી, અને તેનું બિલ પોતાની માસિક ભથ્થાની રકમમાંથી જ આપવાનું હતું. છતાં બિલ ઘણું ભારે છે એવા સરકારે વાંધો ઉઠાવ્યો. તે સંબંધી પણ ઘણી લખાપટી થઈ. અને સરકારે પોતે મંજૂર રાખ્યા પ્રમાણે જ બિલની રકમ આપવાનો આગ્રહ કર્યો. ત્યારે સરદારે તે સંબંધમાં પોતાના વકીલની સલાહ લેવાની માગણી કરી, તે સરકારે મંજૂર ન રાખી.

નાશિક જેલમાં એમને લઈ ગયા પછી એક નાનો પણ સરકારનું અઘટિત વર્તન બતાવનારો બનાવ બની ગયો તેની અહીં નોંધ લેવી જોઈએ. નાશિક જેલમાં શરૂઆતમાં તો સરદારને ત્યાંની હોસ્પિટલની એક બેરેકમાં રાખ્યા, અને સોબતી તરીકે શ્રી મંગળદાસ પકવાસાને તેમની સાથે રાખવામાં આવ્યા. પણ થોડા જ દિવસ પછી બનાવટી સહીઓ કરવા માટે જેને પાંચ વર્ષની જેલની સજા થયેલી એવા એક કેદીને એમની બરાકમાં રાખવામાં આવ્યો. ખરી રીતે તો સરદારને અલગ કોટડી આપવી જોઈએ. પણ શ્રી મંગળદાસ તો પોતાના અંગત માણસ અને બરાક જરા મોટી અને સગવડવાળી હતી એટલે સરદારે વાંધો ઉઠાવેલ નહીંં. પણ ચોવીસે કલાક ગુનેગાર કેદીને આવી રીતે પોતાની સાથે રાખવામાં આવે એ સ્વાભાવિક રીતે ત્રાસરૂપ લાગે. એટલે સરદારે સુપરિન્ટેન્ડેન્ટને એની સામે પોતાનો વાંધો જણાવ્યો. સુપરિન્ટેન્ડેન્ટની દાનત તો કદાચ એવી હશે કે મંગળદાસ પકવાસાને બદલે પેલા ગુનેગાર કેદીને સરદારની સાથે રાખી તેમને સોબતી આપે છે એમ કહેવડાવવું. પણ સરદારે વાંધો ઉઠાવ્યો એટલે હોસ્પિટલ વિભાગમાંથી ખસેડી તેમને બીજા વિભાગમાં અલગ કોટડીમાં લઈ ગયા. ત્યાં હોસ્પિટલ જેવી સગવડ ન હતી. છતાં મંગળદાસ પકવાસાને સોબતી તરીકે એ વિભાગમાં રાખ્યા હતા એટલે સરદારને કશો વાંધો ઉઠાવવા જેવું હતું નહીં, પણ શ્રી મંગળદાસ તેમની સજા પૂરી થતાં તા. ૯મી સપ્ટેમ્બરે છૂટી ગયા. એટલે એ આખા વિભાગમાં સરદાર એકલા પડ્યા. સોબતી આપવા માટે તેમણે સુપરિન્ટેન્ડેન્ટને વાત કરી પણ એ રાજદ્વારી