કેદીઓમાંથી કોઈને આપવા રાજી ન હતો. એટલે સરદારને મુંબઈ સરકારના હોમ મેમ્બરને લખવું પડ્યું. તેને જણાવ્યું કે,
“તમે સજા તરીકે મને એકાંતમાં રાખવા ઇચ્છતા હો તો હું વાંધો ન ઉઠાવી શકું, પણ એકાંત સજાને પાત્ર થવા જેવું મેં કશું કર્યું નથી. વળી મારી તબિયત સારી હોય તો હું એકાંતની તકલીફને ગણકારું એવો નથી, પણ નાકની તકલીફને લીધે મારે કેટલીય રાત આખી જાગતા અને બેઠા રહીને ગાળવી પડે છે. વળી મારી પાસે કોઈ સોબતી હોય તો મારી બીમારીમાં હું તેની પાસે કંઈ લખાવું અથવા વંચાવુંયે ખરો. મારી આવી નાદુરસ્ત તબિયતમાં બિલકુલ એકાંતમાં રહેવાનો બોજો મારી ઉપર નાખવો એ યોગ્ય નથી. આ જેલમાં રાજદ્વારી કેદીઓ ઘણા છે. તેમાંથી એક અથવા બેની સોબત મને આપવામાં આવે તો મને ઘણી આસાએશ મળે એમ છે.”
આ કાગળ ગયા પછી થોડા દિવસે ડૉ. ચંદુલાલ દેસાઈને સોબતી તરીકે એમની સાથે રાખવામાં આવ્યા.
સરદાર યરવડામાં હતા ત્યારે જ ’૩ર ના નવેમ્બરમાં એમનાં માતુશ્રીનું અવસાન થયેલું. તે વખતે તો ગાંધીજી અને મહાદેવભાઈ એમની સાથે હતા. નાશિક જેલમાં ગયા પછી બેએક મહિનામાં એટલે તા. ૨૨-૧૦-’૩૩ ના રોજ પોતાના મોટાભાઈ નામદાર શ્રી વિઠ્ઠલભાઈનું પરદેશમાં સગાંસંબંધીઓથી દૂર એવી વિષમ હાલતમાં અવસાન થયું. નામદાર વિઠ્ઠલભાઈને ૧૯૩૧ના જાન્યુઆરીમાં એમની તબિયતને કારણે એમની સજા પૂરી થતાં પહેલાં છોડી મૂકવામાં આવ્યા હતા. એમને પેટનું ઑપરેશન કરાવવાની બહુ જરૂર હતી, તે ઑપરેશન બહુ ગંભીર હતું એટલે તે માટે તેઓ તરત જ વિયેના ગયા. ત્યાં એમની તબિયત પૂરી સુધરી ન સુધરી એવી હાલતમાં તેઓ અમેરિકા જઈ આવ્યા. ત્યાં હિંદુસ્તાનની હાલત વિષે તેમણે અનેક ભાષણો આપ્યાં. એ બોજો તેમની તબિયત સહન કરી શકી નહીં, પાછા વિયેના આવી ત્યાંની હૉસ્પિટલમાં દાખલ થયા. પણ દીવામાં તેલ ખૂટી ગયું હતું એટલે થોડા જ વખતમાં એમનો જીવનદીપ હોલવાઈ ગયો. તેમના અવસાન માટે દિલસોજી બતાવનારા પુષ્કળ તારો અને કાગળો સરદાર ઉપર આવ્યા. જેલમાંથી એ બધાને જવાબ આપી શકાય નહીં, એટલે તેમણે નીચેનો સંદેશો વર્તમાનપત્રોમાં છાપવા માટે સરકાર ઉપર મોકલી આપ્યો :
"મારી ઉપર વિઠ્ઠલભાઈના અવસાન બદ્દલ દિલસોજી અને લાગણી બતાવનારા પુષ્કળ કાગળો (દેશના જુદા જુદા ભાગોમાંથી, બ્રહ્મદેશ અને લંકાથી પણ,) આવ્યા છે તે બધાને (અહીંથી) વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે શક્ય નથી. તેથી મારા પ્રત્યે જેઓએ દિલાસોજી બતાવી છે તેમનો (જાહેર રીતે) આભાર માનવાની આ તક હું લઉં છું. (મારા દુ:ખમાં લાખો માણસો ભાગ લેનારા છે એના કરતાં વધારે મોટું આશ્વાસન મને બીજું શું હોઈ શકે ?)”