પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સરદાર વલ્લભભાઈ


ઉપરના સંદેશામાંથી કૌંસમાં મૂકેલા શબ્દો કાઢી નાખીને સંદેશો છાપવો હોય તો છપાવી શકાશે એમ સરકાર તરફથી રાજદ્વારી કેદી શ્રી વલ્લભભાઈ પટેલને જણાવવામાં આવ્યું. સરદારે એના જવાબમાં જણાવ્યું કે મારા આવા નિર્દોષ સંદેશામાં પણ કાપકૂપ કરવાથી તે અચોક્કસ, બુઠ્ઠો અને અર્થહીન થઈ જાય છે. એટલે એ ન છપાવવાનો હું નિર્ણય કરું છું.

પછી તા. ૯–૧૧–’૩૩ ના રોજ નામદાર વિઠ્ઠલભાઈનું શબ વિયેનાથી મુંબઈ લાવવામાં આવ્યું. માર્સેલથી શબને લઈ જતી સ્ટીમર ઊપડે તે પહેલાં શ્રી સુભાષ બોઝે ગાંધીજી, જેઓ હરિજનયાત્રામાં હતા તેમને તાર કર્યો કે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા વલ્લભભાઈને હાથે થાય એ ઈષ્ટ છે, માટે તમે એની વ્યવસ્થા કરો. ગાંધીજીએ તા. ૨૮–૧૦–’૩૩ ના રોજ છાપાં જોગું નિવેદન બહાર પાડીને પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, ‘સરદાર પેરલ ઉપર છૂટા થવાની અરજી નહીં કરે એમ હું માનું છું અને તેથી તેમને હાથે અંતિમ ક્રિયા થાય એ શક્ય લાગતું નથી.’ છતાં બહારના કેટલાક મિત્રોએ સરકારમાં લખાણ કર્યું તે ઉપરથી ૭મી નવેમ્બરની રાત્રે સરદારને જણાવવામાં આવ્યું કે વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરવા માટે તમને નીચેની શરતે છોડવામાં આવશે :

૧. તમે શ્રી વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરી શકો તે માટે જેટલો વખત આવશ્યક હોય તેટલા વખતને માટે તમને છોડવામાં આવશે. પણ તમારે એવી બાંયધરી આપવી પડશે કે તમે બહાર હો તે દરમ્યાન તમે કોઈ રાજદ્વારી ભાષણ કરશો નહીં તેમ જ કોઈ રાજદ્વારી પ્રવૃત્તિમાં ભાગ લેશો નહી. ક્રિયા થઈ ગયા પછી નક્કી કરેલ સ્થળે અને સમયે તમે હાજર થઈ જશે જેથી તમને ફરી પકડવામાં આવે.
૨. તમને તા. ૯મી ને ગુરુવારે સવારે નાશિક જેલમાંથી છોડવામાં આવશે.
૩. તા. ૧૧મી ને શનિવારે મુંબઈથી નાશિક માટે સવારે ૭–૧૫ વાગ્યે ઊપડતી ટ્રેનમાં બેસીને તમારે નાશિક આવવું જોઈશે. એ ટ્રેન ૧૦–૫૭ વાગ્યે નાશિક પહોંચે છે. તે વખતે સ્ટેશન ઉપર એક પોલીસ અમલદાર હાજર હશે. ટ્રેનમાંથી ઊતરીને તમારે એને હવાલે થઈ જવું જોઈશે.

સરદારે જવાબ આપ્યો કે, ‘આવી કોઈ શરતે હું બહાર જવા ઈચ્છતો નથી. તમારે મને છોડવો હોય તો બિનશરતે છોડો. અને જ્યારે ફરી પકડવો હોય ત્યારે હું જ્યાં હોઉં ત્યાંથી તમે મને પકડી શકો છો. પણ હું મારી મેળે પોલીસને હવાલે થવા જવાનો નથી. આ પ્રસંગે બહાર મારી ઘણી જરૂર છે એ હું જાણું છું, પણ આબરૂ અથવા સ્વમાનને ભોગે મારે બહાર જવું નથી.’ તા. ૧૦મીએ નામદાર વિઠ્ઠલભાઈની બહુ મોટી સ્મશાનયાત્રા મુંબઈમાં નીકળી. તે વખતે મણિબહેન બહાર હતાં એટલે તેઓ તેમાં ભાગ