પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સરદાર વલ્લભભાઈ
એમની સૂચના મુજબ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે અને વધારે સારું તો બીજા દેશોમાં હિંદુસ્તાનનાં કામનો પ્રચાર કરવા માટે ખર્ચવાની છે.”

આ વસિયતનામાનો અમલ કરવા માટે ડૉક્ટર પી. ટી. પટેલ તથા શ્રી ગોરધનભાઈ ઈ. પટેલને વહીવટકર્તા નીમ્યા હતા. થોડા વખતમાં ડૉક્ટર પી. ટી. પટેલ ગુજરી ગયા એટલે તેના એકમાત્ર વહીવટકર્તા શ્રી ગોરધનભાઈ પટેલ રહ્યા. શ્રી સુભાષબાબુએ આ વસિયતનામાનો યોગ્ય અમલ કરવામાં ઘણી અડચણ નાખી. ઘણા વખત સુધી તો અસલ વસિયતનામું જ શ્રી ગોરધનભાઈને સોંપ્યું નહીં. બહુ વખતે જ્યારે સોંપ્યું ત્યારે તેમણે એવો દાવો કર્યો કે આ વસિયતનામા પ્રમાણે મને જણાવેલી રકમ કુલમુખત્યારીથી સોંપી દીધેલી છે. મારે તે અમુક રીતે જ વાપરવી એવી જે શરત તેમાં લખેલી છે તે કાયદા પ્રમાણે મને બંધનકર્તા થતી નથી.

શરૂઆતમાં તો આ બાબતમાં સરદારે બહુ નિઃસ્પૃહ અને તટસ્થવૃત્તિ રાખી હતી. પણ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતમાં સુભાષબાબુએ ગાળા ચાવવા માંડ્યા એટલે સરદારને એ ઠીક ન લાગ્યું. જે રીતે આ વસિયતનામા ઉપર વિઠ્ઠલભાઈની સહી લેવામાં આવી હતી તેથી પણ સરદારને એ વિષે શંકાઓ ઊભી થવા માંડી હતી. વિઠ્ઠલભાઈ જે દિવસે ગુજરી ગયા તે જ દિવસે વસિયતનામું થયેલું હતું. તેમની એટલી ગંભીર બીમારી છતાં વસિયતનામા ઉપર તેમની સારવાર કરનારા દાક્તરની સાક્ષી ન હતી. ત્રણે સાક્ષીઓ બંગાળીઓ હતા. અને એમાં બે તો કેવળ વિદ્યાર્થીઓ હતા. તે વખતે શ્રી ભૂલાભાઈ દેસાઈ, શ્રી વાલચંદ હીરાચંદ, શ્રી અંબાલાલ સારાભાઈ એ બધા સ્વિટ્‌ઝર્લેન્ડમાં જ હતા. એટલે પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો તેમને અંત સમયે હાજર રાખી શકાયા હોત અને વસિયતનામા ઉપર તેમની સાક્ષી લઈ શકાઈ હોત. પણ વીલના ખરાપણા વિષે તકરાર ઉઠાવીને સરદારને એ પૈસા વિઠ્ઠલભાઈના કાયદેસર વારસો માટે એટલે કે પોતાના કુટુંબીઓ માટે જોઈતા ન હતા. એટલે એમણે તો પોતાનાં કુટુંબીઓમાંથી જેમનો જેમનો વારસાહક પહોંચતો હતો તે બધાની સહીઓ મેળવી લીધી કે વિઠ્ઠલભાઈના વસિયતનામામાં જે રકમ દેશકાર્ય માટે વાપરવાની કહી છે તેમાંથી અમારે એક પાઈ પણ જોઈતી નથી. આ પ્રકારની ચોકસાઈ કરીને તેમણે ગાંધીજીને કહ્યું કે તમે વચ્ચે પડો અને સુભાષબાબુને સમજાવો કે આ નાણાં કૉંગ્રેસની કારોબારી સમિતિને અથવા તો કૉંગ્રેસના નેતાઓ જેમની સમિતિ નીમે તેમને દેશકાર્યમાં વાપરવા માટે સોંપી દેવામાં આવે.૧૯૩૮ના ફેબ્રુઆરીમાં હરિપુરા (ગુજરાત)ની કૉંગ્રેસના સુભાષબાબુ પ્રમુખ હતા તે વખતે ગાંધીજીએ તથા મૌલાના અબુલકલામ આઝાદે સુભાષબાબુને