પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં

સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. પણ સુભાષબાબુએ માન્યું નહીં. એટલે વસિયતનામાના ઍક્ઝીક્યુટર શ્રી ગોરધનભાઈ પટેલને સરદારે સલાહ આપી કે તમારે હવે વસિયતનામાની કલમના અર્થ વિષે કોર્ટનો ફેંસલો મેળવ્યા સિવાય છૂટકો નથી. મુંબઈ હાઈકોર્ટમાં શ્રી ગોરધનભાઈની અરજીની સુનાવણી થઈ. તેમના તરફથી તથા વિઠ્ઠલભાઈના કાયદેસર વારસો તરફથી શ્રી ભૂલાભાઈ દેસાઈ, સર ચિમનલાલ સેતલવાડ વગેરે બૅરિસ્ટરો ઊભા રહ્યા. સુભાષબાબુ તરફથી દેશબંધુ દાસના ભાઈ બૅરિસ્ટર શ્રી પી. આર. દાસ ઊભા રહ્યા. લોકોમાં આ વિષે એટલો રસ ઉત્પન્ન થયો હતો કે કોર્ટનો ઓરડો ઠઠ ભરાઈ ગયો. બંને તરફના ધારાશાસ્ત્રીઓની દલીલો સાંભળીને કોર્ટે ઠરાવ્યું કે વસિયતનામાના શબ્દો જોતાં સુભાષબાબુને નાણાં ઉપર કુલ અખત્યાર મળતો નથી. તેઓ પોતાની મરજીમાં આવે તેમ એનો ઉપયોગ કરી શકે નહીં. પણ તેમાં જે કામ જણાવ્યું છે તે માટે જ તેનો ઉપયોગ કરી શકે. પરંતુ નાણાના ઉપયોગનો મુદ્દો અહીં ઊભો થતો જ નથી. કારણ કે વસિયતનામામાં નાણાંનો ઉપયોગ એવા અચોક્કસ કામ માટે કરવાનું લખેલું છે કે એ શરત કોર્ટ માન્ય રાખી શકતી નથી. એટલે વસિયતનામાનો આ ભાગ કોર્ટ રદબાતલ ગણે છે અને વિઠ્ઠલભાઈના વારસોને આ નાણાંના હકદાર હરાવે છે.

મુંબઈની હાઈકોર્ટે ઉપર પ્રમાણેનો ફેંસલો તા. ૧૪–૩–’૩૯ના રોજ બહાર પાડ્યો કે તરત એટલે તા. ૧૬–૩–’૩૯ના રોજ છાપાજોગું નિવેદન બહાર પાડીને સરદારે જાહેર કર્યું કે વિઠ્ઠલભાઈના અમે બધા વારસોએ નક્કી કર્યું છે કે એ રકમમાંથી એક પાઈ પણ અમારે ન લેવી પણ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે એ રકમ વાપરવા માટે એ રકમનું વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ નામનું એક જાહેર ટ્રસ્ટ કરવું. વસિયતનામામાં જે બક્ષિસો આપવાનું જણાવ્યું હતું તે આપી દીધા પછી લગભગ એક લાખ વીસ હજાર જેટલી રકમ બાકી રહેતી હતી. તા. ૧૧–૧૦–’૪૦ના રોજ તે વખતના કૉંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને કાગળ લખીને કૉંગ્રેસની કારોબારી વર્ધા મુકામે મળી હતી ત્યાં એ આખી રકમ સરદારે મરનારની ઈચ્છા મુજબ ખર્ચવા માટે કૉંગ્રેસ કારોબારીને સોંપી દીધી.