પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
વત્સલ હૃદય

સામાન્ય રીતે સરદારને લાંબા કાગળો લખવાની ટેવ ન હતી. જાહેર કામકાજને અંગે કાગળો લખવા પડે તે જુદી વાત ગણાય. પરંતુ ૧૯૩રથી ૧૯૩૪ સુધી યરવડા અને નાશિક જેલમાં રહ્યા ત્યારે તેમ જ ૧૯૪૦–૪૧માં વ્યક્તિગત સવિનય ભંગ વખતે તથા ૧૯૪૨થી ૧૯૪૫માં અહમદનગર કિલ્લામાં નજરકેદ રહેલા તે વખતે તેમણે સગાંસંબંધીઓને તથા મિત્રોને બહુ સુંદર અને લાંબા કાગળો લખેલા છે. ગાંધીજી સાથે યરવડામાં સોળ મહિના રહ્યા તે દરમ્યાન ગાંધીજીનું જોઈ આ ટેવ તેમણે પાડી હોય એ સંભવે છે.

માણસનો પરિચય જેવો અંગત પત્રવ્યવહારમાં તથા અંગત વાતચીતમાં થાય છે તેવો તેના લેખો અથવા ભાષણોમાં અથવા જાહેર કામકાજમાં થતો નથી. એ પ્રસંગોએ જાણે તૈયારી કરીને લોકો લખતા બોલતા કે કામ કરતા હોય છે. પણ અંગત પત્રવ્યવહાર અને વાતચીતમાં માણસ સહજ રીતે લખતો અથવા બોલતો હોય છે. તેથી તેમાં માણસના વ્યક્તિત્વનું એક જુદું જ અને વધારે સાચું દર્શન આપણને થાય છે. આ પ્રકરણમાં યરવડા તથા નાશિક જેલમાંથી સરદારે મણિબહેન તથા ડાહ્યાભાઈને લખેલા કાગળમાંથી થોડા ઉતારા આપવા ધારું છું. બીજા મિત્રોને પણ એમણે ઘણા કાગળો લખેલા હશે પણ તે મને અત્યારે મળી શક્યા નથી. વળી ગાંધીજી પાસેથી છુટા પડ્યા પછી બે વચ્ચે બહુ નિયમિત અને લાંબો પત્રવ્યવહાર ચાલતો. ગાંધીજીએ સરદાર ઉપર લખેલા કાગળ તો મણિબહેને છપાવ્યા છે. *[૧] સરદારે ગાંધીજી ઉપર લખેલા થોડાક કાગળો ગયા પ્રકરણમાં આપ્યા છે. બીજા મળી શક્યા નથી. એ કાગળ મળી આવે તો પત્રસાહિત્યમાં બહુ કીમતી ઉમેરો થાય એવો સંભવ છે. મણિબહેન તથા ડાહ્યાભાઈ ઉપરના કાગળોમાં તથા રમણીકલાલ સુખડિયા નામના સ્વયંસેવકે મને મોકલી આપેલો એક કાગળ અહીં આપ્યો છે તેમાં સરદારનું વત્સલ હૃદય જોવા મળે છે. તે ઉપરાંત દુનિયાના વ્યવહારનું ઊંડું જ્ઞાન અને તેની સાથે દિલની ઉદારતા તથા વ્યવહારના લેપથી અળગાપણું અને અપાર ઈશ્વરશ્રદ્ધા, એની પણ આપણને ઝાંખી થાય છે.


  1. * એ પત્રો ‘બાપુના પત્રો – ૨ : સરદાર વલ્લભભાઈ’ને એ નામે નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પડ્યા છે. કિં. રૂ. ૩-૦-૦, ટપાલરવાનગી ૦–૧૨–૦.


૧૪૪