પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
વત્સલ હૃદય


“નડિયાદે ઠીક માન આપ્યું. હડતાલ પડી, સરઘસ નીકળ્યું. બહુ માણસો સ્મશાનમાં ગયા હતા. મુંબઈમાં કાલે એમના સ્નેહીઓએ મીટિંગ કરી હતી. ભૂલાભાઈ પ્રમુખ થયા હતા. મુનશી, જમનાદાસ મહેતા વગેરે બહુ સારું બોલ્યા. ફૂલચંદભાઈને હૃદયનો રોગ તો હતો જ. વિસાપુરમાં પણ કોઈ કોઈ વાર દરદ થઈ આવતું. ત્યારે સૂમ થઈને પડી રહેતા.”

પછી વિઠ્ઠલભાઈના વીલ વિષે લખે છે :

“ગયે અઠવાડિયે શંકરભાઈ અમીન (સોલિસિટર) મને મળવા આવ્યા હતા. તેમની રજા તો બહુ વખતથી મેળવેલી હતી, પણ એમને નવરાશ નહોતી મળતી. કોર્ટ બંધ થઈ અને ફુરસદ મળી એટલે આવ્યા. વીલ સંબંધમાં કોર્ટમાં જે જે પગલાં ભરવાનાં છે તેની વાત કરવા આવ્યા હતા. મને બધી વાત કરી. મેં તો કહ્યું કે તમને સૂઝે એમ કરો, એમાં મને કશો રસ નથી.”

પછી આમતેમના સમાચાર આપે છે :

“ભક્તિલક્ષમી ચોરવાડ છે. દરબારના ભાઈની દીકરી માંદી છે તેને ત્યાં રાખેલી છે, તેની સારવાર કરવા રહ્યાં લાગે છે. સૂર્યકાંત અને શાંતા પણ ત્યાં જ છે. મહેન્દ્ર ભાદરણમાં લલ્લુભાઈને ત્યાં રહે છે. એને ભણવાનો ખૂબ રસ લાગ્યો છે. ભાદરણ હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં દાખલ કરાવ્યો છે. બે વર્ષમાં મૅટ્રિક થવાનો ઇરાદો રાખે છે. એટલે હમણાં તો ખૂબ મહેનત કરી રહ્યો છે. બીજા બે (દરબારસાહેબના દીકરાઓ) ભાવનગર દક્ષિણામૂર્તિમાં છે. ત્યાં બેઉ ઠીક છે. છગનલાલ જોષી પણ હમણાં તો ભાવનગરમાં જ છે. પરદેશી ઠરાવીને બહાર કાઢેલા છે એટલે બીજે જઈ શકતા નથી. એવું જ મણિલાલ કોઠારીનું થઈ પડ્યું છે. એ પણ જોરાવરનગરમાં ભરાઈ પડ્યા છે. હમણાં બૂચ (વેણીલાલ) છૂટ્યો. એના ઉપર પણ એવો જ હુકમ કાઢ્યો છે. અબ્બાસ ડોસો ભરૂચની સભામાં *[૧] ગયા હતા અને પ્રમુખ થયા હતા. ડોસા ખૂબ કામ કરી રહ્યા છે. ગામડે ગામડે રખડે છે અને રૂપિયા ભેળા કરે છે. ગામડે ફરે છે એમ તબિયત સારી થતી જાય છે, એમ લખે છે. અજબ ડોસો છે. મીઠુબહેનનો કાગળ હતો. વચ્ચે માંદાં પડી ગયાં હતાં. હવે પાછાં સારાં થઈ ગયાં છે. હમણાં તો ખૂબ રખડે છે. પૈસા ઉઘરાવી લાવે છે, લાકડાં માગી લાવે છે, ને મકાન બંધાવે છે. સુરત જિલ્લાના આપણા બધા કાર્યકર્તાઓને હમણાં તો મરોલી એક ઉતારાનું સ્થાન થઈ પડ્યું છે. રહેવાનું ત્યાં રાખીને આજુબાજી રાનીપરજમાં કેશુભાઈ, ચુનીભાઈ વગેરે બધા રખડે છે. લોકો ખૂબ જ ડરી ગયેલા હતા, પણ ધીમે ધીમે ભડક ઓછી થાય છે.”

તા. ૧૪–૫–’૩૪ના કાગળમાં મણિબહેનને આવા જ બધા સમાચાર આપે છે :

“ચંદુભાઈ કાનજીભાઈ, રવિશંકર અને છોટુભાઈ પુરાણી એટલા રાંચી જઈ આવ્યા. હવે ખેડૂતોને માટે કંઈક રકમ ભેળી કરવા પ્રયત્ન કરે છે. હમણાં તેઓ
  1. * નાકરની લડતમાં પડેલા અને ખુવાર થયેલા ખેડૂતોને શક્ય તેટલી રાહત આપવા માટે ફંડ એકઠું કરવાની સભા.