પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ

થયેલી હોઈ તેના હેતુઓ અને ઉદ્દેશોમાં સ્પષ્ટ જણાવેલું છે કે, સરકારથી સર્વ પ્રકારે સ્વતંત્ર રહીને વિદ્યાપીઠે કેળવણીનું કામ કરવું તથા પોતાની સંસ્થાઓ ચલાવવી. વિદ્યાપીઠના બંધારણની પુરવણીમાં વિદ્યાપીઠના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, તેમાં પણ ‘રાજ્યસત્તાના અંકુશ’ એ મથાળા નીચે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પોતાનાં ધોરણો ઠરાવવામાં તથા પોતાની સંસ્થાઓની વ્યવસ્થા કરવામાં વિદ્યાપીઠ સરકારથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહેશે. હવે મ્યુનિસિપાલિટી તો કાયદાથી સ્થપાયેલી સંસ્થા હોઈ તેના ઉપર કલેક્ટર, કમિશનર તથા સરકારના બીજા અમલદારોના અમુક અંકુશ રહેલા હોય છે. વળી તેને સાંપેલી ફરજો બજાવવામાં તે કસર કરતી માલુમ પડે તો સરકાર તેને કબજે પણ લઈ શકે છે. એટલે વિદ્યાપીઠ જેવી અસહકારી અને સરકારથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રહેવાના સિદ્ધાંતવાળી સંસ્થા પોતાની મિલકત આવી સરકારના અંકુશવાળી સંસ્થાને સોંપે એમાં સિદ્ધાંતનો અને ટ્રસ્ટના કાયદા પ્રમાણેની ફરજોનો પણ ભંગ થતો હતો. વળી વિદ્યાપીઠના દાતાઓએ વિદ્યાપીઠના ઉપરના સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠને દાન આપેલાં હોઈ મ્યુનિસિપાલિટી જેવી સરકારના અંકુશવાળી સત્તાને વિદ્યાપીઠની મિલકત સોંપી દેવામાં દાતાઓનો પણ વિશ્વાસભંગ થતો હતો.”

સરદારે પોતાના આ વિચાર ગાંધીજીને જણાવી તેમની સલાહ લીધી. ગાંધીજીને તે દિવસે મૌન હોઈ તેમણે સરદાર સાથે લખીને વાતચાત કરી.

ગાંધીજી: “મારો અભિપ્રાચ એ થાય છે કે મ્યુનિસિપાલિટી પાસે રહેવા દઈ એનું ટ્રસ્ટ બનતું હોય તો કરાવવું. ત્યાં તેનો સારામાં સારો ઉપયોગ છે એમ મને ભાસે છે. પણ બીજાઓને એ ગળે ન ઊતરે તો એ પાછાં લેતાં મુદ્દલ સંકોચ ન ખાવો. આમાં કોઈની પ્રતિષ્ઠાનો કે કાકાની લાગણીનો સવાલ નથી. કાકા સહન કરી લેશે.
વિચાર કરવા બેસીએ તો એમ પણ કહેવું જોઈએ ના કે કાકા ભૂલ્યા તોપણ મારે તેનો અધિકાર તપાસવો જોઈતો હતો ના ? એટલી ધમાલમાં અનેક કામ એક પછી એક કરી નાખ્યાં, તેમાં આ પણ વગર તપાસ્યે કરી નાખ્યું.”

સરદારે કહ્યું : કાકા તો કહે છે કે વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવાની સૂચના પ્રથમ આપે કરેલી. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું :

“કાકા મારી સૂચના વિશે વાત કરે છે તેનું મને સ્મરણ નથી. પણ તેને છે તો આપણે માનવું જોઈએ.”

સરદારે ટ્રસ્ટીઓના અધિકાર વિષે વાત કરી હશે એટલે તે વિષે ગાંધીજીએ લખ્યું :

“અધિકાર ન હતો એ તો બરોબર છે. હું તો એટલું જ કહું છું, અધિકાર વિના અપાયેલું દાન અધિકારીઓ હંમેશાં પાછું લઈ શકે છે. વસ્તુતાએ જો એ પુસ્તકો પાછાં લેવાનો ધર્મ હોય તો એ પાછાં લઈ લેવાં એ મારો અભિપ્રાય છે.