પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ
જનતાને તેનો લાભ મળવાની બાબતમાં કશો ફરક પડવાનો નથી. કારણ આશ્રમનું પુસ્તકાલય રાખવા માટે મ્યુનિસિપાલિટી જે મકાન બંધાવવા ધારે છે તે મકાનની જગ્યાથી વિદ્યાપીઠનું પુસ્તકાલય લગભગ એક જ માઈલ દૂર છે. મને એવી સલાહ મળી છે કે પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપવાનું કૃત્ય આખા ટ્રસ્ટીમંડળના અધિકાર બહારનું છે અને તેનો કબજો વધુ વખત મ્યુનિસિપાલિટી પાસે રહે તેમાં ટ્રસ્ટનો ભંગ થયાં કરે છે. મારો હેતુ મ્યુનિસિપાલિટીને આ પુસ્તકાલય સોંપનારની અથવા તો મ્યુનિસિપાલિટીએ તેનો સ્વીકાર કર્યો તે બદલ તેની શુદ્ધ બુદ્ધિ વિશે રજ પણ શંકા ઉઠાવવાનો નથી. આશા રાખું છું કે મ્યુનિસિપાલિટી પાસે આવશ્યક ઠરાવ કરાવીને વિદ્યાપીઠમંડળને વહેલી તકે પુસ્તકાલય પાછું સોંપી દેવાની આપ વ્યવસ્થા કરશો.”

આ ઉપરથી મ્યુનિસિપાલિટીએ પોતાની ‘લીગલ કમિટી’ મારફત મુંબઈના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી બહાદુરજીનો અભિપ્રાય પુછાવ્યો. વિદ્યાપીઠની સ્થાપનાનો હેતુ, તેનું બંધારણ તથા તેના મૂળભૂત સિદ્ધાંતો વગેરેનો અભ્યાસ કરી તેમણે પણ શ્રી ભૂલાભાઈ તથા શ્રી સુનશીને મળતો જ અભિપ્રાય આપ્યો. એટલે મ્યુનિસિપાલિટીના જનરલ બૉર્ડની મીટિંગમાં શ્રી દાદાસાહેબ માવળંકર, જે તે વખતે મ્યુનિસિપાલિટીના ઉપ-પ્રમુખ હતા તેઓ ઠરાવ લાવ્યા કે આપણને બૅરિસ્ટર બહાદુરજીનો અભિપ્રાય મળ્યો છે તે જોતાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળ વતી સરદાર વલ્લભભાઈને પુસ્તકાલય પાછું સોંપી દેવું. આની ઉપર સુધારો મૂકવામાં આવ્યો કે વિદ્યાપીઠમંડળના જે સભ્ય કે સભ્યો યોગ્ય અધિકારવાળી અદાલતનો હુકમ મેળવે તેમને પુસ્તકાલય સોંપવું. શ્રી દાદાસાહેબે પોતાના ઠરાવના સમર્થનમાં જણાવ્યું કે,

“બૅરિસ્ટરના અભિપ્રાય માટે કેસની હકીકતની નોંધ મ્યુનિસિપાલિટી તરફથી મેં જ તૈયાર કરી હતી. તેમાં પુસ્તકાલય મ્યુનિસિપાલિટી પાસે રહે તેની તરફેણમાં જેટલી હકીકતો અને દલીલો રજૂ કરી શકાય તેટલી મેં કરી હતી. છતાં બૅરિસ્ટરનો આવો સ્પષ્ટ અભિપ્રાય મળ્યો છે એટલે કોરટબાજીના જૂગટામાં ઊતરી પ્રજાના પૈસાનું પાણી કરવું એ મ્યુનિસિપાલિટી જેવી લોકહિતકારી સંસ્થાને શોભતું નથી. આપણે તો લોકો આગળ ન્યાયપરાયણતાનો દાખલો બેસાડવો જોઈએ. પુસ્તકાલય આપણે કબજે છે માટે ‘હાથમાં તેની બાથમાં’ કરીને બીજા પક્ષને કોર્ટમાં જવાની ફરજ પાડવી જોઈએ નહીં.”

મત લેવાતાં ૨૪ વિ૦ ૫ મતે ઠરાવ પસાર થયો અને પુસ્તકાલય વિદ્યાપીઠને પાછું સોંપી દેવામાં આવ્યું.

અધિકાર બહાર થયેલા કૃત્યને સરખું કરવાનું કામ આમ તો સરળતાથી પાર ઊતરી ગયું. પણ તેની સાથે કેટલીક આનુષંગિક ઘટનાઓ બની તે અમારા મંડળમાં કેટલાક સમય સુધી દુઃખ અને ક્લેશનું કારણ થઈ પડી. ઉપર કહ્યું તેમ સરદારે તો આ બાબતમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી કે જો સમગ્ર