પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સરદાર વલ્લભભાઈ

ટ્રસ્ટીમંડળને આ દાન કરવાનો અધિકાર હોય તો ભલે આ કાકાસાહેબે એકલાએ કર્યું હોય તોયે અમે તેને બહાલી આપીશું. હું તથા બીજા કેટલાક સાથીઓ આ વાતથી પૂરા વાકેફ નહોતા. મને તો એમ પણ લાગ્યું કે સરદારને કાકાસાહેબ પ્રત્યે અણગમો હોવાથી તેમણે આ પગલું લીધું છે. એટલે મારા મનમાં સરદારનો દોષ વસ્યો. તેમાં કાકાસાહેબના બીજા એક નિશ્ચયથી વધારો થયો. કાકાસાહેબ ઘણા વખતથી વિચાર કરતા હતા કે મારું ગુજરાતનું કામ લગભગ પૂરું થયું છે અને હવે હું ફેરફાર માટે ઝંખું છું. આ જ પ્રસંગે તેમણે આ વાત કાઢી એટલે મેં માની લીધું કે તેમની બહાર જવાની વાતની પાછળ વિદ્યાપીઠ પુસ્તકાલય પ્રકરણ અને સરદારનો તેમના પ્રત્યેનો અણગમો કારણરૂપ છે. એ મતલબનો કાગળ મેં સરદારને લખ્યો. સરદારના મનમાં આવું કશું હતું નહીં. તેમણે પોતાની સ્થિતિ ગાંધીજી આગળ સપષ્ટ કરી હતી. છતાં મેં તે ન માની એનું સરદારને ખૂબ દુઃખ લાગ્યું, મારા પ્રત્યે તેમને ભારે અસંતોષ પણ થયો. મારા વિચારમાં રહેલો દોષ ગાંધીજીએ મને સમજાવીને દૂર કરવા પ્રયત્ન કર્યો. વખત જતાં મારી ભૂલની મને પ્રતીતિ થઈ. સરદારે તો મારી ભૂલ દરગુજર કરી જ હતી. આમ અમારા ઘરનો ક્લેશ થોડા વખતમાં શમી ગયો. પણ આ પ્રકરણમાંથી સરદારની કેટલીક ખાસિયતો તરી આવે છે. સાધારણ રીતે સરદાર વિષે એમ મનાતું કે વિદ્યા અને સંસ્કારના વિષયો સાથે એમને કશી નિસ્બત નહોતી. પણ વિદ્યાપીઠ જેવી કેળવણીની સંસ્થાનું પુસ્તકાલય એ ઘણું મહત્ત્વનું અંગ છે અને તેના વિના વિદ્યાપીઠ તદ્દન ખંડિત થઈ જશે એ તેમણે સહજવૃત્તિથી જોઈ લીધું. એથીયે વિશેષ, જાહેર કામકાજ અને જાહેર વ્યવહારના કડક ચોકીદાર તરીકેનો તેમનો પરિચય આ પ્રકરણમાં આપણને થાય છે. કોઈનો પણ દોષ હોય તો અડગ બહાદુરીથી તેની સામે લાલ બત્તી ધરતાં તેઓ ખચકાતા નહોતા. તેમના આ ગુણોએ ગુજરાતને અને હિંદુસ્તાનને ઘણા વિષમ પ્રસંગોએ મુશ્કેલીમાંથી ઉગારી લીધાં છે.