પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૧૩

બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ

બોરસદ તાલુકામાં ૧૯૩રની સાલથી દર વરસે પ્લેગ ફાટી નીકળતો હતો. પણ તેના નિવારણ માટે કશા વ્યવસ્થિત પ્રયત્નો થતા ન હતા. મુખ્ય કારણ તો એ હતું કે સઘળા મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ, ખાસ કરીને સરદાર, ૧૯૩૨થી ૧૯૩૪ સુધી જેલમાં હતા. સવિનય ભંગની લડત મુલતવી રાખવામાં આવી એટલે સરદાર, દરબાર ગોપાલદાસ અને બીજા કાર્યકર્તાઓને આ કામ ઉપાડવાનો વખત મળ્યો. બોરસદમાં પ્લેગ ચાલતો હોવાની ખબર સરદારને દિલ્હીમાં પડી. તેઓ તા. ૯–૩–’૩૫ના રોજ મુંબઈ આવ્યા, અને ડૉ. ભાસ્કર પટેલને બોરસદ તાલુકામાં જઈ ત્યાંની સ્થિતિનો રિપોર્ટ લઈ આવવા કહ્યું. તેઓ બોરસદ તાલુકામાં જઈ દરબારસાહેબની સાથે બે દિવસમાં બારેક ગામ ફર્યા અને તા. ૧પમી માર્ચે ભય ઉપજાવે એવો રિપોર્ટ લઈને પાછા આવ્યા. લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કશી દાક્તરી મદદ મળી શકતી નહોતી. રોગને ફેલાતો અટકાવવા શું કરવું તે સૂઝતું ન હતું. સ્થાનિક સંસ્થાઓ (લોકલ બોર્ડ તથા બોરસદ મ્યુનિસિપાલિટી) ભાંગ્યાતૂટ્યા અને દમ વિનાના પ્રયત્નો કરતી હતી. તેમાંથી કશું નીપજે એવું ન હતું. કેટલાંયે ગામમાં કેસો થયા પછી દિવસો સુધી સત્તાવાળાઓને તેના રિપોર્ટ પહોંચ્યા ન હતા. આવું બધું સાંભળીને સરદારે નક્કી કર્યું કે બોરસદમાં તુરતાતુરત પ્લેગનિવારણની છાવણી નાખવી. નિવારણ માટે શા શા ઉપાયો લેવા તેની ચર્ચા કરવા ડૉ. ભાસ્કર પટેલને મુંબઈના હાફકીન ઇન્સ્ટિટ્યૂટના કર્નલ સોકી પાસે મોકલ્યા. પ્લેગવાળા વિસ્તારમાંથી ઉંદર અને ચાંચડનો સદંતર નાશ કરવા માટે કેટલાક સખત ઉપાયો લેવાનું તેમણે સૂચવ્યું. તેમાં જંતુઓનો નાશ કરી નાખનારા વાયુઓનો પણ ઉપયોગ કરવાનો હતો. પરંતુ આ ઉપાયોમાં બહુ સખત ઝેરી પદાર્થો વાપરવાના આવતા હતા. એ માટે ઉચિત તાલીમ લીધેલા કુશળ માણસની મદદ વિના તેનો ઉપયોગ કરો એ જોખમકારક હતું. છતાં આ ચર્ચામાંથી કેટલાંક સૂચનો અવશ્ય મળ્યાં. તે લઈને ડૉ. ભાસ્કર પટેલની સાથે તા. ૨૩–૩–’૩પના રોજ સરદાર બોરસદ આવ્યા. બોરસદની સત્યાગ્રહ છાવણીનાં મકાનો તાજેતરમાં જ જપ્તીમાંથી પાછાં મળ્યાં હતાં. ત્યાં જરૂરી સાધનો વસાવીને કામચલાઉ ઇસ્પિતાલ ઊભી કરી. બહારથી કેવળ દવા લેવા આવનારા

૧૬૫