પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
સરદાર વલ્લભભાઈ

દર્દીઓ માટે દવાખાનું પણ ગોઠવ્યું. બોરસદના ડૉ. જીવણજી દેસાઈએ હૉસ્પિટલને પોતાની સેવા અર્પણ કરી. આ કામ માટે સ્વયંસેવકોની પણ માગણી કરવામાં આવી. થોડા જ વખતમાં ૬૫ સ્વયંસેવકો હાજર થઈ ગયા. તેમાં પ૭ પુરુષ અને ૮ બહેનો હતાં. દરબારસાહેબનાં પત્ની શ્રી ભક્તિલક્ષ્મી બહેન, સરદારનાં પુત્રી કુ. મણિબહેન, દરબારસાહેબના ચાર દીકરા અને મોટી પુત્રવધૂ, જિલ્લાના આગેવાન કાર્યકર્તા શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ વગેરે એમાં મુખ્ય હતા. સ્વયંસેવકોમાં કેટલાક ગ્રૅજ્યુએટો અને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હતા. તમામ સ્વયંસેવકોને પ્લેગની રસીનાં ઈંજેક્શનો આપવામાં આવ્યાં. માત્ર સરદારે અને કુ. મણિબહેન પટેલે ઇંજેકશન લીધાં ન હતાં. એ પ્રદેશનાં કુલ ૨૭ ગામો પ્લેગની અસર નીચે આવ્યાં હતાં, તેમાં સ્વયંસેવકોને ગોઠવી દેવામાં આવ્યા. સ્વયંસેવકોએ ગામમાં ઉંદર પડે, પ્લેગના કેસ થાય અથવા મરણ થાય તેના રોજના રિપોર્ટ મુખ્ય મથકે મોકલી આપવાના હતા. તેમણે ઘરેઘર ફરીને તેના ખૂણાખાંચરા તપાસી જ્યાં ઉંદર અને ચાંચડ રહી શકે એવી જગ્યા હોય તે સાફ કરવાની હતી અને સાફ કર્યા પછી ત્યાં જંતુનાશક દવા છાંટવી તથા ધૂપ કરવો એ તેમનું મુખ્ય કામ હતું. ગામનાં ફળિયાં સાફ કરી તેઓ ગંદકી કાઢતા અને ઉંદરને પકડવા માટે ઉંદરિયાં પણ મૂકતા. તેમને ખાસ સૂચના આપવામાં આવી હતી કે લોકોની સાથે બહુ સલુકાઈથી વર્તવું. ઘરનો સામાન તડકે નાખવા માટે બહાર કાઢવામાં આવે તથા ઘરને તેમ જ સામાનને જંતુનાશક દવાઓ છાંટી સાફ કરવામાં આવે ત્યારે સામાનને ખસેડવા વગેરેનું કામ બહુ સંભાળીને કરવું. ઘર ખાલી કરવામાં પણ જાતે જ બધી મહેનત કરવી. ભાડૂતી મજૂરો અથવા પગારદાર નોકર જેવાં કામ કરવા તૈયાર ન થાય, તેવાં બધાં કામ તેમણે જાતે કરી લેવાં. પોતાની રસોઈ પણ જાતે જ પકાવી લેવાની હતી.

પેટલાદની રંગની મિલમાં એક પ્રયોગશાળા શ્રી પુરુષોત્તમ પટેલ નામના અનુભવી રસાયણશાસ્ત્રીની દેખરેખ નીચે ચાલતી. તેની મદદથી ડૉ. ભાસ્કર પટેલે ગ્યાસતેલ અને ડામર (નેફ્‌થેલીન)ની ગોળીઓ મેળવીને એક સાદું પણ ખૂબ જ અસરકારક જંતુનાશક મિશ્રણ બનાવ્યું. ડૉ. ભાસ્કરની આ નવી જ શોધ હતી એમ કહીએ તો ચાલે. આ મિશ્રણ બહુ જ સહેલાઈથી અને ઝપાટાબંધ બની શકતું. પ્લેગમાં સપડાયેલાં સત્તાવીસે ગામ કુલ દોઢ મહિનામાં સાફ કરવામાં આવ્યાં. તેમાં આ મિશ્રણનાં ચાર ચાર ગૅલનનાં એવાં ૩૦૫ ટિન વપરાયાં. વચમાં તંદુરસ્તી ખાતાના સરકારના અમલદારોએ જંતુનાશક મિશ્રણ બનાવવાનો પ્રયત્ન કરેલો. તેમાં સાબુના