પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ

ઊકળતા પાણી ઉપર ગ્યાસતેલ રેડવાનું અને એવી કંઈ ક્રિયા કરવાની હતી. ખાતાના માણસો એવી કઢંગી રીતે એ બનાવવા ગયા કે પાસે ઊભેલી એક તેર વરસની છોકરી આખી દાઝી ગઈ અને ઇસ્પિતાલમાં લઈ જતાં જ મરણ પામી. એક બીજું બાળક તથા બે ઈન્સપેક્ટરોમાંનો એક ખૂબ દાઝી ગયાં. ગરમ થયેલા કેરાસીનમાંથી નીકળતો વાયુ એક ઇન્સ્પેકટરના શ્વાસમાં ગયો, જેને પરિણામે તેને બેભાન હાલતમાં ઇસ્પિતાલમાં લઈ જવો પડ્યો. આવા અકસ્માતો થયા પછી મ્યુનિસિપાલિટીએ એ મિશ્રણ બનાવવાનું છોડી દીધું. થોડા દિવસ પછી વળી પાછી મિશ્રણ બનાવવાની ઉપરથી સૂચના આવી એટલે પેલા ઇન્સ્પેક્ટરને એ બનાવવું પડ્યું. પણ પહેલો જ પ્રયત્ન કરતાં મોટા ભડાકામાંથી એ માંડ માંડ બચી ગયો. આ એટલા માટે જ લખ્યું છે કે ડૉ. ભાસ્કર પટેલની પદ્ધતિ બહુ સાદી હતી અને અણઘડ માણસ પણ તેનો અમલ કરી શકે એવી હતી, એનો વાચકને ખ્યાલ આવે. ઢોરની કોઢો તથા ફળિયાંની સફાઈ માટે બ્લિચિંગ પાઉડર વાપરવામાં આવતો. ધૂપને માટે ગંધકનો ઉપયોગ થતો. વળી ચાંચડનો નાશ કરવા માટે છાણની સાથે ગંધક મેળવીને ઘરો લીંપાવવામાં આવતાં. ઉંદરોનો નાશ કરવા માટે બેરિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવતો. આ બધા વિષે ડૉ. ભાસ્કર પટેલે લોકો સમજી શકે એવી બહુ સાદી ભાષામાં એક પત્રિકા તૈયાર કરી હતી.

આ સફાઈના કામમાં લોકોનો સહકાર મેળવતાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ નડી. લોકોનું અજ્ઞાન એવું હતું કે તદ્દન સાદા ઉપાયોનો અમલ કરવા પણ તેઓ તૈયાર થતા નહીં. વળી તેમનામાં જાતજાતના વહેમો પણ ઊંડા ઘર કરી બેઠેલા હતા. મરકીનો રોગ ફાટી નીકળે તેનું કારણ તો દેવીનો કોપ હોય, આવા જંતુનાશક ઉપાયો અથવા દવાઓ એ એનો ઉપાય નથી, પણ દેવીને બકરા કે પાડા વધેરીને ધરાવવામાં આવે તો જ તે રીઝે. વળી માણસને દેવીના કોપથી જ પ્લેગની ગાંઠ નીકળે અને દેવી એનો ભાગ લીધા વિના રહે જ નહીં. આવા વહેમો ઉપરાંત ગામડાંના મુખી અને નાના અમલદારો, ઉપરી અધિકારીઓથી ડરીને કૉંગ્રેસના સ્વયંસેવકોને મદદ કરતા નહીં અથવા કામમાં અડચણ નાખતા એ પણ મુશ્કેલી હતી. તેઓની વૃત્તિ પ્લેગની બીનાને દાબી દેવાની હતી. બોચાસણ ગામમાં પ્લેગના કેટલાયે કેસ થયેલા. સ્વયંસેવકો ત્યાં સફાઈ કરવા પણ ગયેલા અને લોકોને ગામ ખાલી કરી જવાનું સમજાવવામાં સરદારની સાથે એ ગામના પટેલ પણ સામેલ હતા. છતાં મામલતદારને તેણે એવો જવાબ આપ્યો કે ગામમાં પ્લેગનો કેસ થયો જ નથી. એ રિપોર્ટ ઉપર ગયો. પછી જ્યારે કલેક્ટરે મામલતદારને