પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
સરદાર વલ્લભભાઈ

લડતનું સ્વરૂપ આપવાનું નક્કી થયું. તે જ વખતે કેટલાક કાર્યકર્તાઓને એવો વિચાર સૂઝેલો અને તે તેમણે વ્યક્ત પણ કરેલો કે જેઓ વ્યક્તિગત સવિનય ભંગ ન કરી શકે એમ હોય તેઓ, ૧૯૨૪માં જેમ સ્વરાજ પક્ષ રચ્યો હતો તેમ સ્વરાજ પક્ષ રચી ધારાસભાઓમાં જાય અને અંદરથી સ્વરાજની લડત ચલાવે. પણ એ વિચારને પરિષદમાં બહુ ટેકો ન મળ્યો. ૧૯૩૩ના ઑગસ્ટની પહેલી તારીખથી વ્યક્તિગત સવિનય ભંગ શરૂ થયો અને ગાંધીજીને એક વરસની સજા થઈ. આ પહેલાં તેઓ અટકાયતી કેદી હતા. અટકાયતી કેદી તરીકે હરિજનકામ કરવાનું તથા ‘હરિજન’ પત્રો ચલાવવાની જેટલી છૂટ તેમને મળી હતી તેટલી છૂટ સજા પામેલા કેદી તરીકે સરકારે તેમને આપવાની ના પાડી એટલે તે માટે તેમણે ઉપવાસ કર્યા. આઠેક ઉપવાસ થયા પછી સરકારે તેમને છોડી મૂક્યા. છૂટ્યા છતાં સજાનું બાકીનું વરસ કશું રાજદ્વારી કામ ન કરતાં તેમણે હરિજન પ્રવૃત્તિમાં જ ગાળવાનું નક્કી કર્યું અને તે અંગે આખા દેશમાં ભ્રમણ કરવા માંડ્યું.

તા. ૧૫–૧–’૩૪ના રોજ બિહારમાં ભયંકર ભૂકંપ થયો. ત્યાં રાહતનું કામ કૉંગ્રેસ તરફથી સારી રીતે ઉપાડવામાં આવ્યું, ઓરિસા યાત્રામાંથી થોડો વખત કાઢી ગાંધીજી એપ્રિલ માસની શરૂઆતમાં એ કામ જોવા બિહારના ભૂંકપ વિસ્તારમાં ફરવા ગયા. જે કૉંગ્રેસ નેતાઓ ધારાસભામાં જવાના મતના હતા તેમણે તા. ૩૧–૩–’૩૪ના રોજ ડૉ. અનસારીના પ્રમુખપણા નીચે દિલ્હીમાં એક પરિષદ બોલાવી. તેમણે જે કામચલાઉ ઠરાવો પસાર કર્યા તે અમલમાં મૂકતાં પહેલાં એવું નક્કી કર્યું કે ડૉ. અનસારી, શ્રી ભૂલાભાઈ દેસાઈ તથા ડૉ. બિધાન રોયે, ગાંધીજીને મળી તેમનો અભિપ્રાય જાણી લેવો. તે જ વખતે દેશની પરિસ્થિતિ જોઈને ગાંધીજીને એવો વિચાર આવેલો કે વ્યક્તિગત સવિનય ભંગની લડત પણ માત્ર એકલા પોતા પૂરતી જ મર્યાદિત કરી નાખવી. એ વિશેનું એક નિવેદન પણ તેઓ બહાર પાડવાના હતા. પણ ડૉ. અનસારીનો કાગળ આવ્યો એટલે તેમની સાથે રૂબરૂ ચર્ચા કરી લેવાય ત્યાં સુધી નિવેદન બહાર પાડવાનું તેઓએ મુલતવી રાખ્યું. ડૉ. અનસારી વગેરે સાથે ચર્ચા થયા પછી ધારાસભા પ્રવેશ વિશે તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો કે,

“ધારાસભા વિશે મારા વિચારો જાણીતા છે. ૧૯૨૦માં હું જે વિચારો ધરાવતો હતો તેમાં અને આજના વિચારોમાં કશો ફરક પડ્યો નથી. પણ મને એમ લાગે છે કે જે કૉંગ્રેસીઓની એક યા બીજા કારણે સવિનય ભંગમાં ભાગ લેવાની ઇચ્છા ન હોય અથવા તો જે તેમાં ભાગ લઈ શકે એમ ન હોય અને ધારાસભા પ્રવેશમાં જેમની શ્રદ્ધા હોય તેમણે તેમાં દાખલ થવા પ્રયત્ન કરવો, એ તેમનું કર્તવ્ય છે.”