પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી
અથવા તો બહુમતીથી ઠરાવો પસાર કરાવી દેવાનો બિલકુલ પ્રયત્ન કરવાના નથી. મારી માફક જે થોડી વ્યક્તિઓને તેમના કાર્યક્રમમાં પૂર્ણ શ્રદ્ધા હોય તેમને હું તો એવી સલાહ આપીશ કે ગાંધીજીના નિવેદનમાં સૂચવેલા મહત્ત્વના સુધારામાંના કોઈની પણ ઉપર મત આપવાથી તેઓ પરહેજ રહે. ગાંધીજીને જરાયે શંકા નથી કે મોટા ભાગના બુદ્ધિપ્રધાન લોકોને સૂતર મતાધિકાર ઉપર શ્રદ્ધા નથી અને તેઓ એવા નિર્ણય ઉપર આવે કે આ સુધારો વિષયવિચારિણી સમિતિમાં લાવવો જ નથી તો મને કશી નવાઈ થશે નહીં.
“પરંતુ ગાંધીજી છેવટના ગમે તે નિર્ણચ પર આવે, એક વસ્તુ વિશે જરાયે શંકા નથી કે પોતે જે નિર્ણય કરશે તે પૂરેપૂરો કૉંગ્રેસના અને દેશના હિતને માટે જ હશે. તેમને એમ લાગશે કે કૉંગ્રેસમાંથી નીકળી જવાથી દેશનું અને કૉંગ્રેસનું હિત બગડશે તો કોઈ પણ સંજોગોમાં તેઓ કૉંગ્રેસમાંથી નીકળી જશે નહીંં. પણ એમને ખાતરીપૂર્વક એમ લાગશે, જેમ અત્યારે એમને લાગે છે તેમ, કે કૉંગ્રેસને અને પરિસ્થિતિને શુદ્ધ કરવાનો અને મજબૂત બનાવવાનો એકમાત્ર ઉપાય કૉંગ્રેસમાંથી નીકળી જવું એ જ છે તો વિના અડચણે એમને કૉંગ્રેસમાંથી નીકળી જવા દેવા જોઈએ.”

કૉંગ્રેસનું અધિવેશન ૧૯૩૪ના ઓક્ટોબરની આખરે મુંબઈમાં ભરાયું. કરાંચી કૉંગ્રેસ પછી સાડા ત્રણ વરસના ગાળા બાદ અને લડતની આકરી તાવણીમાંથી પસાર થયા બાદ આ અધિવેશન ભરાતું હતું એટલે તેમાં સારો ઉત્સાહ હતો. કૉંગ્રેસના બંધારણમાં ફેરફાર કરવાની ગાંધીજીની દરખાસ્તો અને કૉંગ્રેસમાંથી તેમનું નીકળી જવું એ બે પ્રસંગોને લીધે જ આ કોંગ્રેસ વિશેષ મહત્ત્વની થઈ પડી. ઘણા પ્રતિનિધિઓ એમ પણ કહેતા હતા કે ગાંધીજી જો કૉંગ્રેસમાંથી નીકળી જ જવાના છે તો બંધારણમાં ફેરફારો કરવાની દરખાસ્ત એમણે શા માટે લાવવી જોઈએ ? પણ સરદારે પોતાના ઉપરના નિવેદનમાં જણાવ્યું છે કે કૉંગ્રેસના અને દેશના વધારે હિતની ખાતર જ તેઓ કૉંગ્રેસમાંથી નીકળી જતા હતા. એટલે નીકળી જતી વખતે તેમને પોતાનું કર્તવ્ય લાગ્યું કે કૉંગ્રેસમાં જે ત્રુટીઓ હોય તે કૉંગ્રેસને બતાવવી અને દૂર કરવા પ્રયત્ન કરવો. ગાંધીજીને લાગવા માંડ્યું હતું કે પોતાનું વજન કૉંગ્રેસ ઉપર એટલું બધું પડે છે કે તેથી કૉંગ્રેસ દબાઈ જાય છે. તે માટે તેઓ પોતાની જાત ઉપર ઘણું દબાણ મૂકતા. પણ જેમ જેમ પોતાની જાતને તેઓ વધારે દબાવતા તેમ તેમ કૉંગ્રેસ ઉપર તેમનું વજન વધતું. કારણ કૉંગ્રેસના બધા કાર્યકર્તાઓ સ્વતંત્રપણે નિર્ણયે લેવાને બદલે તેમના હુકમની રાહ જોઈને બેસતા. આ વસ્તુ ગાંધીજીને બહુ ખૂંચતી. કુટુંબમાંથી પિતા પોતાના શુભાશીર્વાદ સાથે નિવૃત્ત થાય છે અને પુત્રોને માથે કામની જવાબદારી આવી પડે છે ત્યારે તે તેને પહોંચી વળવા પ્રયત્ન કરે છે, તેમાં પરિણામે પુત્રોનું જ હિત થાય છે; તેવું જ ગાંધીજીના કૉંગ્રેસમાંથી નીકળી