પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
સરદાર વલ્લભભાઈ

રાજબંધારણમાં બને તેટલું વધારે આપવા માટે લોહીનું પાણી કરીએ છીએ પણ કૉંગ્રેસ જ્યારે આ સુધારાને ફેંકી દેવાની વાત કરે છે ત્યારે અમારી શી સ્થિતિ ? કૉંગ્રેસનું એમ કહેવું હતું કે આ બંધારણમાં જે સલામતીઓ રાખવામાં આવી છે અને ગવર્નર જનરલને તથા પ્રાંતના ગવર્નરોને જે સત્તાઓ આપવામાં આવી છે તેથી તો આ સુધારા એક મોટા ફારસ જેવા બની જાય છે. સર સેમ્યુઅલ હોરનું કહેવું એમ હતું કે અમારે ત્યાં રાજા પાસે આવી ખાસ સત્તાઓ બંધારણની રૂએ હોય છે પણ તે તેનો ઉપયોગ નથી કરતો, તેમ તમે પણ સુધારાનો અમલ સીધી રીતે અને વિવેકપૂર્વક કરશો અને સ્વરાજ્ય ચલાવવાની લાયકાત સિદ્ધ કરી બતાવશો તો ખાસ સત્તાઓ અને સલામતીની શરતોને ઉપયોગ કરવામાં નહીં આવે. પણ હિંદી રાજદ્વારી પુરુષોનો અનુભવ જુદો જ હતો. ઈંગ્લંડમાં તો પોતાના લોકોનું રાજ્ય હતું જ્યારે અહીંં પરદેશી રાજ્ય હતું. મૉન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં જે ખાસ સત્તાઓ સરકાર પાસે હતી તેનો ઉપયોગ નાની નાની બાબતમાં પણ સરકારે સારી પેઠે કર્યો હતો. *[૧] એટલે આ ખાસ સત્તાઓ બ્રિટિશ રાજાની ખાસ સત્તાઓ જેવી છે એમ કોઈ પણ રીતે માની શકાય એમ નહોતું. અત્યાર સુધી બનતું આવ્યું હતું કે એક તરફથી દમન અને બીજી તરફથી રાજકીય સુધારા તેના જેવું જ આ વખતે પણ હતું, એટલે આ સુધારાથી દેશમાં જરાયે ઉત્સાહ પ્રગટ્યો નહીં.

આ વરસમાં કૉંગ્રેસને પચાસ વરસ પૂરાં થતાં હતાં, એટલે કૉંગ્રેસની કારોબારી સમિતિએ નક્કી કર્યું કે કૉંગ્રેસની સુવર્ણ જયંતી મુંબઈમાં જ્યાં કૉંગ્રેસનું પહેલું અધિવેશન થયું હતું ત્યાં બહુ શાનદાર રીતે ઊજવવી. કૉંગ્રેસના ઇતિહાસનું એક મોટું પુસ્તક તૈયાર કરાવવું, તથા રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર નાની નાની પુસ્તિકાઓ તૈયાર કરાવી બહાર પાડીને તેને કૉંગ્રેસના કામ વિષે કેળવણી આપવી એમ પણ નક્કી કરવામાં આવ્યું. એ કામો બહુ સફળ રીતે પાર પાડવામાં આવ્યાં.

આ વરસના બીજા કેટલાક પ્રસંગોની નોંધ કરી આ પ્રકરણ પૂરું કરીશું. મે મહિનામાં ગુજરાતના એક બહુ જૂના કાર્યકર્તા શ્રી મોહનલાલ પંડ્યા ગુજરી ગયા. સરદારે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું તેની પહેલાં તેઓ


  1. * ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ પસાર થયા પછી પણ પ્રજાની સ્વતંત્રતાનું દમન કરનાર અનેક કાયદાની મુદ્દત ફરી લંબાવવામાં આવી હતી. એમાંના મુખ્ય ‘ક્રિમિનલ લૉ ઍમેન્ડમેન્ટ ઍક્ટ’ જે આખા હિંદુસ્તાનને લાગુ પાડવામાં આવ્યો હતો તે વડી ધારાસભાએ ૧૯૩૫માં નામંજૂર કર્યો, પણ ગવર્નર જનરલે પ્રમાણપત્ર આપીને તે ચાલુ રાખ્યો. ઘણા પ્રાંતોએ પણ આવા કાયદાઓ ઘડ્યા હતા.