પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ

રાજદ્વારી કામમાં પડેલા હતા, અને ગાંધીજી ગુજરાતમાં આવીને વસ્યા ત્યારથી તેમની દોરવણી નીચે કામ કરતા હતા. સરદાર સાથે તેમનો જૂનો પરિચય હતો, એટલે તેમના જવાથી સરદારને ભારે આઘાત લાગ્યો. તેમના અવસાન વિષે ગાંધીજીને કાગળ લખતાં તેમણે લખેલું કે, પંડ્યાના જવાથી મારી તો પાંખ કપાઈ ગઈ છે.

’૩પનું આખું વરસ સરદાર બહુ બીમાર રહ્યા. તેમને નાકની બીમારીને કારણે અને તેનું ઑપરેશન કરવાની જરૂર હોવાથી છોડી મૂકવામાં આવ્યા હતા. બહાર આવ્યા પછી કામની ભીંસને લીધે ઑપરેશન કરાવવાનું બની શક્યું નહીં. સાધારણ ઉપચારથી એમણે ચલાવ્યું રાખ્યું. ’૩પના જૂનમાં તેમને બહુ સખત કમળો થયો અને તેને લીધે ઘણી અશક્તિ આવી ગઈ. આ કમળાની બીમારી લગભગ એક મહિનો ચાલી, પણ ભાગ્યે જ ચાર પાંચ દિવસ કામ વિનાના કે મુસાફરી વિનાના ગયા હશે. વળી નવેમ્બરમાં તેમને હરસની પીડા થઈ આવી અને તેનું ઑપરેશન કરાવવું પડ્યું. તેમાં લગભગ પંદર દિવસ ઇસ્પિતાલમાં રહ્યા.

એક વખત વડી સરકારના ગૃહમંત્રી સર હેન્રી ક્રેકે શ્રી ઘનશ્યામદાસ બિરલા સાથે વાત કરતાં સરદાર વિષે વાત કાઢી. તે ઉપરથી શ્રી બિરલાએ ગૃહમંત્રીની અને સરદારની મુલાકાત કરાવવા બંનેને તા. ૬–૨–’૩૫ના રોજ પોતાને ત્યાં ચા માટે બોલાવ્યા. હોમ મેમ્બરે અંગ્રેજ લોકોની સાચી દાનત વિશે અને નવા સુધારામાં તેઓ હિંદુસ્તાનને ખરેખર જવાબદાર તંત્ર આપવા માગે છે એ વિષે વાત કરી. સરદારે જણાવ્યું કે અંગ્રેજોની એવી શુભ દાનતનાં અમને તો કશાં ચિહ્ન જણાતાં નથી. હજી તો અમારા બધા આશ્રમો અને વિદ્યાલયો સરકારને કબજે પડ્યાં છે. તેનાં મકાનોની કશી સંભાળ લેવાતી નથી, એટલું જ નહીં પણ તે બગાડવામાં આવે છે. કેટલાયે માણસો જેમની બ્રિટિશ હિંદમાં મિલકત હોવા છતાં જે તેઓ દેશી રાજ્યમાં મિલકત ધરાવતા હોય તો તેમને દેશી રાજ્યોમાં હદપાર કરવામાં આવે છે અને બ્રિટિશ હદમાં આવવા દેવામાં આવતા નથી. એમની પોતાની પ્રાંતિક સમિતિના મંત્રી શ્રી મણિલાલ કોઠારી અને ગાંધીજીના સાબરમતી આશ્રમના મંત્રી શ્રી છગનલાલ જોષીના દાખલા તેમણે આપ્યા. અબદુલ ગફારખાનને તાજેતરમાં જ બહુ બેહૂદી રીતે સજા કરવામાં આવી હતી તેનું પણ વર્ણન કર્યું. આ નવા સુધારા કરતાં તો ભલે જૂનું બંધારણ ચાલુ રહે એમ પણ જણાવ્યું. હોમ મેમ્બરે કહ્યું કે આ બધું તમે લખીને આપો. તે ઉપરથી તેને બીજે દિવસે સરદારે ટૂંકી નોંધ લખીને મોકલી.