પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ

માટે તેમનું એક સંમેલન રાખવું. પણ આ વખતે તો ગાંધીજીને એક મહિનો પૂરો આરામ જ આપવો હતો એટલે સમેલન તા. ૨૦–૨–’૩૬ના રાજ બારડોલીમાં રાખ્યું. પણ બારડોલી આશ્રમ હજી જપ્તીમાંથી પાછો મળ્યો ન હતો, એટલે સંમેલન બારડોલીના એક જિનમાં ભરવામાં આવ્યું. ગાંધીજીનો મુકામ પણ જિનમાં જ રાખ્યો. સંમેલનનો કશો બોજો ગાંધીજી ઉપર ન પડે એટલા માટે સંમેલનનું બધું કામકાજ સરદારે જ ચલાવ્યું. ગ્રામસેવાનું મહત્ત્વ સમજાવતાં તેમણે કાર્યકર્તાઓને કહ્યું :

“લડાઈ જેવા ઉત્તેજનાના સમયમાં ઘણા સિપાઈઓ મળે, ચોમાસામાં સંખ્યાબંધ અળસિયાં નીકળે, કાતરા પડે, તેમ લડાઈ વખતે બધા ખેંચાઈ આવે છે. એ મહાસાગરના મંથનમાં સારા અને ખોટા બધા હોય છે. પણ ઊભરો શમી જતાં પેલા ખેંચાઈ આવેલાઓ શોધ્યા જડતા નથી. તે વખતે પણ સાચો ગ્રામસેવક મૂગું કામ કરતો જ રહે છે. લડાઈ અનિવાર્ય થાય ત્યારે લડતમાં પડે છે અને તેનો બોજો ઉપાડી લે છે. પણ ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક મૂંગી સેવા કરતા પોતાના ક્ષેત્રને વળગી રહે છે. એની સેવાના બદલામાં એને કોઈ હાર પહેરાવનાર, સરઘસ કાઢનાર, તાળી પાડનાર કે માંચડે બેસાડનાર નહીં મળે. ઊલટું એને તો રોટલા કાઢવા પણ મુશ્કેલ પડે અને હરિજનની સેવા કરે તો વળી પાણીનાયે વાખા પડે. આવી બધી અગવડોમાં જે માણસ અડગ રહે એ જ ગ્રામસેવક બની શકે છે, એ જ સાચો સિપાઈ છે. પણ ઘણા એ વસ્તુ સમજતા નથી અને લડાઈ શાંત હોય ત્યારે અધીરા થઈ જાય છે. બાબરા ભૂતની જેમ તમને ગમે તેની સાથે લડવાનું જોઈએ છે. સરકાર સાથે લડવાનું બંધ થર્યું એટલે તેઓ આપસઆપસમાં લડવા લાગે છે. એવા માણસ સેવક નહીં થઈ શકે.”

પછી ગ્રામઉદ્યોગની અને ગ્રામસફાઈની વાત કરીને અંતે કહ્યું :

“આખરે લોકો ઉપર છાપ તો આપણા ચારિત્ર્યની જ પડવાની છે. સેવક કેટલો ત્યાગી, સંયમી, સેવાપરાયણ અને ધીરજવાળો છે એની છાપ ગ્રામલોકો ઉપર પડે છે. અનેક તડકીછાંયડી આવી જાય છતાં ગ્રામસેવક આ ગુણો વડે લોકોના હૃદયમાં સ્થાન મેળવી શકશે.”

પણ બારડોલી આવેલા કાર્યકર્તાઓ ગાંધીજીને મળવા અને સાંભળવા ઈચ્છતા જ હતા. ગાંધીજીને પણ તેમને મળવાની ઈચ્છા હતી એટલે છેવટે સરદારે જાપ્તો જરા હળવો કર્યો અને કહ્યું કે, તમે પ્રશ્નો લખી આપો અને ગાંધીજી મહત્ત્વના પ્રશ્નોના જવાબ અડધા કલાકમાં આપશે. તે પ્રમાણે અડધા કલાકમાં બહુ મહત્ત્વની પ્રશ્નોત્તરી થઈ.

સરદાર બારડોલીથી ગાંધીજીની સાથે જ વર્ધા ગયા. કારણ વર્ધાની પાસે સાવલી ગામમાં માર્ચના પહેલા અઠવાડિયામાં ગાંધી સેવા સંઘનું સંમેલન રાખવામાં આવ્યું હતું.