પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સરદાર વલ્લભભાઈ


હિંદીને માટે પણ અંગ્રેજ જેવી કંઈ સગવડ તો નહીં જ આપવામાં આવતી હોય, એમ પૂછતાં કંઈ બરાબર જવાબ મળ્યો નહીં. મેં જેલ મેન્યુઅલ અને રૂલ્સની માગણી કરી. રૂલ્સ પ્રમાણે તે ન આપી શકાય એવો જવાબ મળ્યો. મેં કહ્યું કે તો પછી મારે લડવાને વિચાર કરવો રહ્યો, ચોપડીઓમાં મને ભગવદ્ ગીતા અને તુલસીરામાયણ આપવામાં આવ્યાં. એટલે બધી જ સગવડ મળી ગઈ એમ કહું તો ચાલે. પછી દસ વાગ્યે દાક્તર પાસે લઈ ગયા. નાના નાના બે છોકરા દાક્તર હતા. કેદીઓ તો તેમને ઉપાડીને નાસી જાય, એવા દૂબળા છોકરાઓ ચૌદસો કેદીઓની દવાની સગવડ કરતા હતા. વજન ૧૪૬ રતલ થયું. ઊંચાઈ ૫- /” માપી. પછી રજા આપવામાં આવી. પાછાં ફરતાં મને બીજી બૅરેકમાં લઈ ગયા. બહાર તો જુવેનાઈલ હેબીચ્યુલ નંબર ૧૨ એવું નામ આપેલું હતું. પરંતુ અંદર તો પાંચ બુઢ્ઢા કેદીઓ હતા અને એક આધેડ વયને ભંગી કેદી હતો. પાંચમાં એક બોદાલનો ચમાર, બીજો કટોસણનો બારૈયો, ત્રીજો ઉત્તર હિંદુસ્તાનનો રખડતો સાધુ ડાકોરથી પકડી આણેલો, ચોથો ઉત્તર હિંદુસ્તાનનો ભૈયો મુંબઈથી પકડાયલો, પાંચમો ઉત્તર હિંદુસ્તાનનો બુઢ્ઢો મુસલમાન. તેમાં મને મૂક્યો. બોદાલના ચમાર ડોસાને ૩૨૩માં સજા થયેલી, અને તેના છોકરાને ખૂનના આરોપ માટે દસ વર્ષની સજા થયેલી, કટોસણવાળાને વીરમગામ તાલુકામાં ચોરીના કામમાં સજા થયેલી. ત્રીજો ખૂનના કામમાં, ચોથો સારી ચાલના જામીનમાં અને પાંચમો તો લૂંટ, ધાડ, ખૂન વગેરે ૫૬ ગુના માટે એક દોઢસોની ટોળી પકડાયેલી તેમાં દસ વર્ષ માટે આવેલો હતા. તેણે પાંચ વર્ષ તો ભરી દીધેલાં. આ કેદીઓ ઉપર બે મુસલમાન વૉર્ડરો હતા. બેઉ ખૂનના કામમાં સજા ખાઈને આવેલા હતા. એક તો અમદાવાદમાં તેલિયા મિલ પાસે પોલીસને છરી મારવા માટે, પાંચ વર્ષની સજા ખાઈ, બીજી વખત જેલમાં આવેલો. નાનપણથી જ જેલમાં ઘર કરી રહેલો. અને બીજો પણ પાંચ વર્ષથી રહેલો. આ બધા ઉપર એક લાલખાં નામનો મુસલમાન સિપાઈ રાખવામાં આવેલો. અહીં મને લાવી મૂકવામાં આવ્યો. કેદી બિચારા મારી સારવાર કરવા પ્રયત્ન કરે. વૉર્ડરને કેદી કરતાં ખાવામાં કંઈ ફેરકાર છે. તેમને ઘઉંના રોટલા મળે અને કેદીને જુવારના. એટલે મારા જુવારના રોટલા જોઈ તેઓ મૂંઝાયા. સવારમાં જુવારના લોટની મીઠું નાખેલી કાંજી આપવામાં આવે. તે તો લેવાની જ ના પાડી. બપોરે એટલે સવારે દસ વાગ્યે અને સાંજે ચાર વાગ્યે એમ બે ટાણાં, એક એક રોટલો, ભાજી અગર દાળ ખાવા માંડ્યું. કેદીઓની સાથે જ ચલાવ્યું. સૌને બે બે રોટલા વજન કરેલા અને માપથી દાળ અગર ભાજી વારાફરતી મળતાં. આપણે તો એક રોટલો જ લેવાનો રાખ્યો. બહાર ચારપાંચ વખત પાયખાને જવું પડતું. ચા, સિગરેટ વગેરે લાલચ અને ખુશામત કરતાં પણ પેટનું ઠેકાણું પડતું નહીં. અહીં તો ખુશામત જ છોડી. અને રોજ એક વખત જ જવું એમ રાખ્યું. એટલે આખરે ત્રણ દિવસે ઠેકાણું પડ્યું. ત્રણ દિવસ તો પડી જ રહ્યા. રાતદિવસ આળોટવું અને ફરવું એટલું જ રાખ્યું. બરાકમાં ફરવાની જગ્યા સુંદર હતી. ત્રણ લીમડાનાં ઝાડ અને આશ્રમ જેવી સ્વચ્છતા. પાયખાનું સાફ, મારે માટે કેદીઓ અલગ જ રાખતા. પાણીનો નળ એટલે નાહવાની સરસ સગવડ, પણ ખુલ્લામાં એટલું જ,