પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
સરદાર વલ્લભભાઈ
જવાહરલાલ નેહરુની પ્રેરક નેતાગીરી તથા અદ્‌ભુત સહકારથી તેમ જ મારા સાથીઓ–બાબુ રાજેન્દ્રપ્રસાદ, પંડિત ગોવિંદવલ્લભ પંત, શ્રી ભૂલાભાઈ દેસાઈ વગેરેના અથાગ પરિશ્રમથી તથા આખા દેશે બતાવેલા ભારે ઉત્સાહથી આપણી ધારણા બહુ સારી રીતે સફળ થઈ છે. દક્ષિણમાં તો આપણને નમૂનેદાર વિજચ મળ્યો છે. ત્યાં ખ્રિસ્તીઓ પણ કૉંગ્રેસ ટિકિટ ઉપર ચૂંટાયા છે. તેનો જશ આપણા મહાન અને વિચક્ષણ નેતા શ્રી રાજગોપાલાચારીને ફાળે જાય છે.
“આપણા કામનો પહેલો તબક્કો પૂરો થયેલ છે. હવે બીજા તબક્કામાં આપણે પ્રવેશ કરવાનો છે. તેમાં આપણે સઘળો સમય અને શક્તિ ખર્ચવાં પડશે. ચૂંટણીઓ જીતવામાં જે નિશ્ચય, બળ અને એકતા આપણે બતાવી આપ્યાં છે, તેવાં જ ધારાસભાનો કાર્યક્રમ, ભલે ગમે તે નક્કી થાય, તે અમલમાં મૂકવામાં આપણે બતાવીશું તો, મને શક નથી કે આપણે વિરોધીઓને માત કરી શકીશું અને સ્વરાજનો દિવસ જલદી આણીશું. દિલ્હીમાં જે કૉંગ્રેસીઓ ભેગા થવાના છે તેઓ, મારી ખાતરી છે કે, નક્કર અને સંયુક્ત મોરચો કાયમ રહે તેમ કરવામાં કુશી કચાશ રાખશે નહીં. આપણા ધ્યેયે શી રીતે પહોંચવું તેની વિગતોની બાબતમાં આપણી વચ્ચે કદાચ મતભેદ હોય, પણ કૉંગ્રેસ કારોબારી જે કંઈ ઠરાવ કરશે તે ઠરાવને આપણે વફાદારીપૂર્વક વળગી રહીશું.
“બંધારણીય સુધારાના નવા કાયદાને નિષ્ફળ કરી નાખવાની કૉંગ્રેસની મુરાદ છે. તે મુરાદ ત્યારે જ બર આવે જ્યારે કૉંગ્રેસી ધારાસભ્યોના હાથ આપણી ધારાસભાની બહારની પ્રવૃત્તિઓથી આપણે મજબૂત કરીએ. દેશે તો કૉંગ્રેસ પ્રત્યેનો પોતાનો વિશ્વાસ અચૂક રીતે બતાવી આપ્યો છે. ચૂંટણીઓમાં વિજય મેળવીને કોંગ્રેસે પોતાની નવી લડત શરૂ કરી છે. ચૂંટણીઓમાં કૉંગ્રેસ વિજયી થઈ એટલે લંડનનું ‘ટાઇમ્સ’ પત્ર, ઇંગ્લંડનાં બીજાં પત્રો અને રાજદ્વારી પુરુષો કૉંગ્રેસને વણમાગી સલાહ આપવા બહાર પડ્યાં છે કે મતદારોનો વિશ્વાસ જાળવી રાખવો હોય તો તેણે કેવી રીતે વર્તવું જોઈએ.
“કૉંગ્રેસે પોતાના ચૂંટણીના જાહેરનામામાં જે કાર્યક્રમ રજૂ કર્યો છે તેને હિંદુસ્તાનના આ મિત્રો જુદો જ અર્થ કરવા લાગ્યા છે. પણ હિંદુસ્તાન તો જાણે છે કે કૉંગ્રેસને શું જોઈએ છે અને તેનો કાર્યક્રમ શો છે. લોકોને આપણે કશી ખોટી આશા આપી નથી. ચૂંટણીના જાહેરનામામાં દર્શાવેલા કાર્યક્રમમાં હિંદવાસીઓને શું જોઈએ છે અને સ્વરાજ સરકારમાં શું મળશે એસ્પષ્ટ કહેલું છે.”

હોદ્દાસ્વીકારની સામે મોટામાં મોટો વાંધો એ હતો કે નવા બંધારણમાં ગવર્નરો પાસે પાર વિનાના ખાસ અધિકારો અનામત રાખવામાં આવેલા હતા, એટલે જો ગવર્નરો ધારે તે, ભલે ધારાસભામાં બહુમતી હોય છતાં, પ્રધાનો કશુ મહત્ત્વનું કામ કરી શકે નહીં. આ વસ્તુને પહોંચી વળવા માટે ગાંધીજીએ એક નવો જ નુસખો કાઢ્યો. તેમણે કહ્યું કે ગવર્નરો બંધારણ મારફતે પોતાને મળેલા ખાસ હક્કો ગમે તેમ વાપરે નહીં, એટલું જ