પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
પ્રધાનપદાંનો સ્વીકાર
નહીં પણ બધી વાતમાં પ્રધાનમંડળની સલાહ મુજબ જ કામ કરે એવી ખાતરી આપે તો જ કૉંગ્રેસે પ્રધાનમંડળ રચવાં. મહાસમિતિએ ગાંધીજીની આ સલાહ માન્ય રાખી અને એ પ્રમાણે ઠેરાવ કર્યો. જેઓ પ્રધાનપદાં લેવા બહુ ઉત્સુક હતા તેઓ આ ઠરાવથી નિરાશ થયા. કારણ આ શરત સ્વીકારવી એનો અર્થ તો બંધારણની એટલી કલમો રદ કરવા જેવું હતું, અને બ્રિટિશ સરકાર એમાં સંમત થાય નહીં. જે પ્રધાનમંડળ રચવાની વિરુદ્ધ હતા તેઓ ખુશ થયા. કારણ તેમણે માન્યું કે બ્રિટિશ સરકાર આવી શરત કદી સ્વીકારવાની નથી અને પ્રધાનમંડળ રચી શકાવાનાં નથી. મહાસમિતિએ તો કૉંગ્રેસી ધારાસભ્યોને આદેશ આપ્યો કે તેઓએ પોતાના પક્ષના નેતાની ચૂંટણી કરવી અને જ્યારે ગવર્નર પ્રધાનમંડળ રચવાને સારુ નેતાને બોલાવે ત્યારે એણે મહાસમિતિના ઠરાવની શરત રજૂ કરવી અને સ્પષ્ટ કહેવું કે જો તમે ગવર્નર તરીકેના ખાસ અધિકારો ન વાપરવાની જાહેર ખાતરી આપો તો જ અમે પ્રધાનમંડળ રચવા તૈયાર છીએ. મહાસમિતિનો આ ઠરાવ જાહેર થતાંની સાથે દેશમાં ભારે ઊહાપોહ થયો. હિંદુસ્તાનમાં તેમ જ ઇંગ્લંડમાં કેટલાક મોટા મોટા બંધારણશાસ્ત્રીઓને તથા કાયદાશાસ્ત્રીઓને લાગ્યું કે આવી માગણી તદ્દન ગેરકાયદે અને બંધારણની વિરુદ્ધ છે. આપણે ત્યાં સર તેજબહાદુર સપ્રુએ જાહેર રીતે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો કે કૉંગ્રેસની આ માગણી તદ્દન બેહૂદી છે. તેની સામે મુંબઈના પ્રખ્યાત કાયદાશાસ્ત્રીઓ શ્રી બહાદુરજી તથા શ્રી તારાપુરવાળા જેઓ બંને એક વખત મુંબઈના ઍડ્‌વોકેટ જનરલ થઈ ગયા હતા તેમણે પોતાનો ચોકક્સ અભિપ્રાય આપ્યો કે કૉંગ્રેસની આ માગણીમાં બંધારણ વિરુદ્ધ કશું જ નથી. કીથ નામના ઇંગ્લંડના મોટા બંધારણશાસ્ત્રીએ પણ જણાવ્યું કે કૉંગ્રેસની માગણી પૂરેપૂરી કાયદેસર છે. બ્રિટિશ પ્રધાનોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી હિંદના બંધારણીય સુધારાના કાયદામાં ફેરફાર કરવામાં આવે નહીંં ત્યાં સુધી ગવર્નરોથી કૉંગ્રેસની માગણી સ્વીકારી શકાય નહીં. ગવર્નરોને જે ખાસ અનામત સત્તા આપવામાં આવી છે તે પ્રજાના અમુક વર્ગનાં હિતો જાળવવાને માટે છે. લધુમતી કોમો, બ્રિટિશ લોકોનાં હિંદુસ્તાનમાંનાં સ્થાપિત હિતો, પછાત વર્ગો અને પછાત વસ્તીવાળા પ્રદેશ તેમ જ દેશી રાજ્યો, એ બધાનાં હિતો જાળવવા માટે ગવર્નરને કાયદાથી ખાસ અનામત સત્તાઓ આપવામાં આવેલી છે. જરૂર પડ્યે એ વર્ગનાં હિતોના રક્ષણ અર્થે પોતાને મળેલી સત્તાઓ વાપરવાની તેમની ફરજ છે. તેમના ઉપર કાયદાએ નાખેલી આ ફરજો પોતે નહીં બજાવશે એવી ખાતરી ગવર્નરોથી કેમ આપી શકાય ?