પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
સાબરમતી જેલમાં


અપીલ કરવાનું પૂછતાં ના પાડી. મને જુવારનો રોટલો ખાતો જોઈને એક વૉર્ડર રોવા જેવો થઈ ગયો. પોતાનો ઘઉંનો રોટલો મારા સાથે બદલવા બહુ આગ્રહ કર્યો. પણ રૂલ વિરુદ્ધ કંઈ કરવાની મેં ના પાડી. એ ભલા વૉર્ડરનો મેં આભાર માન્યો.

તા. ૯-૩-’૩૦ રવિવાર: આખો દિવસ ઊંઘવામાં જે કાઢ્યો. રવિવારે ત્રણ વાગ્યાથી કોટડીમાં પૂરવામાં આવ્યા. બીજા દિવસોએ તો પાંચ સાડા પાંચ વાગ્યે પૂરે. સવારમાં સાડા છ વાગ્યે બહાર કાઢે. રવિવારે કપડાં ધોવા માટે ગરમ પાણી અને ખારો આપવામાં આવે છે. કેદીઓએ તેમાંથી નાહવાનું ગરમ પાણી મને કાઢી આપ્યું. એટલે એ દિવસે નાહ્યો. દસ વાગ્યા પછી રોટલા ખાઈ સૂતા. બપોરના ત્રણ વાગ્યે બે રોટલા, થોડું તેલ તથા ગોળ આપી તે સાથે ઓરડીમાં પૂર્યા. મેં તો તેલ લેવાની જ ના પાડી. એક તો ખાંસી લઈને જ આવેલો, અને કાચું તેલ ખાવાનો કંટાળો. સાંજે રોટલો અને ગોળ પાણીમાં પલાળી ખાઈ લીધાં. દાંત બે બાજુના ગયેલા હોવાથી, પાણીમાં પલાળ્યા સિવાય ખાઈ શકાતું નહોતું.

તા. ૧૦-૩-’૩૦ સોમવાર: બપોરના મહાદેવ અને કૃપાલાની મળવા આવ્યા. ઑફિસમાં મુલાકાત થઈ. સાહેબ સિંધના છે. ગુજરાતી આવડે નહીં અને અમારે અંગ્રેજી બોલવું નહીં. એટલે જરા ચડભડાટ થયો. છેવટે ચલાવ્યે રાખ્યું. ખેડા કલેક્ટરે જજમેન્ટની નકલ ન આપી એટલે મેં માગણી કરવા કબૂલ કર્યું, પૂછતાં ખબર આપી કે સામાન્ય કેદી તરીકે રાખવામાં આવે છે. મારી તો સ્વર્ગવાસ જેવી સ્થિતિ હતી. કારણ કે માથેથી બોજો અને ચિંતા જતાં જ રહેલાં. અને આરામનો તો પાર જ નહીંં. ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં. એટલે એ મુશ્કેલી નહોતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માંગણી કરતાં, ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહેરબાની જોઈતી જ નથી. એટલે લખવાનું માંડી વાળ્યું. કેસની બધી હકીકત મહાદેવે જાણી લીધી. તેમને પૂરી ખબર મળી નહોતી. જેલના રેંટિયા ઉપર સૂતરને વળ દેવાનું શરૂ કર્યું.

તા. ૧૧-૩-’૩૦ મંગળવાર : સ૨કારમાંથી કંઈક હુકમ આવ્યો કે મને ખાસ કદી તરીકે રાખવો અને સગવડ આપવી. મને જણાવવામાં આવ્યું. મેં કહ્યું કે મારે કશી સગવડ જોઈતી નથી. અહીં બધી જ વાતનું સુખ છે. માત્ર એક જ દુ:ખ છે. તે કહેવાની જરૂર નથી. સુપરિન્ટેન્ડેટના આગ્રહથી કહ્યું કે, જેમ હિંદુસ્તાનનું રાજ્ય આપણા જ લોકોથી ચાલે છે, તેમ આખી જેલમાં કોઈ અંગ્રેજ નથી, એટલે કોની સાથે લડવું ?

ત્રણેક વાગ્યે કલેક્ટર અને ડી. એસ. પી. મળવા આવ્યા. તેમણે મારે જે સગવડ જોઈએ તે કહેવાનું કહ્યું, મારે કંઈ જ નથી જોઈતું એમ મેં જવાબ આપ્યો. અને ખેડાના કલેક્ટરની અયોગ્ય વર્તણૂકની વાત કરી. જેલરનો અતિશય આગ્રહ જોઈ, ઘેરથી પથારી તથા થાળી, વાટકો, લોટો મંગાવ્યાં. અંબાલાલ શેઠની મોકલેલી છે ચોપડીઓ મળી. બત્તી રાખવાની રજા મળી એટલે રાતે અગિયાર