પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
સરદાર વલ્લભભાઈ

સરકાર સાથે મલ્લકુસ્તીનો અખાડો કરી મૂકીશું. પણ એ બાબતમાં ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું કે,

“આપણે હોદ્દા સ્વીકારીએ છીએ તે એટલા માટે નથી કે આપણે બંધારણનો સાંગોપાંગ અમલ કરવો છે; છતાં એનો અર્થ એ પણ નથી કે આપણે વારે વારે મડાગાંઠ ઊભી કરવી છે. જ્યાં સુધી આપણે ધારાસભાઓમાં બેઠા હોઈશું ત્યાં સુધી તો આપણે તેના કાયદાની મર્યાદામાં રહીને જ વર્તીશું. પરંતુ વિનીત વિચારના નેતાઓ જે રીતે બંધારણનો અમલ કરવાનું સમજે છે અથવા તો વચગાળામાં જે પ્રધાનો થઈ ગયા, તેમણે જે રીતે બંધારણનો અમલ કર્યો તે રીતે આપણે અમલ કરવાના નથી. બંધારણપૂર્વક જે સત્તાઓ આપણને મળી છે તે સત્તાનો ઉપયોગ બંધારણનો કાયદો ઘડનારાના હેતુઓ નિષ્ફળ થઈ જાય એ રીતે આપણે કરવાના છીએ. આપણે બંધારણનો અમલ તો કાયદાપૂર્વક જ કરીશું, પણ સરકારે અપેક્ષા રાખી છે એ રીતે નહીં કરીએ.”

મુંબઈ પ્રાંતમાં કૉંગ્રેસનું પ્રધાનમંડળ રચાયા પછી સરદારે પ્રધાનો પાસે પહેલું કામ એ કરાવ્યું કે ’૩રથી ’૩૪ની ગઈ લડતમાં ગુજરાત તથા કર્ણાટકમાં જે ખેડૂતોની જમીન સરકારે ખાલસા કરી હતી અને વેચી નાખી હતી તે તેમને પાછી મળી. આ એક કામ માટે પણ પ્રધાનપદાં લેવા સરદાર ઇંતેજાર હતા. તમારી જમીન તમારાં બારણાં ઠોકતી પાછી આવશે એમ સરદારે ખેડૂતોને સધિયારો આપ્યો હતો. એમ કહેવું જોઈએ કે મુંબઈના ગવર્નરે આ બાબતમાં બહુ સહાનુભૂતિ ભરેલું વલણ રાખ્યું અને સારી મદદ કરી. જોકે ઉત્તર વિભાગના કમિશનર મિ. ગૅરેટે આ કામમાં ગચ્ચાં નાખવાનો એનાથી થાય એટલો પ્રયત્ન કર્યો, પણ એનું કંઈ વળ્યું નહીં.

લગભગ સવા બે વરસ સુધી કૉંગ્રેસે આઠ પ્રાંતોમાં સત્તા ભોગવી, તે દરમ્યાન ઉપર જણાવેલી નીતિ અમલમાં મૂકતાં કેટલાક પ્રાંતોમાં ગવર્નરો સાથે મુશ્કેલીઓ અને ઘર્ષણો પણ ઊભાં થયાં. પણ તેની વિગતોમાં ઊતરતા પહેલાં મુંબઈ પ્રાંતમાં ધારાસભાના નેતાની ચૂંટણી બાબતમાં એક મોટો વિવાદ ઊભા થયો તેનું વર્ણન કરીશું.

શ્રી નરીમાન જેઓ મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ હતા અને નેતા થવાની ઉમેદવારી રાખતા હતા એટલું જ નહી પણ પોતાને જ નેતા ચૂંટવા જોઈએ એમ માનતા હતા તેમને નેતા ચૂંટવાને બદલે ધારાસભ્યોએ શ્રી બાળાસાહેબ ખેરને નેતા ચૂંટ્યા. સરદારે પોતાની લાગવગનો ગેરવાજબી ઉપયોગ કરીને તથા દ્વેષભાવ રાખીને પોતાને મુંબઈ ધારાસભાના નેતા ન ચૂંટાવા દીધા એવું આળ શ્રી નરીમાને સરદાર ઉપર મૂક્યું. મુંબઈમાં તેને લીધે હવા કાંઈક બગડી પણ ખરી. છેવટે એ વસ્તુ લવાદોને સોંપાઈ. લવાદોએ બધા પુરાવા તપાસીને સરદારનો કશો દોષ નહોતો એવું જાહેર કર્યું. એની વિગતો આગળના પ્રકરણમાં આપીશું.