પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૯
નરીમાન પ્રકરણ — ૧
નરીમાનના આક્ષેપો

ચૂંટણીઓનું પરિણામ બહાર આવ્યા પછી કૉંગ્રેસે હોદ્દા સ્વીકારવા કે કેમ તે બાબતનો વિચાર કરવા મહાસમિતિની મીટિંગ દિલ્હીમાં ૧૯૩૭ના માર્ચના ત્રીજા અઠવાડિયામાં મળવાની હતી. તેની સાથે જ તા. ૧૯ તથા ૨૦મી માર્ચે કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોનું એક સંમેલન રાખ્યું હતું. એ સંમેલન મળે તે પહેલાં જુદા જુદા પ્રાંતના ધારાસભ્યોએ પોતપોતાના નેતાની ચૂંટણી કરી લેવાની હતી, જેથી તે તે નેતાની મારફત વિચાર કરવાનું સંમેલનમાં સુગમ પડે. આ યોજના અનુસાર તા. ૧૨મી માર્ચે મુંબઈ પ્રાંતના બધા ધારાસભ્યોની એક મીટિંગ મુંબઈના કૉંગ્રેસ હાઉસમાં થઈ અને તેમાં શ્રી બાળાસાહેબ ખેરને સર્વાનુમતે મુંબઈ પ્રાંતના ધારાસભા પક્ષના નેતા ચૂંટવામાં આવ્યા. શ્રી નરીમાન સ્વરાજપક્ષ વખતે મુંબઈની ધારાસભામાં સ્વરાજપક્ષના નેતા હતા. ઉપરાંત તેઓ મુંબઈ પ્રાંતની પાર્લમેન્ટરી બોર્ડના પણ ચૅરમેન હતા. વળી લાંબા વખતના પોતાના કૉંગ્રેસના કાર્યને લીધે તથા પોતાની બાહોશીને લીધે ધારાસભ્યો પોતાને જ નેતા ચુંટશે એમ શ્રી નરીમાન આશા રાખતા હતા અને ખાતરીપૂર્વક માનતા પણ હતા. પણ તા. ૧રમીએ સવારમાં તેમને ખબર પડી ગઈ કે ધારાસભ્યો તેમને નેતા ચૂંટવાના નથી. એટલે તેમણે મીટિંગમાં હાજરી આપી નહીં. બીજા જ દિવસથી મુંબઈનાં ગુજરાતી, પારસી છાપાંઓએ તથા અંગ્રેજી પત્ર ‘બૉમ્બે સેન્ટીનલે’ જબરજસ્ત ઝુંબેશ ચલાવી કે નરીમાનને મોટો અન્યાય થયો છે, અને જોકે ધારાસભ્યો શ્રી નરીમાનને ચુંટવા ઈચ્છતા હતા છતાં પણ સરદારે પોતાની લાગવગ વાપરી તથા ધારાસભ્યો ઉપર ગેરવાજબી દબાણ આણી નરીમાનને ચુંટાવા દીધા નથી.

તા. ૧પમી માર્ચે છાપાંજોગું એક નિવેદન બહાર પાડીને શ્રી નરીમાને જણાવ્યું કે,

“ગમે તેમ બન્યું હોય — એક વ્યક્તિના હકો ગમે તેટલા હોય પણ એક કડડ શિસ્તપાલક વફાદાર કૉંગ્રેસી તરીકે બહુમતીનો ચુકાદો આનંદપૂર્વક અને કશા કચવાટ વિના મારે સ્વીકારી લેવો જોઈએ. આ ચૂંટણીથી મારી લાગણી દુભાઈ નથી એમ હું કહું તો એ અપ્રામાણિકતા ગણાય. પણ મારામાં શિસ્તની એટલી ભાવના છે અને જાહેર કર્તવ્યનું મને એટલું ભાન છે કે રાષ્ટ્રીય કાર્યમાં
૨૨૫