પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
નરીમાન પ્રકરણ — ૧
આવે છે તેમ સરદાર વલ્લભભાઈ પટેલના ગેરવાજબી દબાણથી નેતાની પસંદગી કરવામાં આવી છે તો જરૂર સમિતિ ફરીથી ચૂંટણી કરવાનો હુકમ કરત. પણ એમ કરવાનું સમિતિને જરા પણ કારણ જણાયું નથી. ધારાસભ્યોના સંમેલન માટે દિલ્હીમાં હાજર એવા ૪૭ સભ્યોએ લેખિત જાહેરાત કરેલી છે કે શ્રી ખેરની પસંદગી સ્વતંત્ર રીતે અને સર્વાનુમતે થયેલી છે. એટલે આ સમિતિ એ ચૂંટણીને બહાલી આપે છે અને વર્તમાનપત્રોને તથા લાગતીવળગતી બીજી વ્યક્તિઓને અપીલ કરે છે કે પોતાને નેતા ચૂંટવાની બાબતમાં સઘળાં દૃષ્ટિબિંદુને વિચાર કરીને પક્ષે કરેલા છેવટના નિર્ણયની સામે પ્રચાર બંધ કરે. અમે એમ માનીએ છીએ કે હજી વધુ પ્રચાર ચાલુ રાખવામાં આવશે તો એનો અર્થ એ થશે કે પક્ષને ધાકધમકીથી બિવડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કૉંગ્રેસના ઉદ્દેશો અને હેતુઓ સાથે જેમની સહાનુભૂતિ છે એવા તમામને અમે વિનંતી કરીએ છીએ કે આ જાતની પ્રવૃત્તિને ઉત્તેજન આપવું નહીં.”

મુંબઈ પાછા આવ્યા પછી તા. ૨૩મી માર્ચે શ્રી નરીમાને છાપાંજોગું નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,

“રાષ્ટ્રની ઊંચામાં ઊંચી સત્તાએ જે ચુકાદો આપ્યો છે તે મારે છેવટનો ગણવો જોઈએ. જેઓ સાચા અને વફાદાર કૉંગ્રેસીઓ છે તેમણે આ ખેદજનક પ્રકરણને પૂરું થયેલું ગણવું જોઈએ.”

પરંતુ એની સાથે તેઓ એવું કહેતાં પણ ચૂક્યા નહીં કે,

“એક નાની કોમના અદના સેવકને ન્યાય આપવા સારુ તેના આટલા બધા હિંદુ મિત્રો અને પ્રશંસકોએ વિરોધ ઉઠાવ્યો તે મારે માટે બહુ સંતોષ લેવા જેવું છે.”

વર્તમાનપત્રોનો પ્રચાર તો ચાલુ જ રહ્યો. તેમાં શ્રી ગંગાધરરાવ દેશપાંડે, શ્રી શંકરરાવ દેવ તથા શ્રી અચ્યુત પટવર્ધનનાં નામ સરદારના સાગરીતો તરીકે બહુ ગવાતાં હતાં એટલે તેમણે તા. ૨૬મી માર્ચે છાપાંજોગું નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,

“અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની મેળે થઈને આ બાબતમાં કશો ભાગ લીધો નથી અને એક પણ મતદાર ઉપર પોતાની લાગવગ વાપરી નથી. કેટલાક સભ્યો તથા મંડળ સાથે ચર્ચા કરતાં અમને પોતાને જ એમ લાગ્યું કે કૉંગ્રેસ જે નવા પ્રયોગનો આરંભ કરે છે તેને સારી રીતે ફતેહમંદ કરવા માટે ધારાસભા પક્ષનો નેતા એવો હોવો જોઈએ કે જે સભ્યોના બહુ મોટા ભાગનો વિશ્વાસ ધરાવતો હોય. આવી રીતે બધાને માન્ય થઈ પડે એવા અમને શ્રી ખેર લાગ્યા. તા. ૧રમીએ સાંજે કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાના નેતાને પસંદ કરવા માટે ભેગા થયા હતા ત્યારે લગભગ પંદર સભ્યો સિવાય બીજા તમામ શ્રી ખેરને ચૂંટવાના મતના હતા એટલે એમનું નામ નેતા તરીકે રજૂ કરવામાં આવ્યું અને સૌએ તે સર્વાનુમતે સ્વીકારી લીધું.”