પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સરદાર વલ્લભભાઈ


આ બધું થયા છતાં મુંબઈનાં અમુક વર્તમાનપત્રોમાં તો આ ઝેરી પ્રચાર ચાલુ જ રહ્યો. તા. ૧૨મી મેએ શ્રી નરીમાને કૉંગ્રેસના પ્રમુખ પંડિત જવાહરલાલજીને એક લાંબો કાગળ લખીને જણાવ્યું કે,

“૧૭મી માર્ચની દિલ્હીની કારોબારી સમિતિની બેઠકમાં મને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મેં સરદાર વલ્લભભાઈ ઉપર આરોપ મૂકેલો કે શ્રી શંકરરાવ દેવ તથા શ્રી ગંગાધરરાવ દેશપાંડે મારફત મહારાષ્ટ્ર તથા કર્ણાટકના ધારાસભ્યોના મતો ફેરવી નાખવા માટે સરદાર જ મુખ્યત્વે જવાબદાર છે. ત્યાં મેં એમ પણ કહેલું કે ચાર દિવસ પહેલાં એટલે તા. ૮મી માર્ચે મહારાષ્ટ્રના ત્રીસ ધારાસભ્યો ચાપાણી માટે ભેગા થયા હતા અને તેમણે મને (શ્રી નરીમાનને) મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ એવું નક્કી કર્યું હતું. તે વાત મરાઠી પત્ર ‘નવાકાળ’માં બહાર પડી અને બીજાં પત્રોમાં પણ આવી. સરદાર વલ્લભભાઈ પટેલના વાંચવામાં એ તા. ૯મી માર્ચે આવી, એટલે તે જ દિવસે અમદાવાદથી તેમણે શ્રી શંકરરાવ દેવ તથા શ્રી ગંગાધરરાવ ઉપર નીચે પ્રમાણે તારો કર્યા :
“‘શ્રી શંકરરાવ, પૂનાના હેવાલોથી મને ચિંતા થાય છે. અચ્યુતે અને તમારે મને મુંબઈમાં ગુરુવારે (તા. ૧૨મીએ) મળવું.’
“બીજો તાર ગંગાધરરાવને :
“ ‘મને ગુરુવારે મુંબઈમાં મળો.’
“આ તારો હમણાં મારા હાથમાં આવ્યા છે એટલે સરદાર વલ્લભભાઈના ગેરવાજબી વર્તનનો આ નવો પુરાવો મને હાથ લાગ્યો છે, તે હું તમારા ધ્યાન ઉપર લાવું છું. શ્રી શંકરરાવ, શ્રી ગંગાધરરાવ તથા શ્રી અચ્યુત પટવર્ધન તા. ૧૧મીએ મુંબઈ આવ્યા અને તા. ૧રમીએ મહારાષ્ટ્રના ધારાસભ્યો મુંબઈમાં સરદારગૃહમાં ભેગા થયા ત્યારે સરદારના કહેવાથી મારી વિરુદ્ધ તેમના કાન તેમણે ભભેર્યા. મેં ૧૯૩૪માં વડી ધારાસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને દગો દીધેલો એમ કહી હું ધારાસભાનો નેતા થવાને લાયક નથી એવો પ્રચાર પણ તેમણે કરેલો. આ ખેદજનક અને ન ગમે એવો પ્રસંગ હું ફરી ઉખેળવા ઇચ્છતો નથી. માત્ર તમારી ન્યાયબુદ્ધિને અપીલ કરવા માગું છું કે આ તારમાંથી આટલી ખાતરીલાયક સાબિતી મળવા છતાં તમે હજી શ્રી વલ્લભભાઈનું કહેવું માનો છો ખરા કે આ પ્રકરણમાં તેમનો કશો હાથ નહોતો? બીજા પ્રાંતોમાં તો પ્રાંતિક સમિતિના પ્રમુખો કે બીજા નેતાઓએ ધારાસભાના નેતાની ચુંટણીમાં કશી દખલ કરી નથી. ચૂંટાયેલા ધારાસભ્યના હક્કની એ વાત છે. પણ મુંબઈ પ્રાંતમાં શ્રી વલ્લભભાઈએ ભારે દખલ કરી છે. આ તારો ઉપરથી આપ જોઈ શકશો કે શ્રી વલ્લભભાઈ પટેલની ખોટી રજૂઆતથી દોરવાઈને કારોબારી સમિતિએ મારી સામે અન્યાયી, એકપક્ષી અને કંઈક કઠોર ઠરાવ પસાર કર્યો છે. આ પ્રકરણમાં સરદાર બિલકુલ દોષમુક્ત છે, એવું છાપાંજોગું નિવેદન તેમની ઇચ્છા મુજબ બહાર પાડવાની મેં ના પાડી તેથી એવો ભય રાખવાને મને વાજબી કારણો છે કે તેઓ ભવિષ્યમાં મારી વધુ સતામણી કરશે. તેઓ પાર્લમેન્ટરી સબ કમિટીના ચૅરમૅન છે એટલે મારી ભવિષ્યની પાર્લમેન્ટરી કારકિર્દી તેમની દયા ઉપર રહે એ ન્યાયી નથી.”