પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
નરીમાન પ્રકરણ — ૧

એ જ કાગળમાં ફરી પાછું લખ્યું કે,

“જોકે આ પ્રકરણ હું ફરી પાછું ઉખેળવા માગતો નથી, પણ મને જે વધુ પુરાવો મળી આવ્યો છે તેનાથી સંસ્થાના વડા તરીકે તમને વાકેફ કરવા એ મારી ફરજ સમજીને મેં આ તમને લખ્યું છે જેથી આખા પ્રસંગનો સાચો અને ન્યાયી ખ્યાલ તમને આવી શકે.”

તે વખતે પંડિત જવાહરલાલજી બર્મા અને મલાયાની સફરે ગયા હતા એટલે આ કાગળ તેમને ત્યાં મોકલવામાં આવ્યો. દરમ્યાન પેલા બે તારોની ફોટો પ્રિન્ટ મુંબઈના ‘કૈસરે હિંદ’ તથા બીજા પેપરોમાં એવી ટીકા સાથે પ્રસિદ્ધ થઈ કે સરદારે કર્ણાટક તથા મહારાષ્ટ્રના ધારાસભ્યો ઉપર દબાણ વાપર્યું હતું તેનો નિર્ણાયક પુરાવો આ તારો પૂરો પાડે છે. તા. ૯મી જૂને શ્રી શંકરરાવ દેવ તથા શ્રી અચ્યુત પટવર્ધને છાપાંજોગ નિવેદન બહાર પાડીને તારોનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે,

“મહારાષ્ટ્રની પ્રાંતિક સમિતિ તા. ૭મી માર્ચે મળી હતી અને તેણે બહુમતીથી ઠરાવ્યું હતું કે કૉંગ્રેસે હોદ્દા સ્વીકારવા નહીં. પરંતુ મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ધારાસભ્યો હોદ્દા સ્વીકારવાના મતના હતા. એટલે બીજે જ દિવસે તા. ૮મી માર્ચે ચાપાણીના મેળાવડામાં ભેગા થઈ અવૈધ રીતે તેમણે હોદ્દા સ્વીકારવાનું ઠરાવ્યું. એટલું જ નહીં પણ વીર નરીમાન મુખ્ય પ્રધાન થાય અને દરેક પ્રાંતના ધારાસભાના સભ્યોની સંખ્યાના પ્રમાણમાં તે તે પ્રાંતના પ્રધાનો રાખવામાં આવે એવું પણ ઠરાવ્યું. પ્રધાનોનાં નામ પણ સૂચવ્યાં. આ વસ્તુ ૯મી જૂનનાં છાપાંઓમાં સરદારના વાંચવામાં આવી એટલે તેમને લાગ્યું કે હજી તો કૉંગ્રેસની મહાસમિતિએ હોદ્દા સ્વીકારવા કે નહીં એ પણ નક્કી કર્યું નથી તે પહેલાં અમુક ધારાસભ્યો હોદ્દા સ્વીકારવાનું ઠરાવે અને તેની વહેંચણી કરવા પણ બેસી જાય તેની વાતાવરણ ઉપર બહુ માઠી અસર થાય. કૉંગ્રેસ પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારને લાગ્યું કે આ જાતની બિનજવાબદારીભરી અને હોદ્દાની લાલચભરી ચર્ચાઓ બંધ કરવી જોઈએ. તેથી તેમણે અમને તાર કરીને બોલાવેલા. શ્રી ગંગાધરરાવને પણ એટલા માટે બોલાવેલા કે, જોકે તેઓ કર્ણાટકમાં કામ કરે છે પણ તિલક મહારાજના જૂના સાથી તરીકે અને વયોવૃદ્ધ આગેવાન તરીકે મહારાષ્ટ્રના કાર્યકર્તાઓમાં તેમનું બહુ વજન છે. એટલે અમે ત્રણે થઈને મહારાષ્ટ્રના ધારાસભ્યોને આવી નુકસાન પહોંચાડે એવી ચર્ચા ન કરવાનું સમજાવીએ. તાર કરીને અમને બોલાવવામાં શ્રી નરીમાન વિરુદ્ધ પ્રચાર કરવાનો સરદારનો હેતુ જરા પણ નહોતો.”

તા. ૧૧મી જૂને શ્રી ગંગાધરરાવ દેશપાંડેએ પણ આવી જ મતલબનું નિવેદન બહાર પાડ્યું. પરંતુ મુંબઈનાં વર્તમાનપત્રો એ તો આ તારોનો કાગમાંથી વાઘ કર્યો હતો અને સરદાર ઉપર ચિત્રવિચિત્ર આક્ષેપો કરવા માંડ્યા હતા. જૂનની અધવચમાં જવાહરલાલજી બર્મા–મલાયાના પ્રવાસમાંથી પાછા આવ્યા ત્યારે આ બધા આક્ષેપો અને બિનજવાબદાર પ્રચાર જોઈને