પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
નરીમાન પ્રકરણ — ૧

જરૂર લાગશે તો તમને લખી જણાવીશ. આ વસ્તુ લેખી રૂપમાં રહે એટલા માટે તા. ૮મી જુલાઈએ શ્રી જવાહરલાલે શ્રી નરીમાનને લખી જણાવ્યું કે,

“જોકે તમારા કાગળો બહુ લાંબા હોય છે છતાં તેમાં જરાય સ્પષ્ટતા હોતી નથી. એટલે તમે શું કહેવા માગો છો, તમારે શું જોઈએ છે અને તમારા ચોક્કસ આક્ષેપો શા છે એ સમજવું મને મુશ્કેલ પડે છે. એક તરફથી તમે કહો છો કે તમારી સતામણી થઈ રહી છે અને એ સતામણી સામે તમારે રક્ષણ જોઈએ છે. બીજી તરફથી તમે કહો છો કે આ વસ્તુ ફરી ઉખેળવા હું ઇચ્છતો નથી. વળી પાછા કહો છો કે જો એ ઉખેળવામાં આવે તો મને પૂરી તપાસ મળવી જોઈએ. આ બધું ગોટાળાભરેલું છે. એટલે મારી તમને વિનંતી છે કે આ બાબતમાં તમારી સ્થિતિ શી છે તે તમે મને સ્પષ્ટ જણાવો. બીજું સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજાઓ સામે તમે જે જાતજાતના આક્ષેપો મૂકો છો અને ફરિયાદો કરો છો તેની યાદી તમે મને સ્પષ્ટ અને ચોક્કસ ભાષામાં આપો. આવી યાદી મારી સામે હોય તો જ તમારે શું જોઈએ છે અને અમે શું કરીએ એમ તમે ઇચ્છો છો એ અમને સમજ પડે. આ મારા સવાલોના જવાબો તમે મને આપો તો કારોબારી સમિતિમાં તેના ઉપર વિચાર થઈ શકે.”

કારોબારી સમિતિની બેઠક પૂરી થયા પછી તા. ૯મી જુલાઈએ સરદારે ગાંધીજીની સલાહ અને આગ્રહથી વર્ધાથી નીચેનું નિવેદન બહાર પાડ્યું :

“મુંબઈ ધારાસભાના કૉંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણી બાબતમાં વર્તમાનપત્રોમાં દુઃખદ ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધી ઇરાદાપૂર્વક અને પ્રયત્નપૂર્વ આ બાબતમાં મેં મૌન સેવ્યું છે. પણ મને લાગે છે કે જનતાની જાણ માટે એક ટૂંકુ નિવેદન કરવાનો સમય મારે માટે આવી લાગ્યો છે.
“શ્રી નરીમાનનું સૂચન એવું છે કે નેતાની ચુંટણીની બાબતમાં મેં ગેરવાજબી લાગવગ વાપરી છે. શ્રી ગંગાધરરાવ દેશપાંડે, શ્રી શંકરરાવ દેવ તથા શ્રી અચ્યુત પટવર્ધન જેમની મારફત મેં દબાણ વાપર્યાનું કહેવાય છે. તેમણે આ સૂચનાનો ભારપૂર્વક ઇન્કાર કર્યા છતાં આક્ષેપ ચાલુ જ રાખવામાં આવ્યો છે. જનતા એ પણ જાણે છે કે ધારાસભાના બહુ મોટા ભાગના સભ્યોએ લેખી નિવેદન દ્વારા આ આક્ષેપોનો ઇન્કાર કર્યો છે. હવે મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું કહું છું કે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ચૂંટણીને અસર પહોંચાડી નથી. હકીકત આ પ્રમાણે બનેલી : ૪થી માર્ચની સવારે શ્રી નરીમાન મારે ત્યાં આવ્યા અને ખાનગી મુલાકાતની માગણી કરી. હું તો તે જ વખતે તેમની સાથે વાત કરવા તૈયાર હતો. પણ એમની સૂચનાથી એવું ગોઠવવામાં આવ્યું કે અમારે સાંજે વરલી ઉપર ફરવા જવું. તે મુજબ પોતાની ગાડીમાં તેઓ મને વરલી લઈ ગયા. ત્યાં પોતાને નેતા ચૂંટવામાં મદદ કરવાની તેમણે મારી પાસે માગણી કરી. મેં કારણો આપી તેમને જણાવ્યું કે હું તેમને મદદ કરી શકું એમ નથી. સાથે સાથે એ પણ જણાવ્યું કે તેમની વિરુદ્ધ હું કોઈના ઉપર પણ અસર પહોંચાડીશ નહીં.