પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સરદાર વલ્લભભાઈ

વાગ્યા સુધી રામાયણ વાંચ્યું. આજથી ચા, દૂધ, દહીં અને રોટીની સગવડ થઈ, તેથી પેલો વૉર્ડ૨ બિચારો ખૂબ રાજી થયો.

તા. ૧૨-૩-’૩૦ બુધવાર: સવારના ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના કરી. ગીતા વાંચી. આજે છ સાડા છ વાગ્યે બાપુ આશ્રમમાંથી નીકળવાના તે યાદ કરી, ખાસ ઈશ્વરસ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માગી. સવારે નવ વાગ્યે મિ. જોષી મૅજિસ્ટ્રેટ આવ્યા. રસ્તામાં લોકોની ભારે ભીડ જામેલી તેથી તેમને વાર થઈ. પછી તેમણે બાર-ઍસોસિયેશનનો ઠરાવ થયાની અને તે ઠરાવ મિ. ડેવિસ *[૧] મારફતે હાઈકોર્ટમાં મોકલી આપવાની માગણી કર્યાની વાત કરી. સાંજના સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા તેમને મારા તરફથી મિ. ડેવિસને ખાસ સંદેશો મોકલવા વિનંતી કરી, અને કહેવરાવ્યું કે, એવો ઠરાવ મોક્લવાની કશી જ જરૂર નથી. અને તેમણે મોકલવો ન જોઈએ એવી મારી ઇચ્છા છે. તેઓ ખાસ જઈને ડેવિસને કહીં આવ્યા.

આજથી સવારના એક રોટી અને બે ઔંસ બટર મંગાવ્યાં છે.

તા. ૧૩-૩-’૩૦ ગુરુવાર : ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના અને રામાયણ. મિ. ડેવિસ મળવા આવ્યા. ઘેરથી ખાટલો પથારી આવ્યાં. બહાર સૂવાની રજા મળી. બત્તી બહાર મૂકી રાતે વાંચ્યું. અંબાલાલભાઈને ત્યાંથી ડેક ચૅર આવી. જજમેન્ટની નકલ મળી. આજે વળી જેલર કહે કે સરકારનો મને અ વર્ગના કેદી તરીકે રાખવાનો હુકમ આવ્યો છે. એટલે તમે જે સગવડ જોઈએ તે માગજો.

તા. ૧૪-૩-’૩૦ શુક્રવાર: ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના વગેરે. માવળંકરને બોલાવવા કાગળ લખ્યો. રેંટિયો, પૂણી અને લખવાનો સામાન આવ્યો.

આજે હોળીનો તહેવાર હોવાથી કેદીઓને અઢી વાગ્યે કોટડીમાં પૂર્યા અને પોલીસો રજા ઉપર ગયા. ખાવાના રોટલા બે વાગ્યે આપ્યા. તે કોટડીમાં જ ખાવાના.

તા. ૧૫-૩-’૩૦ શનિવાર : આજે સવારે અઢી વાગ્યે ઊઠ્યો. ‘Emma Hamilton’ ચાર વાગ્યા સુધી વાંચીને પૂરી કરી. પછી પ્રાર્થના કરી અને રામાયણ વાંચ્યું. પાંચ વાગ્યે O’Connorનું ‘Memoirs of An Old Parliamentarian Vol. 1’ વાંચવાનું શરૂ કર્યું. સાત વાગ્યા પછી એક કલાક ફર્યો અને પછી નાહવાધોવાનું કરી પરવાર્યો. માવળંકર અને મહાદેવને મળવા ઑફિસમાં લઈ ગયા. બારડોલીથી હિસાબ ઑડિટ થઈ આવેલો તેમાં સહીઓ કરી દીધી. પછી ફેંસલાની નકલ દાદાને આપી. કાયદાની ચર્ચા કરી. કેસના તમામ રેકર્ડની નકલ માગવા, ખેડાના કલેક્ટરને અરજી કરી. આવીને જમ્યો. પછી રેંટિયો ચલાવ્યો. આજે ધુળેટી હોવાથી બે વાગ્યાથી જેલના નોકરોને રજા આપવાની એટલે કેદીઓને બે વાગ્યાથી કોટડીમાં પૂરી દીધા. રાતના દસ વાગ્યા સુધી વાંચ્યું.

તા. ૧૬-૩-’૩૦ રવિવાર: સવારે ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, કસરત, વાંચવાનું. છ વાગ્યે દાતણ પાણી. એક કલાક ફર્યો. નાહીધોઈ ગીતાપાઠ. પછી વાંચ્યું. દસ વાગ્યે ભોજન. અડધો કલાક સૂતો. પછી બે કલાક રેંટિયો ચલાવ્યો.


  1. *અમદાવાદના ડિસ્ટ્રિકટ જજ. તેઓ વિલાયતમાં સરદારના સહાધ્યાયી અને મિત્ર હતા. ત્યારની મૈત્રી હિંદુસ્તાનમાં પણ કાયમ રહેલી.