પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
નરીમાન પ્રકરણ — ૧
છે તે રીતે ચાલવા દઈને તમે તમારા સાચા મિત્રોને તમારાથી વિમુખ કરો છે. તમે જો કારોબારીનો નિર્ણય સ્વીકારી લીધો હોય તો તમારે સાફ સાફ એમ કહી દેવું જોઈએ અને સરદારને તમારી સામે ગેરવાજબી રીતે પોતાની લાગવગ વાપર્યાના આક્ષેપમાંથી મુક્ત કરવા જોઈએ. પણ એ વસ્તુ તમે કરતા નથી, તો સરદારની સામેનો તમારો આક્ષેપ તમારે સાબિત કરવો જોઈએ. બંનેની પસંદગીના પંચ આગળ હાજર થવાની તેઓ જ્યારે સૂચના કરે છે ત્યારે આ ચળવળ જે તમને અને તમને એકલાને જ નુકસાન પહોંચાડી રહી છે તે બંધ કરવાને તમે ન્યાયથી બંધાયેલા છો. હું તમને આટલું નિખાલસપણે લખું છું તેનો અર્થ એ ન કરશો કે હું તમારી સામે ભરમાયેલો છું. મારું નિખાલસપણું એ તો મારી શુભેચ્છાનો પુરાવો છે. મારા ઉપર દરરોજ લોકોના કાગળ આવે છે કે તમે આમાં વચ્ચે પડો અને જાહેરમાં તમારો અભિપ્રાસ આપો. હું એ બધાને કહું છું કે હું તમારી સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યો છું. મારા કાગળો તમે કોઈને પણ બતાવો તેમાં મારા તરફથી કશો વાંધો નથી.”

આમ છતાં તા. ૨૮મી જુલાઈએ શ્રી નરીમાને વળી એક નિવેદન બહાર પાડ્યું, એટલે તા. ર૯મીએ ગાંધીજીએ તેમને લખ્યું કે,

"તમે તો ભારે વિચિત્ર જણાઓ છે. મારી સાથે પત્રવ્યવહાર ચલાવો છો ત્યાં સુધી પણ તમારાથી રાહ જોવાતી નથી. તમારા આ છાપાંજોગા કાગળથી મને જાહેર નિવેદન કરવાની ફરજ પડશે. બને ત્યાં સુધી એ હું ટાળવા ઇચ્છું છું. કારોબારી સમિતિએ પંચ નીમવાની ના કહી જ નથી. તેમણે તો તમને એમ કહ્યું છે કે પંચ નીમવું કે નહીં એનો તેઓ વિચાર કરી શકે એટલા માટે તમારે તહોમતનામું ઘડીને તેમને આપવું જોઈએ.”

આના જવાબમાં શ્રી નરીમાને ૩૦મી જુલાઈએ જણાવ્યું કે,

હું બહુ કઠણ પરિસ્થિતિમાં મુકાયેલો છું. એક તરફથી મારા ઉપર પાર વગરનું દબાણ લાવવામાં આવે છે કે તમારે આ વસ્તુને છોડી દેવી જોઈએ. બીજી તરફથી જે જે ગૃહસ્થોને હું પંચ થવા કહેવા જાઉં છું તે પણ મને સલાહ આપે છે કે આ વસ્તુ તમારે પકડી રાખવા જેવી નથી.”

ગાંધીજીએ તેમને સલાહ આપી કે,

તમારે તપાસ ન જોઈતી હોય તો મનમાં કોઈ પણ જાતની ગાંઠ રાખ્યા વિના તમારે સાફ સાફ એમ કહેવું જોઈએ. બીજાઓ તમને તપાસ છોડી દેવાનું કહે છે એમ કહેવાનો કશો અર્થ નથી. મને તમારું નિવેદન જરાય ગમ્યું નથી. ભલે અજાણતાં હોય, પણ દેશના કામને તમે કેટલું નુકસાન કરી રહ્યા છો એનો તમને ખ્યાલ નથી. તમે કહો છો કે સરદાર તો મારા લેફ્ટનન્ટ છે, ત્યારે તમે શું ઓછા લેફ્ટેનન્ટ છો ? બેમાં ફેર એટલો છે કે જ્યારે હું તેમનાથી જુદો મત ધરાવું છું અથવા તેમની ભૂલો બતાવું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ ભરમાઈ જતા નથી. તમને તો તમારી ભૂલો બતાવું ત્યારે જરાય ધીરજ રહેતી નથી. કારોબારી સમિતિના બધા સભ્યો કાંઈ તમારા દુશ્મન નથી. છતાં બધાની સામે તમે મનમાં કચવાટ સેવ્યાં કરો છો. મારી સામે પણ તમે ભરમાયેલા હોવા છતાં